કેટ હડસન અને ઓસ્કર: પચ્ચીસ સાલ બાદ

'ઓલમોસ્ટ ફેમસ' માટે પોતાનું પ્રથમ એકડમી નામાંકન હાંસલ કર્યા પછી કેટ હડસન ફરી એકવાર ઓસ્કરની રેસમાં દાખલ થઈ હતી. આ વખતે 'સોન્ગ સન્ગ બ્લ્યુ'માં ક્લેર સેર્ડિના તરીકે તેના રોલ માટે તેને નામાંકન મળ્યું હતું. આ નામાંકનને કારણે જામે કે એનું એક વર્તુળ પૂર્ણ થયું છે.
હડસન તેને પોતાના પ્રથમ નોમિનેશન કરતાં વધુ અર્થસભર ગણે છે. આ નોમિનેશનને પોતાના 'ત્રીજા સંતાન' સાથે સરખાવ્યું હતું. 'સોન્ગ સન્ગ બ્લ્યુ'માં હડસનનું કાસ્ટિંગ અનપેક્ષિત રીતે થયું હતું. તેના સહકલાકાર હ્યુ જેકમેને તેને સન્ડે મોર્નિંગ શોમાં સંગીત વિશે બોલતાં અને ગાતાં જોઈ હતી. તાત્કાલિક તેણે દિગ્દર્શક ક્રેગ બ્રુઅરને તેની ભલામણ કરી હતી. હડસને સ્ક્રિપ્ટ વાંચી અને તે સાથે જ એને ખાતરી થઈ ગઈ હતી કે આ ભૂમિકા તેના માટે જ છે. હડસનને જાણ હતી કે મહિલા કલાકારોને શક્તિશાળી ભૂમિકાઓ આસાનીથી મળતી નથી. ક્લેરના પાત્રમાં લાગણીઓનું આખું મેઘધનુષ દર્શાવવાની તક મળી હતી. આ ફિલ્મે હડસનને પોતાની સંગીતમય મહત્ત્વાકાંક્ષા સાથે સુસંગત હોય તેવી રીતે પડદા પર ગીત ગાવાની તક આપી. કોવિદ લોકડાઉન હડસનના રચનાત્મક જીવનમાં ટર્નિંગ પોઈન્ટ બની ગયું હતું. વૈશ્વિક વિરામે તેને ઊંડુ આત્મમંથન કરવા પ્રેરી. તેને અહેસાસ થયો કે જીવન પર ગમે ત્યારે પૂર્ણવિરામ મૂકાઈ શકે છે. જો સાર્થકતા હોય તો તે કલાત્મક પરફોર્મન્સમાં જ છે. હડસને કબૂલ કર્યું કે એ માતા તરીકે ગર્વ અનુભવે છે, પણ વિશ્વ સાથે સંગીત શેર ન કરવા બાબતે તેને અફસોસ થઈ રહ્યો હતો. સંગીત કારકિર્દી શરૂ કરવાથી અભિનય પથ ખોરંભે ચડી જશે તેવા ભયથી તે વર્ષો સુધી અટકી રહી. પણ મહામારીએ આ ખચકાટ કાઢી નાખ્યો. આખરે પોતાનું ડેબ્યુ આલ્બમ 'ગ્લોરિયસ' રિલીઝ કરીને સંગીતને પોતાની રચનાત્મક ઓળખનો મહત્વનો હિસ્સો બનાવી દીધું.
હવે 'સોન્ગ સન્ગ બ્લ્યુ' સાથે હડસન ખુદને વ્યાસાયિક રીતે અલગ સ્થાને જુએ છે. હવે તે વધુ અનુભવી અને આત્મવિશ્વાસ ધરાવતી બની છે. પોતાના બીજા ઓસ્કર નામાંકન માટે એના દિલમાં કૃતાર્થતાનો જ ભાવ હોવાનો.








