Magazines

કવિતા કૌશિક: સફળતા કાયમ વ્યસ્ત રહેવામાં નહીં, મુક્તપણે હરવાફરવામાં છે

By GS TEAM
19 Feb 20263 mins read
કવિતા કૌશિક: સફળતા કાયમ વ્યસ્ત રહેવામાં નહીં, મુક્તપણે હરવાફરવામાં છે

- 'હું મનુષ્ય છું, કોઈ વૃક્ષ નથી કે એક જ સ્થાન પર કાયમ ચીટકી રહું અને એક જ કાર્ય કરતી રહું. જીવનનાં પરિવર્તનનોને કોઈપણ ભય રાખ્યા વિના પૂરી રીતે માણી લેવાં જોઈએ.'

એફઆઈઆર' અને 'મેડમ સર' જેવા ટીવી શોમાં યાદગાર પરફોર્મન્સ માટે વ્યાપકપણે જાણીતી થયેલી અભિનેત્રી કવિતા કૌશિક કાયમ પોતાની શરતે જીવી છે. છેલ્લાં કેટલાક વર્ષો દરમ્યાન કવિતા મુંબઈ, ગોવા અને ઉત્તરાખંડમાં રહી ચુકી છે અને છેલ્લાં બે વર્ષથી તે લોનાવલામાં રહે છે. તેના માટે વિવિધ સ્થળોએ થતી આ સફર બેચેની નથી, પણ સભાનપણે સ્વતંત્રતાની ઝંખના છે. કવિતાના માને છે કે જીવન એકવારની તક છે અને તેને પૂરી રીતે માણી લેવું જોઈએ.  કવિતા કહે છે કે, હું મનુષ્ય છું, કોઈ વૃક્ષ નથી કે એક જ સ્થાન પર કાયમ ચીટકી રહું અને એક જ કાર્ય કરતી રહું. જીવન એક સમયની તક છે અને તેને પરિવર્તનનો કોઈપણ ભય રાખ્યા વિના પૂરી રીતે માણી લેવું જોઈએ. મુંબઈ મારું કાયમી નિવાસસ્થાન છે. અહીં મારું ઘર અહીં છે, મમ્મી છે. શહેર સાથેનો સંબંધ તોડયો નથી, પણ નવેસરથી ઘડયો છે. આજે પોતે જે સ્વતંત્રતા માણી રહી છે તે તેણે વર્ષોના અનુશાસન અને સખત પરિશ્રમ દ્વારા હાંસલ કરી છે. આ તબક્કાએ એટલો મજબૂત પાયો નાખ્યો હતો કે તે હવે ધીમી પડી શકે છે, વિવિધ ઈચ્છાઓ સંતોષી શકે છે અને પોતાની ગતિએ નિર્ણયો કરી શકે છે. કવિતા કહે છે કે મેં નિષ્ઠાથી સખત કામ કર્યું અને તેનાથી મને એટલી સુરક્ષા જરૂર મળી છે કે હું હરીફરી શકું, મનોરંજન કાર્ય ઓછું કરી શકું, વિવિધ વ્યવસાયમાં હાથ અજમાવી શકું અને મારી તમામ ઈચ્છાઓ પૂરી કરી શકું.

અનેક કલાકારોની જેમ કવિતા પણ પર્વતો તરફ આકર્ષાઈ હતી. આ વિચાર હજી તેને આકર્ષે છે, પણ તેને અહેસાસ થઈ ચુક્યો છે તેના માટે આ ખરો સમય નથી. તેને હવે જ્યારે નવી તકો મળી રહી છે, ખાસ કરીને ઓટીટી મંચ તરફથી તેને જ્યારે અનેક ઓફરો મળી રહી છે ત્યારે તેના માટે મુંબઈ સંપૂર્ણપણે છોડી દેવુ વ્યવહારુ નથી. કવિતા મજાકમાં કહે છે કે મારે જો પર્વતોમાં પૂર્ણ સમાધિ લેવી હોય તો તેના માટે દસથી પંદર વર્ષ  રાહ જોવી પડશે. હાલ તો કવિતા પાસે હજી પણ એક પરફોર્મરની ઊર્જા, ધગશ અને પ્રતિભા છે અને તે આ ગુણોનો પૂરતો સદુપયોગ કરવા માગે છે.

લોનાવલામાં નિવાસે તેને કાર્ય અને સુખાકારી વચ્ચે સંતુલન જાળવવામાં સહાય કરી છે. અહીં તેને ઉદ્યોગ સાથે જોડાયેલા રહીને પણ શહેરના વ્યસ્ત જીવનથી દૂર રહેવાનો લાભ મળે છે. કવિતા કહે છે કે મારા વેપાર સાહસો તો હું જ્યાં જાઉ ત્યાં મારી સાથે આવે છે, અને મુંબઈ નજીક રહેવાથી હું વ્યસ્ત થયા વિના મીટિંગ, શૂટ અને ઓડિશનમાં હાજરી આપી શકું છું. આવી ફ્લેક્સિબલ જીવનશૈલી તેના માટે આદર્શ મધ્યમ રસ્તો બની ગયો છે જે તેને શાંતિ અને વ્યાવસાયિક સાતત્યતા બંને આપે છે.

હવે જ્યારે જૂના શો ફરી ટીવી પર ધૂમ મચાવી રહ્યા છે ત્યારે એફઆઈઆર કવિતા માટે હજી પણ વિશેષ સ્થાન ધરાવે છે. તે સેટ પરની મિત્રતાને હજી પણ યાદ કરે છે અને કબૂલ કરે છે કે શોનો ચાહક વર્ગ વિશાળ હતો. તે જાણે છે કે હવે તેના માટે મહિનાના પચ્ચીસથી ત્રીસ દિવસ ફાળવવા શક્ય નથી, જે પોતાની વીસ અને ત્રીસ વર્ષની વયે તે કરી શકતી હતી. છતાં કવિતા કબૂલ કરે છે કે એફઆઈઆરની ઓફર આવશે તો તેના માટે તેનો ઈન્કાર કરવો અશક્ય છે.