વિવિધ દેશોમાં પતંગ .
ભારતમાં મકર સંક્રાંતિ કે ઉત્તરાયણનો તહેવાર એટલે પતંગ ચગાવવાનો તહેવાર ગણાય છે. પતંગની સૌથી વધુ મજા પેચ લડાવવામાં છે. પતંગોત્સવ હરીફાઈઓ પણ યોજાય છે. ભારતના પતંગને વિશ્વભરના લોકો ફાઈટર કાઈટ કહે છે.
પાકિસ્તાન અને અફઘાનિસ્તાનમાં પતંગને ગુડીબાઝી કે પતંગબાઝી કહે છે. ત્યાં જશ્ને બહરાન નામના તહેવારમાં પતંગ ચગાવાય છે. ત્યાં કપાયેલા પતંગ લૂંટવાને અપશુકન ગણવામાં આવે છે.
વિયેટનામમાં પૂંછડી વિનાના પતંગ ચગાવાય છે પરંતુ ત્યાં પતંગ સાથે લાકડાની નાની વાંસળી બાંધવાનો રિવાજ છે એટલે પતંગ ચગે ત્યારે વાંસળી વાગે તેવું સંગીત પ્રગટે છે.
ચીનમાં પ્રાચીન કાળથી પતંગ ચગાવાય છે. ચીનના શાનડોંગ પ્રાંતનું વેઈફાંગ શહેર પતંગનું પાટનગર છે. વિશ્વનું સૌથી મોટું પતંગ મ્યુઝિયમ આ શહેરમાં છે. ચીનમાં પતંગ માટે પરંપરાગત છ વિસ્તારો છે. દરેકની પોતાની ડિઝાઈન અને પરંપરા જુદી જુદી હોય છે.
યુરોપના દેશોમાં ઇસ્ટર અગાઉના ત્રણ દિવસ પતંગ ચગાવવાનો રિવાજ છે. પરંપરાગત બર્મૂડા પતંગ જાણીતા છે.
દક્ષિણ અમેરિકામાં પણ ઇસ્ટરના તહેવારમાં પતંગ ચગાવાય છે. ઇસુના પૃથ્વી પર પુનરાગમનના પ્રતીક રૂપે પતંગ ચગાવાય છે.
જાપાનમાં પતંગની સૌથી વધુ ડિઝાઈન અને આકારની વિવિધતા જોવા મળે છે. જાપાનમાં ભૂતપ્રેતને ભગાડવા પતંગ ચગાવવાની પ્રથા છે. આ ઉપરાંત બાળકના જન્મની ખુશાલીમાં પણ પતંગ ચગાવાય છે.
ઇન્ડોનેશિયામાં વૃક્ષોનાં મોટાં પાનના પતંગ ચગાવવાનો પરંપરાગત રિવાજ છે. ટાપુઓ પર પવનનું જોર વધુ હોવાથી ઇન્ડોનેશિયામાં કાપડ તેમજ પ્લાસ્ટિકના વિરાટ પતંગ બનાવવાની પ્રથા છે.