મોનસૂનમાં ટ્રેકિંગ દરમિયાન રાખો આ બાબતોનું ધ્યાન

વર્ષાઋતુમાં સફર કરવી એ પણ એક અલગ જ આનંદ છે.ચારેબાજુ હરિયાળી અને વરસતા વરસાદનો આનંદ અનેરી ખુશી આપે છે. તેવામાં ટ્રેકિંગ અને એડવેન્ચરને પસંદ કરનારા લોકો આનો આનંદ માણવાની તક જવા દેતા નથી. પરંતુ આવા સ્થાનો પર જતી વખતે વિષેશ બાબતોનું ધ્યાન રાખવું પડે છે.
સામાન્ય રીતે ટ્રેકિંગ કરવાના શોખ ધરાવતી વ્યક્તિઓ અનુભવથી ટ્રેકિંગ દરમિયાન કઇ કઇ મહત્વની વસ્તુઓ સાથે રાખવી એ શીખી લેતા હોય છે. પરંતુ બિનઅનુભવી વ્યક્તિ ટ્રેકિંગ કરવા જાય ત્યારે તેણે વધુ તકેદારી રાખવી જરૂરી છે.
વિન્ડચીટર અને પોન્ચો એ સામાન્ય રેઇનકોટ કરતાં સાવ અલગ છે. તે ફક્ત પહેરનારને વરસાદથી રક્ષણ ન આપતાં અંદરથી સુકા પણ રાખે છે. સાથે રાખેલી બેગને પણ પોન્ચોથી ઢાંકતા સુરક્ષિત રહે છે.
ટ્રેકિંગ અથવા હાઇકિંગ સૂઝ પહેરવાથી પહાડ ચડવામાં સુવિધા રહે છે. તેમજ તે વોટરપ્રુફ પણ હોવા જરૂરી છે.
વરસાદમાં ટ્રેકિંગ કરતી વખતે પોતાની પાસે પીવાનું પાણી જરૂર રાખવું જોઇએ. આ ઉપરાંત આસપાસ પાણીના સ્ત્રોત હોય તો પણ સાથે રાખેલું પાણી પીવાનો જ આગ્રહ રાખવો. બહારનું પાણી દૂષિત હોઇ શકે છે અને સ્વાસ્થયને હાનિ થવાની શક્યતા રહે છે અને સફરનો આનંદ ખરાબ થઇ શકે છે.
મોનસૂનમાં ટ્રેકિંગનો નિર્ધારિત સમય હોવો જરૂરી છે. રાતના વરસતા વરસાદમાં ટ્રેકિંગ કરવું જોખમી સાબિત થાય છે. ટ્રેકિંગમાં વિઝિબિલિટી હોવી જરૂરી છે જે વરસતા વરસાદમાં ઓછી રહેતી હોય છે.
ટ્રેકિંગ કરતી વખતે સુવિધાજનક ગ્રિપવાળા જૂતા જરૂરી છે. પહાડો પર ચડતી વખતે કિચડનો પણ સામનો કરવો પડે છે અને જમીન પર લીલ છવાઇ ગઇ હોય તો ચીકણી લપસી પડાય તેવી શક્યતા રહે છે. સાથેસાથે નાના-નાના નદી-નાળા પાર કરતી વખતે જમીનથી પકડ હોવી આવશ્યક હોય છે.
વરસતા વરસાદમાં ટ્રેકિંગનો આનંદ માણવો હોય તો ફેન્સી પરિધાન પહેરવાની બદલે એવા પોષાક પહેરવા જેમાં મૂવમેન્ટ સરળતાથી થતી હોય અને પોશાક સ્ટ્રેચેબલ પણ હોવા જોઇએ.સાથે છ જોડી મોજા રાખવા જરૂરી છે. ઉપરાંત અન્ડરગારમેન્ટસ પણ વધારે જોડી રાખવી જોઇએ. ઉપરાંત એક ઊચ્ચ ગુણવત્તા ધરાવતો રેઇનકોટ પણ હોવો જોઇએ.
ટ્રેકિંગ કરનારાએ પોતાની પાસે ફર્સ્ટ એડ, રસ્સી,ટોર્ચ, વોટર પ્રૂફ જેવી મહત્વપૂર્ણ વસ્તુઓ સાથે રાખવી.આ ઉપરાંત આપત્તિકાળની સ્થિતિ ઉદભવે તો ઇમરજન્સીમાં ઉપયોગમાં આવતા ટેલિફોન નંબરો પણ સાથે રાખવા.
પહાડો પર ચોમાસાની ઋતુમાં હરિયાળી છવાઇજતી હોય છે. તેથી કોઇ પણ જગ્યા પર પગ મુકતા પહેલા તે સ્થાનપર વગર વિચાર્યે પગ મુકવા નહીં. કોઇ પણ જીવજંતુ હોઇ શકે છે. આ માટે સાથે એક લાંબી લાકડી પણ હાથમાં રાખવી જરૂરી છે.
પહાડો પર ચડતી-ઊતરતી વખતે મજાક-મસ્તી અને સેલ્ફી લેવા જેવા જોખમોથી દૂર રહેવું. આ બધા માટે એક વ્યવસ્થિત સ્થાન પસંદ કરવું જે સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય. આ સીઝનમાં માટી લપસણી હોય છે અને પહાડો પર ઓચિંતાનું પાણીનું વહેણ આવી શકે છે. એવામાં એક નાનકડી ભૂલ પણ ભારી પડી શકે છે. વોલેટ, કેમેરા, મોબાઇલ ફોન, આઇડી કાર્ડની સુરક્ષા માટે જિપ-લોક પાઉચ જરૂરથી રાખવા.
લાંબા રૂટ પર જવા નીકળતા પહેલા ત્યાંના મૌસમ વિશે ફોન કરીને જાણી લેવું મહત્વનું છે.
- જયવિકા આશર








