Magazines

ઘરને 24X7 રાખો સ્વચ્છ-સુઘડ-મહેંકતું

By GS TEAM
21 Jul 20253 mins read
ઘરને 24X7 રાખો સ્વચ્છ-સુઘડ-મહેંકતું

એકદમ  સ્વચ્છ-સુઘડ- દુર્ગંધરહિત જોતાવેંત  મન  પ્રસન્ન થઈ  જાય એવું ઘર કોને ન  ગમે?  અને તેમાંય  જો ઘરમાં હળવી-મનભાવન સોડમ આવતી હોય તો સોનામાં સુગંધ ભળી હોય એવું લાગે. પરંતુ  ૧૦૦માંથી  કેટલા ઘર આવા હોય છે?  વાસ્તવમાં  ચોક્કસ પ્રકારના પ્રયાસો કરવા છતાં  તદ્ન દુર્ગંધરહિત અને ધૂળ રહિત ઘર  ભાગ્યે જ જડે.  આમ છતાં થોડા પ્રયાસો પછી આવું ઘર મેળવવું અસંભવ નથી. જરૂરી નથી કે માત્ર દિવાળી વખતે જ આપણે ઘરનો  ખૂણેખૂણો સાફ કરીએ ત્યારે  જ સાફસુથરું  ઘર જોઈ શકીએ.  કેટલીક રોજિંદી  આદતો કેળવો અને મનથી  ખુશ રહો.  જેમ કે: 

બારીઓ  ખુલ્લી રાખો: ઘરની બારીઓ ખુલ્લી રાખવાથી  ઓરડાઓમાં  સતત  તાજી હવા આવતી રહે છે. તેમાંય  જો તમારા ઘરમાં   ક્રોસ વેન્ટિલેશન હોય તો હવાની  આવનજાવન સરળ બને. તાજી હવાને પગલે   ઘરમાં કોઈ પ્રકારની દુર્ગંધ ન ટકે.

આમ છતાં જો તમારું   ઘર રોડને અડીને હોય,  ખુલ્લા મેદાન પાસે હોય, ઔદ્યોગિક વિસ્તારમાં  હોય તો ઘરમાં હવાની  ગુણવત્તા નબળી પડે અને  આખા ઘરમાં  ધૂળના થર જામી જાય એવું બને. જો આવી સમસ્યા  નડતી હોય તો  સવારના ભાગમાં  ઘરની બારીઓ   ખુલ્લી રાખો જેથી  સઘળાં ઓરડાઓમાં  તાજી હવાની આવનજાવન થાય. ત્યાર પછી  બારીઓ બંધ કરીને ઘર સારી  રીતે સાફ કરી લો.

ગાલીચા સાફ રાખો:  કાર્પેટ  પાથરેલું રૂમ કેટલું સુંદર લાગે.  ગાલીચા પર ચાલવાની પણ કેવી મઝા આવે. પરંતુ કાર્પેટની સૌથી મોટી સમસ્યા તેમાં   ધૂળ જામી  જવાની. વળી ચોમાસામાં  તેમાંથી ભેજવાળી વાસ  આવે તે જુદું.  આવી સ્થિતિ ટાળવા કાર્પેટ પર  નિયમિત  રીતે કાર્પેટ ક્લીન  છાંટો.  ત્યાર પછી   એકાદ કલાકે વેક્યુમ કરી લો.

પગરખાં બહાર  રાખો: રૂમમાં પ્રવેશવાથી પહેલા તમે તમારાં પગરખાં બહાર ઉતારીને મૂકી દો એવી વ્યવસ્થા કરવી જરૂરી છે. તમારી ઘરમાં પહેરવાની સ્લીપર એવી જગ્યાએ રાખો  કે ઘરમાં પ્રવેશતાંવેંત તે પહેલી લઈ શકાય.  આમ બહારથી આવ્યા પછી પણ તમારાં પગ સીધાં ફરસને નહીં અડે.

પલંગ પરની ડ્રાયશીટ સ્વચ્છ રાખો:  જેમના ઘરમાં નાના બાળકો કે પાળતૂ-શ્વાન બિલ્લી હોય તેઓ પલંગ પર ડ્રાયશીટ પાથર્યા પછી જ બેડશીટ પાથરતા હોય છે. પરંતુ જો આ ડ્રાયશીટ નિયમિત રીતે ધોવામાં  ના આવે  તો તેમાંથી દુર્ગંધ આવવા લાગે છે.  બહેતર છે કે ડ્રાયશીટ  પણ દર અઠવાડિયે  ધોઈને તડકામાં સુકવી  દેવામાં આવે.

ઓશિકાના કવર વારંવાર બદલો: દર ચારથી પાંચ દિવસે  બદલશો તો ચાલશે.  પરંતુ ઓશિકાની  ખોળ દર   બે દિવસે બદલો.  બેડશીટ કરતાં ઓશિકાં વધુ મેલાં થતાં હોય છે. છેવટે   દુર્ગંધ પેદા કરે છે.  બહેતર  છે કે ઓશિકાના  કવર નિયમિત રીતે  બદલી નાખવામાં આવે.

રીડ ડિફ્યુઝરનો ઉપયોગ કરો:  ઘરમાં રીડ ડિફ્યુઝરનો ઉપયોગ કરવાથી   ઘરમાં  ફેલાયેલી દુર્ગંધ  દૂર થાય  છે અને ઘર હળવી હળવી સુગંધથી  મહેકી ઉઠે  છે.

એર ફ્રેશનર વાપરો: એરફ્રેશનરનો ઉપયોગ હવે સામાન્ય થતો જાય  છે.  પરંતુ  તે વિષારી  હોવાથી સ્વાસ્થ્યને હાનિ  પહોંચાડે છે.  બહેતર  છે કે  એર ફ્રેશનર ઘરમાં જ બનાવી લેવામાં આવે.

એક સ્વચ્છ  સ્પ્રે બોટલમાં  ડિસ્ટિલ્ડ વોટર,  ત્રણ ટે.સ્પૂન  રબિંગ આલ્કોહોલ  અથવા  ફ્લેવર  વિનાનું વોડકા,  ૨૦, ટીપા તમારી પસંદગીનું એસેન્શિયલ  ઓઈલ નાખીને   સારી રીતે મિક્સ  કરી લો. આ સ્પ્રે  એરફ્રેશ નરના  સ્થાને ઉપયોગમાં લો.

તેના સિવાય  ઘર નિયમિત રીતે સાફ કરતાં રહો તો બારેય માસ દિવાલી જ હોવાની.

-  જયના