Magazines

ખુસાલસર અને ઢબુ .

By GS TEAM
20 Jun 20263 mins read
ખુસાલસર અને ઢબુ                             .

- ભરત પાઠક 'નયન'

શાળામાં હવે નવું વર્ષ હતું. શાળા ખૂલી એટલે જુના વિદ્યાર્થીઓ મળ્યાં. નવા દાખલ થયેલા મિત્રો પણ આવ્યાં અને નવા વરસે નવા વર્ગ શિક્ષક પણ મળ્યા. 

ખુશાલસર ક્લાસમાં આવ્યા. બધાને આ સર બહુ કડક લાગે. વિદ્યાર્થીઓ અંદર-અંદર વાતો કરે તે સરને જરાય ના ગમે. ભણાવે સારૃં. બોર્ડ ઉપર લખેલુ બરાબર વંચાય તેવા તેમના સરસ અક્ષર. પરંતુ ફુટપટ્ટી ટેબલ ઉપર પછાડયા જ કરે. 'શાંતિ...શાંત...શાંત અવાજ નહી..' 

આમ તો ખુશાલસર પાછા હસાવતા જાય અને ભણાવતા જાય એટલે સૌ વિદ્યાર્થીઓને પ્રિય થઈ પડયા. 

મખ્ખનલાલનો મનન અને ભંવરલાલનો ભવન... બન્ને પહેલાથી મિત્રો. તેઓ હોંશિયાર તો ખરા અને આગળની પહેલી પાટલી ઉપર જ બેસે. ખુશાલસરે તો તેમને છેલ્લી પાછલી પાટલી ઉપર બેસાડયા. આ બન્ને મિત્રોને પાછળ બેસવું જરાય ન ગમે. 

છેલ્લી પાટલીએ સહુ વાતો કરે, તોફાન કરે, કોઈ વળી કાગળનુ વિમાન ઉડાડે અને પછીમાર પડે આખી પાછલી લાઈનને. તેમાં પેલા મનન અને ભવનને હસવું આવે એટલે એનો પણ વારો પડી જાય. 

પછી એ બન્નેએ સાહેબને રજુઆત કરી કે અમને આગળ બેસાડો. પરંતુ સર કહે, 'બધું બરાબર જ છે. પ્રથમ બેઠો છે તે - કુંવરજીભાઈનો કરસન...બીજો છે, ખનખનભાઈનો ખનન... ત્રીજો છે, હરખાભાઈનો ગણેશ. ક...ખ...ગ.... પ્રમાણે સૌને બેસાડયા છે, સમજ્યા?'  

પછીના દિવસે સાહેબને વળીકંઈ વિચાર બદલ્યો હશે

તેમણે કહ્યું, 'ક્લાસમાં જે વિદ્યાર્થીઓ સારા અક્ષરે, ભૂલ વિના પાઠમાંથી જોઈ જોઈને એક ફકરો લખીને, જલ્દી જલ્દી જે મને બતાવશે તેને આગળની પાટલી ઉપર બેસવા મળશે.' 

ગાંધીજીના પાઠમાંથી બધાએ એક ફકરો લખવાની શરૂઆત કરી. તેમાં તેર વિદ્યાર્થીઓ સારા અક્ષરે લખવામાં પાસ થયા. મનન અને ભવનનો નંબર પણ આગળ બેસવામાં આવ્યો, સાથે સાથે  બહારગામથી ચાલીને ભણવા આવતા વિદ્યાર્થીનોનંબર પણ આવ્યો. તેનુ હુલામણુંનામ તેના ઘરે હતું ઢબુડો. 

તે ધરમપાલનો ધર્મેશ ઉર્ફે ઢબુડો ગામડેથી ચાલતો ચાલતો આવે અને પાછો જાય ત્યારે કવિતા પાકી કરતો જાય. સાહેબે જે ભણાવ્યું હોય તે પાઠ યાદ કરતો જાય. તેનું ઉપનામ ભલે 'ઢબુડો' હતું, પણ એ હતો ભારે હોશિયાર. 

ઢબુડાને સાહેબે બેસાડયો બરાબર ત્રીજી લાઈનમાં. આ જોઈને બધા વિદ્યાર્થીઓ હસવા લાગ્યા. 

ખુશાલસરને પહેલાં તો સમજાયું નહી કે બધા વિદ્યાર્થીઓ શા માટે હસે છે. પછી તેમને થયું કે આ ઢબુડાનો તેરમો નંબર છે,  અને કક્કાનો તેરમો અક્ષર પણ 'ઢ' છે. 

ખુશાલસરે બધાને હસતા બંધ કરીને કહ્યું, 'વિદ્યાર્થી કે વ્યક્તિનું નામ જે હોય તે, પરંતુ ખરી ઓળખ તો  વિદ્યા અને જ્ઞાાન છે... અને સાથે સાથે ભણવાનીધગશની કિમત છે. આ ઢબુડો ગામડેથી ચાલીને આવે છે અને ભણવામાં હોંશિયાર છે. કેટલી મુશ્કેલી છે, છતાં પણ તે અભ્યાસમાં રુચિ રાખે છે. એટલે ઢબુડાને સૌએ શાબાશી આપવી જોઈએ. વળી, ઢબુડાનું સાચું નામ તો રજીસ્ટર પ્રમાણે ધર્મેશ છે.'

પછીના વર્ષે ઢબુડાનો ક્લાસમાં પ્રથમ નંબર આવ્યો. આ જોઈને સાહેબે તેનું બહારગામથી રોજેરોજ કરવું પડતું અપ-ડાઉન બંધ કરાવીને શહેરમાં જ રહેવા માટે એક નાની રૂમની વ્યવસ્થા કરી આપી. સાથે સાથે જમવાની વ્યવસ્થા પણ ખુશાલસરે કરી આપી. 

આમ, કડક લાગતા ખુશાલસર એટલા જ દયાળુ હતા. પછીના વર્ષે ઢબુડાનું મિત્રવર્તુળઘણુ વધી ગયું.

ઘણાં વરસો પછી ખુશાલસર દિલ્હી જતા હતા. પ્લેનમાં બેઠા હતા ત્યારે તે વિમાનનો પાઈલોટ તેમની પાસે આવ્યો. એ ખુશાલસરને પગે લાગ્યો.સાહેબ તરત ઓળખી ના શક્યા,પરંતુ તેનું નામ હતું, ધર્મેશ ત્રિપાઠી. સાહેબે પૂછયું, 'આપને ઓળખતો નથી. જરા ઓળખાણ  આપશો?' 

પાઈલોટે સ્મિત કરીને કહ્યું, 'સાહેબ, હું તમારો વિદ્યાર્થી ઢબુડો.. ધર્મેશ ત્રિપાઠી!' 

ખુશાલસર બેઠા બેઠા વિચારતા હતા કે આ મારો જૂનો વિદ્યાર્થી.. એક સમયે બાપડો પગે ચાલીને બહારગામથી સ્કૂલે આવતો, આજે આવડું મોટું પ્લેન ઉડાડે છે!

ખુશાલસરના આનંદ અનગર્વનો પાર ન હતો...!