ટાઢમાં તરડાતી ત્વચાને તરોતાજા રાખો
શિયાળો શરૂ થતાં જ ત્વચા શુષ્ક થઈને તરડાવા લાગે છે. ગુલાબી ઠંડીની મોજ માણતી માનુનીઓને પણ શિયાળો ત્વચાનો શત્રુ લાગે છે. પણ ત્વચા નિષ્ણાતો કહે છે કે આ દુશ્મનથી ગભરાવા જેવું નથી. તેનો સામનો કરવા નાના નાના આયુધો સજાવી લો તો જીત તમારી જ થશે.
સૌથી પહેલાં તો ગમે તેટલી ઠંડી હોય તોય ચહેરા પર ગરમ પાણી ન નાખવું. તેનાથી ત્વચા પરનું મોઈશ્ચરાઈઝર નાશ પામે છે અને ચામડી ઝડપથી સુકાઈ જાય છે. હા, તમે હુંફાળા પાણીથી ચહેરો ધોઈ શકો છો.
મોટા ભાગના લોકોને સ્નાન કર્યા પછી શરીર ટુવાલ વડે ઘસી ઘસીને લૂછવાની ટેવ હોય છે. પણ શિયાળામાં આવી ભૂલ બિલકુલ ન કરો. દેહને ટુવાલ વડે હળવે હાથે થપથપાવીને લૂછવાથી ત્વચા પરની ભીનાશ જળવાઈ રહે છે.
ચામડી પરની ભીનાશ જાળવી રાખવાનો સસ્તો અને સરળ ઇલાજ એટલે બનાના માસ્ક. આ ઋતુમાં એક પાકેલા કેળાને સારી રીતે છુંદીને ચહેરા પર લગાવી દો. ૧૦ મિનિટ પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ નાખો. આ નુસખાથી ત્વચા સુંવાળી બનશે અને ચામડી પર પડતી કરચલીની પ્રક્રિયા ધીમી થશે. તમે સ્નાન કરવા કે ચહેરો ધોવા જે સાબુ, બોડીવૉશ કે ફેસવૉશનો ઉપયોગ કરતાં હો તેમાં હાનિકારક રસાયણો ન હોય તેની કાળજી રાખો. પ્રાકૃતિક સામગ્રી અથવા ગ્લિસરીન અને પેટ્રોલિયમ જેવા તત્ત્વો ધરાવતા બોડીવૉશનો ઉપયોગ કરો. તમે બાથ ઓઈલ કે ઑટમિલ સ્ક્રબનો શુષ્ક ત્વચા પર ઉપયોગ કરી શકો છો.
શિયાળામાં ત્વચાને બાળકની ચામડી જેવી મુલાયમ રાખવા તમારા શરીર પર બેબી ઓઈલ લગાવો, તેવી જ રીતે મોઈશ્ચરાઈઝર પણ લગાવી શકાય.
એક નાના ટીસ્પૂન ઓલિવ ઓઇલમાં બે ટીપાં એરંડિયું નાખીને ચહેરા પર લગાવો. ત્યાર બાદ એક નેપકીનને હુંફાળા પાણીમાં બોળીને તેના વડે આખો ચહેરો ઢાંકી દો. નેપકીન ઠંડુ થાય ત્યાં સુધી તેને ચહેરા પર મૂકી રાખો. પછી ચહેરાને કોટન વડે લૂછી નાખો. તમારી ચામડી એકદમ નરમ-મુલાયમ લાગશે.
ત્વચાને ભીનાશ બક્ષવામાં મધ પણ ચમત્કાર કરે છે. ચહેરા પર મધ લગાવીને ૧૦ મિનિટ મૂકી રાખો. ત્યાર બાદ મોઢુ ધોઈ લો.
મોઢા પરની સુકી ત્વચાને દૂર કરવા મીઠાનો પ્રયોગ કરો. ચહેરો ભીનો કરી તેના ઉપર નમક વડે હળવે હાથે મસાજ કરો. શુષ્ક ત્વચા દૂર થઈ જશે ચહેરો મુલાયમ લાગશે.
અડધા કપ દૂધમાં રાતભર પાંચ બદામ પલાળી રાખો. સવારના તેને પીસીને પેસ્ટ બનાવી ફ્રીઝમાં મૂકી દો. રાત્રે સુતી વખતે ચહેરા પર હળવે હાથે લગાડો. સવારના ઊઠીને તમારી ત્વચા પર થયેલો ચમત્કાર નજરે નિહાળો.
-ઈશિતા