ભારતીય સંસ્કૃતિની ધરોહરના મહાન ઋષિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ
પ્રાણપ્યારા ગુરૂહરિના 86મા જન્મદિને ભાવવંદના...
નિયમ અને નિશ્ચય હોય તેને અક્ષરધામમાં જતા કોઈ રોકી ન શકે. નિશ્ચય અને નિયમથી અંતરની શુધ્ધિ થાય છે. તેનાથી ભગવાન સાથે જોડાણ થાય છે. અત્યારે શ્રીજી મહારાજ પ્રગટ બિરાજે છે. માટે તેમના નિશ્ચય અને નિયમને વળગી રહીને આપણે મોજમાં રહેવું. અખંડ આનંદમાં રહેવું
સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે સંપ હોય ત્યાં રિધ્ધિ, સિદ્ધિ અને ભગવાન ત્રણેય રહે. પારિવારિક એકતામાં તો સુખ અને શાંતિ આપોઆપ મળી જાય છે
વિરલ આધ્યાત્મિક ગુણોના ધારક પૂ. મહંતસ્વામીનું સહજભાવે કરેલું એક ક્ષણિક દર્શન, પ્રતીતિ કરાવે છે કે આ સંત નિરંતર ભગવન્મય બનીને જીવન જીવે છે
ભારતીય સંસ્કૃતિની ધરોહરના મહાન ઋષિ એટલે પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજ.. મહંતસ્વામી મહારાજ અને તેમનો સત્સંગ કરતા અનુભવાય છે કે સનાતન હિન્દુ ધર્મ અને જગતના ધર્મોએ જેને સાધુતાની ચરમસીમા કહી છે તે આ મહાપુરૂષ છે. સાધના કરીને નહીં, જન્મજાત તેમનામાં એ સાધુતાની મહેંક મહેકી છે. મહંતસ્વામી મહારાજ એટલે સાધુતાના ને સદ્દગુણોના અમાપ સાગર....
ભગવાન શ્રી સ્વામિનારાયણે વચનામૃતોમાં કહેલી ગુણાતીત સતપુરૂષની વિશેષતાઓ મહંતસ્વામી મહારાજમાં સોળે કળાએ મહોરેલી અનુભવાય છે. સાદું, સરળ અને સહજ સ્વાભાવિક વ્યકિતત્વ, શાંત અને સૌમ્ય પ્રતિભા ધરાવનાર મહંતસ્વામી મહારાજનું સહજભાવે કરેલું એક ક્ષણિક દર્શન, પ્રતીતિ કરાવે છે કે આ સંત નિરંતર ભગવન્મય બનીને જીવન જીવે છે. એવા વિરલ આધ્યાત્મિક ગુણોના ધારક પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની આધ્યાત્મિક ચિંતનકણિકાઓ અત્રે પ્રસ્તુત છે.
કરોડો જન્મ લીધા પણ આવા ભગવાન અને સંત મળ્યા નથી. આ જન્મમાં તેમનો ભેટો થયો એ પણ અનંત જન્મના પુણ્યથી. ટૂંકી આવરદામાં બીજું- ત્રીજું કરવા રહીશું તો આ દિવસો જતા રહેશે. માટે શ્રીજી મહારાજની મરજી પ્રમાણે રહીએ ને જીવન ધન્ય કરી લેવું.
ભગવાનને સંત આપણને સેવા આપે છે. એમાં ભક્તિભાવ વધે- આત્મામાં બળ આવે. પોતાનું મોટું ભાગ્ય માનીને પોતાના જીવન કલ્યાણ માટે સેવા કરવી. સેવાથી સંસ્કાર મળે, શાંતિ મળે ને બધા ગુણ આવે.
ભગવાન તથા સત્પુરૂષનો હેતુ આપણામાં ભક્તિના, નિષ્ઠાના ગુણો અતિ શુધ્ધ થાય, રિફાઈન થાય અને આપણું હૃદય અતિ શુધ્ધ થાય એ એમની ઇચ્છા છે. એટલે પ્રમુખસ્વામી મહારાજે જે સંકલ્પ- ઇચ્છા કર્યા છે ત્યાં આપણે પહોંચવાનું છે. તેઓ જે રીતે લઈ જવા માંગે છે. તે પ્રમાણે કરીએ તો ભગવાનનો આનંદ આવશે, તે હૃદયમાં બિરાજશે. ભગવાન સાક્ષાત્ આપણા હૃદયમાં બિરાજમાન થાય, એ કેટલી મોટી વાત.
નિયમ અને નિશ્ચય હોય તેને અક્ષરધામમાં જતા કોઈ રોકી ન શકે. નિશ્ચય અને નિયમથી અંતરની શુધ્ધિ થાય છે. તેનાથી ભગવાન સાથે જોડાણ થાય છે. અત્યારે શ્રીજી મહારાજ પ્રગટ બિરાજે છે. માટે તેમના નિશ્ચય અને નિયમને વળગી રહીને આપણે મોજમાં રહેવું. અખંડ આનંદમાં રહેવું.
સ્વામિનારાયણ ભગવાને કહ્યું છે કે સંપ હોય ત્યાં રિધ્ધિ, સિદ્ધિ અને ભગવાન ત્રણેય રહે. પારિવારિક એકતામાં તો સુખ અને શાંતિ આપોઆપ મળી જાય છે.
શ્રીજી મહારાજે મોક્ષનો સાગર રેલાવ્યો. સત્સંગમાં અવગુણ ન લઈએ તો અક્ષરધામમાં બેસી જવાય. અવગુણ લઈએ તો મોક્ષમાં વિલંબ થાય.
હું અને મારું, અહમ્ અને મમત્વને લીધે પ્રશ્નો થાય છે. એ સ્વભાવ કાબૂમાં રહે તેના માટે અરસપરસ મહિમા સમજવો. દાસત્વભાવથી બધુ કામ થાય. દરેકમાં દિવ્યભાવ રહે તે જ બ્રહ્મવિદ્યા. નિર્દોષ બુધ્ધિ એ જ સેવા.
દેવોને દુર્લભ આ સત્સંગ સાવ મફતમાં મળી ગયો છે. હવે તેને દ્રઢ કરીને રાખવો. સત્સંગ છોડી દઈએ તો કેટલા જન્મની કમાણી ખોઈ નાખી. સત્સંગ છે તો ભગવાન ભેગા છે. ભગવાન હોય ત્યાં બધુ જ આવી ગયું. માન- અપમાન ગમે તે થાય, પણ દાસના દાસ થઈને સત્સંગ જાળવવો.
પ્રગટ ગુરૂહરિ પરમ પૂજ્ય મહંતસ્વામી મહારાજની તા.૨૩/૯/૨૦૧૯ ને સોમવારે ૮૬મી જન્મજયંતી છે. યુગપુરૂષ મહંતસ્વામી મહારાજને એમની જન્મજયંતીએ હૃદયપૂર્વકની ભાવપુષ્પાંજલી.. કરોડો વંદન...
- કિશોર ગજ્જર