Magazines

રાજા જનકનો પ્રશ્ન .

By GS TEAM
19 May 20264 mins read
રાજા જનકનો પ્રશ્ન                                                     .

સ્વ ર્ગથી પણ સોહામણી મિથીલાનગરી જેમાં રાજા જનક રાજ્ય કરે. પણ પ્રસંગ એવો બન્યો કે તેણે બધા ઋષિ મુનિઓને-જ્ઞાાનીઓને-ભેગા કરી પ્રશ્ન પૂછ્યો તો કોઈથી જવાબ ન આવતાં બધાને નજરકેદ કર્યા હતા. અને તે વાતને છ મહિના થઈ ગયા છતાં ઉકેલ આવતો નહી.

પછી તો બીજા દેશોમાં પણ વાત ફેલાઈ પણ કોઈ હિમ્મત કરી જવાબ આપવા આવી શક્યું નહિ.

તપસ્વીઓના સમૂહમાં તપોવનમાં રહેતા મુનિઓમાં પણ વાત ફેલાઈ - ત્યારે અષ્ટાવક્ર નામે ખૂબ નાની ઉમ્મરના- પણ મહાજ્ઞાાની અને જડબાતોડ જવાબ આપે એવા-તે બધાને કહે, હુંજાઉં જનકની સભામાં-અને બધા ઋષિ મુનિઓને છોડાવી લાવું-જનક એના મનમાં શું સમજે છે ?

પહેલાં સંદેશો મોકલ્યો કે જવાબ આપવા કાલે સવારમાં આવીશ. બધા સભાજનોને તૈયાર રાખજો.

અને સવારમાં મુનિ આવ્યાં-આઠે અંગે વાંકું શરીર. વળી લાકડાને ટેકે ચાલતાં ચાલતાં પણ ગબડી પડતા-બધા હસી પડયાં. એટલે બધાને ઉદ્દેશી જનકને કહે, એલા તમે કેમ હસ્યા ? સાચું કહેજો! નહિં તો પરિણામ સારું નહિ આવે. મુનિની તેજદાર ભાષા જોઈ, જનક બોલ્યા : મહારાજ ! મોટા મોટા વિદ્વાનો ઋષિમુનિઓ જવાબ ન આપી શક્યા તે તમે શી રીતે આપશો ? વળી હસ્યા તમારાં વાંકા અંગ જોઈને.

અષ્ટાવક્રમુનિ કહે, એલા મુરખ, તારા જેવા આ સભામાં બેસી પ્રજાનું હિત શું કરતા હશે ? કોઈ નદીએ પાણી પીવા ગયો - તો નદી વાંકીચૂંકીથી નિસ્બત છે કે પાણી પીવાથી ? તેમ તારે જવાબથી નિસ્બત છે કે મારા શરીરથી ? ઘણા માણસો દેખાવમાં રૂપાળાં-સુંદર હોય- પણ કોઈ કાર્ય નિપજતું નથી. પણ જેને સરસ્વતી વશ હોય તે મોટી સિધ્ધિ. દેખાવ વગરનો માણસ હાંસલ કરે છે. બોલ હવે તારો પ્રશ્ન - કે તે છ-છ મહિનાથી ઋષિઓને  પૂરી રાખ્યા છે. કેવોક પ્રશ્ન છે ?

જનક કહે, 'આ સત્ય કે 

તે સત્ય ?'

બસ આ જ પ્રશ્ન ને- 'મુરખા, પહેલાં તે વાત વિગતે કરી હોત તો બધા જવાબ આપતે- હવે ચાલ, હું જવાબ આપું છું.'

'જેવું તે- તેવું જ આ.'  અથવા 'જેવું આ-તેવુંજ તે.'

વાહ-વાહ, વાહ-વાહ કહી ભરસભામાં જનકરાજા પગે પડયો.

સભાજનો અને જ્ઞાાનીઓ કહે, 'મહારાજ, અમે સમજ્યા નથી તો વિગત કહો તો મહેરબાની થશે.'

અષ્ટાવક્રમુનિ કહે, સાંભળો. રાજા જનકને સ્વપ્ન આવ્યું-જેમાં પરદેશી રાજા ચડી આવ્યો અને રાજ્ય લઈ લીધું અને જનકને કાઢી મૂક્યો. ભૂખ્યો અને તરસ્યો શહેરમાં રખડયો. પણ કોઈ ખાવાનો ભાવ પણ ન પૂછે. આથી બહુ ફર્યો-ત્યારે અર્ધોશેર કાચી ખીચડી મળી. બેત્રણ દિવસની ભૂખ-તેમાં આટલી મળી તો રાજીના રેડ થઈ ગયો અને તળાવ કિનારે એક હાંડલીમાં અગ્નિ પેટાવી ચડવા મૂકી. વિચાર્યું કે હાશ,હવે ભૂખ ભાંગશે. ત્યાં તો ન જાણે ક્યાથી બે સાંઢ લડતા આવ્યા અને હાંડલીને ઠેબે ચડાવી ફોડી નાખે. ખીચડી બધી અગ્નિમાં પડી ગઈ - અને મુખેથી બોલાઈ ગયું, 'હાય, હાય ! હવે હું શું ખાઈશ ? શું કરીશ'  અને આંખ ઉઘડી ગઈ.

ત્યાંતો બહાર છડી પોકારાઈ. મહારાજા જનકને ઘણી ખમ્મા. અરે આ શું, અર્ધો શેર ખીચડી માટે વલોપાત કરતો રાજા જનક ? અને આ રાજનો ધણીજનક ?

હવે આ બેમાં સત્ય શું ? એ એનો પ્રશ્ન હતો - તો મુનિ કહે છે જે પેલું તેવું જ આ. અને જેવું આ તેવું પેલું-

યાને કે સંસાર પણ સ્વપ્ન છે. એય સાચું અને આ પણ સાચું.

સભામાં તાળીઓ પડી. બધાને છોડી મૂક્યાં.

અષ્ટાવક કહે 'હે રાજન, તેં પ્રથમથી વાત કરી હોત તો આ ઉત્તર જ તને મળત. પણ સંકોચ કારણે બોલ્યો નહિ.'

જનક કહે, હવે મારે શું કરવું ? જવાબમાં કહ્યું : 'સંસાર સ્વપ્ન છે-રહેવું ખોટું-ખાવું ખોટું-જવું આવવું બધુંજ સ્વપ્ન છે. ડાહ્યા મનુષ્યે-આ દેહ મળ્યો છે તો તે પરમાર્થના કામે લગાડી જીવન પુરું કરવું. કેમકે જે દેખાય છે-જે દેખાતું-તે બધું મિથ્યા છે. તેને સાચું કેવી રીતે માનો છો ? તમારા ઋણાનુબંધે બધા મળ્યા છે - જ્યાં સુધી તેમની મુદત રહે છે ત્યાં સુધી રહેશે. પછી ચાલ્યા જશે. ધન તેની મુદત છે ત્યાં સુધી રહેશે. પછી ચાલ્યું જશે. જીવન માણસની આયુષ્ય મુદત છે ત્યાં સુધી રહેશે. પછી ચાલ્યું જવાશે. એટલે ડાહ્યા મનુષ્યે મોક્ષમાર્ગનો ઉપાય કરી આ સંતમાં જીવને જોડવો.

જનકે એ પ્રમાણે જ કર્યું. ને જનક વિદેહી કહેવાયા. પેલું નાનું સ્વપ્ન. જાગ્યા પછી આ મોટું સ્વપ્નું. હવે સ્વપ્નને ખરું માની હવાઈ કિલ્લા કે પાણીમાં મહેલો બાંધવા- તે કેટલું ડહાપણ સમજવું ? અને સૌ સભાને કહ્યું.

'સોહામણી સ્વર્ગની વાટે એક દિન સોહાવજો

જવું પડશે તે નક્કી જ છે, તો પછી અત્યારથી પગલાં ભરો.'