'ખોસલા કા ઘોસલા'ની 'બુનિયાદ' પર ઊભી થશે સિક્વલ: કિરણ જુનેજા

- 'બુનિયાદ' કા શુટિંગ જરા ભી આસાન નહીં થા, પણ અમારી મહેનત રંગ લાવી. 'બુનિયાદ'ને લોકો આટલાં વરસે પણ નથી ભૂલ્યા. હવે અમે 'બુનિયાદ-ટુ' બનાવવાનું વિચારી રહ્યા છીએ.'
દિબાકર બેનરજીની ડિરેક્ટર તરીકેની ડેબ્યુ ફિલ્મ 'ખોસલા કા ઘોસલા' (૨૦૦૬) એક આઈકનિક મૂવી હતી. હવે તેની સિકવલ બની રહી છે, જેમાં અનુપમ ખેર સહિત ફિલ્મના મોટાભાગના કલાકારોને રિપીટ કરાયા છે.
સિકવલમાં પીઢ અભિનેત્રી કિરણ જુનેજા ફરી શ્રીમતી સુધા ખોસલાના રોલમાં જોવા મળશે. ૨૮ ઓગસ્ટે રિલિઝ થનારી ફિલ્મનું ડિરેક્શન દિબાકર બેનરજીને બદલે પ્રશાંત ઘાસિયા કરી રહ્યા છે.
કિરણ કહે છે, 'ખોસલા કા ઘોસલા'માં ઘણા આર્ટિસ્ટ નવા નિશાળિયા હતા. એક ફિલ્મમાંથી આવેલા દિબાકર બેનરજી પહેલી વાર ફિચર ફિલ્મ ડિરેક્ટ કરી રહ્યા હતા. પરંતુ બધાને એક જુદી અને સારી ફિલ્મ બનાવવાનું પેશન હતું. અનુપમ ખેર, પરવીન ડબાસ, નાશ શર્મા, બોમન ઈરાની, રણવીર શૌરિ અને વિનય પાઠક બધાને ફિલ્મની સ્ટોરી બહુ જ ક્યુટ લાગી હતી. મને યાદ છે કે ફિલ્મનું શુટિંગ ભરઉનાળે શરૂ થયું હતું અને અમે દિલ્હીના એક બંગલામાં શૂટ કરતા હતા. એ જમાનામાં કાસ્ટને વેનિટીવેન જેવી લક્ઝરી ક્યાંથી મળે? શૂટ દરમિયાન વચ્ચે લાઈટ ચાલી જતી અને અમે બધા પરસેવે રેબઝેબ થઈ જતા. પરંતુ કોઈ એ વિશે ફરિયાદ નહોતું કરતું. આખુ યુનિટ એક ફેમિલીની જેમ સાથે રહેતું અને સાથે જ જમતું. ૨૦ વરસ પછી અમે સિકવલનું શુટિંગ કર્યું ત્યારે પણ એવો જ પરિવાર જેવો માહોલ હતો.'
બહુ ઓછા લોકોને યાદ હશે કે કિરણ જુનેજા એક જમાનામાં ટોપ મોડલ હતાં. પછી તેઓ ટીવી સીરિયલોમાં આવ્યાં. 'શોલે'ના મેકર રમેશ સિપ્પીને પરણેલા અભિનેત્રી પોતાના ભૂતકાળમાં પાછા ફરતા કહે છે, 'મારા પિતા દિલ્હીના એક જાણીતા ડોક્ટર હતા. પરંતુ અમે ત્રણ ભાઈ-બહેનમાંથી કોઈ મેડિકલ ફિલ્ડમાં ન ગયું. મેં મોડલિંગ શરૂ કર્યું અને થોડા વરસોમાં બોર થઈ ગયા બાદ સિરિયલોમાં આવી. મારી પહેલી સીરિયલ 'પેઇંગ ગેસ્ટ' હતી. મોડલિંગમાં કામ ઓછું અને પૈસા વધુ હતા. જ્યારે સીરિયલમાં થોડા પૈસા લઈ ઘણું બધું કામ કરવાનું આવ્યું. પરંતુ પછી મને એક્ટિંગમાં મજા આવવા લાગી.'
રમેશ સિપ્પીની ટીવી સીરિયલ 'બુનિયાદ' ૪૦ વરસ પહેલા પ્રસારિત થઈ હતી. 'બુનિયાદ'એ લોકપ્રિયતાના નવા શિખરો સર કર્યા હતા. ભારત-પાકિસ્તાનના ભાગલાનું બેકગ્રાઉન્ડ ધરાવતી ફિલ્મમાં જુનેજાએ વીરાવાલીનું પાત્ર ભજવ્યું હતું. આ સીરિયલના શુટિંગ દરમિયાન જ કિરણ અને રમેશ સિપ્પી એક બીજાની નજીક આવ્યા હતા. એક કિસ્સો યાદ કરતા અભિનેત્રી કહે છે, 'સચ પૂછો તો 'બુનિયાદ' કા શુટિંગ જરા ભી આસાન નહીં થા. ફિલ્મ સીટીમાં એક ભવ્ય સેટ પર શુટિંગ થતું. અમે બધા રોજ ૧૨થી ૧૪ કલાક કામ કરતા પેકઅપ પછી બધા સાથે બેસીને ડિનર લીધા બાદ ઘરે જતા. સીરિયલમાં દરેક જણે આકરી મહેનત કરી છે. એક સીનનો શૂટ હું ક્યારેય નહિ ભુલું. સિનેમા મારે જેલના સળિયા પાછળ રહી રોવાનું હતું. સર (રમેશ સિપ્પી)ને એ શોટ ટ્રોલીમાં લેવો હતો. એમણે મને સમજાવ્યું કે ટ્રોલી જ્યારે તારી પાસેથી પસાર થાય ત્યારે મારે આંખમાંથી એક આંસુ ટપકાવાનું હતું. બહુ ડિફિકલ્ટ સીન હતો. પૂરા ૧૩ રીટેક બાદ એ સીન ઓકે થયો. સીન કરતા મારી આંખ લાલઘુમ થઈ ગઈ હતી અને નાકમાંથી પાણી વહેતું થઈ ગયું હતું. પરંતુ અમારી મહેનત રંગ લાવી. 'બુનિયાદ'ને લોકો આટલા વરસે પણ નથી ભૂલ્યા. હવે અમે 'બુનિયાદ-ટુ' બનાવવાનું વિચારી રહ્યા છીએ.' રમેશ સિપ્પી અને કિરણ જુનેજાનાં લગ્નને આજે ૨૫ વરસ થયા. સિપ્પીના એ બીજા લગ્ન હતા એટલે એને લઈને મીડિયામાં એમના બીજા મેરેજનો વિવાદ ચગ્યો હતો. સદ્ગત સ્મિતા પાટિલની જેમ કિરણને પણ 'હોમ બ્રેકર'નું લાગી ગયું હતું. પરંતુ હકીકતમાં 'શોલે' ફેઇમ સિપ્પીએ એમની પહેલી પત્ની ગીતાને ડિવોર્સ આપ્યા બાદ જ કિરણે એમની સાથે વિવાહ કર્યા હતા. હવે સિપ્પી અને જુનેજાનું દાંપત્ય જીવન સુખી છે.
સમાપનમાં મીડિયા સાથે પોતાની હેપ્પી મેરિડ લાઈફનું સિક્રેટ શેર કરતા એકટ્રેસ કહે છે, 'લગ્નમાં પતિ-પત્નીને એકબીજા પ્રત્યે આદર હોવો જરૂરી છે. અમારી વચ્ચે એ છે અને અમે એકબીજાની જરૂરિયાતોથી વાકેફ છીે. મારા અનુભવ પરથી કહું છું કે લગ્ન સહજ રીતે સફળ થઈ જ ન શકે. એ માટે પ્રયાસ કરવો પડે, ત્યાગ અને બલિદાન આપવું પડે. જે લગ્નો આપણને બહારની સફળ લાગતા હોય એને સફળ બનાવવામાં પ્રયત્નો લાગ્યા હોય છે.'









