''કર્મ કોના માટે?'' .

કર્મનું બેલેન્સ એક માત્ર બેલેન્સ છે. જ્યાં બેલેન્સ હશે ત્યાં જીવને જન્મ ધારણ કરી જુના કર્મોનું લેણદેણ પૂર્ણ કરવા માટે, નવા કર્મોનું બેલેન્સ કરવા જીવને અવતારણ ધારણ કરવો જ પડશે. ભક્તિરૂપી બેલેન્સ નહીં હોય તો પુણ્યનો ચેક પણ પાછો પડે છે. દાન-પુણ્ય કર્યું પણ અહંકારથી કર્યું, પુણ્ય તો જમા થયું પણ વ્યાજ ના મળ્યું. ભક્તિ વગરનું પુણ્ય એટલે બેલેન્સ વગરનો ચેક, ભગવાનના ખાતામાં તમારી ભક્તિ થકી સહી નહીં હોય તો ચેક પરત આવશે.
તમે દીકરીને જન્મ આપી, પાલન પોષણ કર્યું તમારી જવાબદારી પૂર્ણ કરી કર્મ કર્યું હવે ફળ કોણ ભોગવશે? તમારા સંતાનોને કર્મની જવાબદારી પૂર્ણ કરી પરદેશ મોકલ્યા. કર્મ તમે કર્યું ફળ કોણ ભોગવશે ? જેટલા પણ કર્મ કરશો તે બીજા માટે જ થશે. ફક્ત ભક્તિ, પૂજા, પાઠ, સતસંગ, સાધના, શાસ્ત્રોભ્યાસ આ જે પણ કર્મ કરશો તે તમારા ખાતામાં જ જમા થાય આ કર્મનો સિદ્ધાંત છે. કર્મ કોને કહો છો? ગીતાજીમાં કૃષ્ણે કહ્યું; કર્મ એટલે ફરજ શ્વાસ લેવો એ કર્મ, જમવું એ કર્મ, બોલવું એ કર્મ, અરે વિચારવું એ કર્મ, પણ જે કર્મ મારા માટે થાય તે બંધન... ''જે કર્મ બીજા માટે નિષ્કામ ભાવે'' થાય એ મુક્તિ. ગીતાનું ગુઢ રહસ્ય: કર્મ કરો માલિકી ના રાખો 'કર્મણ્યે વાધિકારસ્તે મા ફલેષુ કદાચન' બેંકમાં પૈસા જમા કરાવીએ, પણ રોજ બેલેન્સ ના ગણીએ, એમ સારા કર્મ કરતા જાવ પ્રભુ હિસાબ રજે રજનો પાપ-પુણ્યનો રાખશે. તમારે બીજા માટે કર્મ કરવું જ પડશે. પહેલો અડધો જન્મ 'મારા' માટે કર્મ કર્યું.. ઘર, પૈસો, નામ, હવે બીજો અડધો જન્મ 'તારા' માટે કર્મ કરો... સેવા, ભક્તિ, પ્રેમ. શું કોઈના દર્દના આંસુ લૂછયા ? જો ના, તો હજી ખાતું ખાલી છે. એક રોટલો ભૂખ્યાં ને આપી, એક હાસ્ય ઉદાસ ને આપી અરે!
રામચંદ્રએ વનવાસનું કર્મ કોના માટે કર્યું ? જગતના કલ્યાણ માટે, રાવણનો વધ કરવા, શબરીને દર્શન દેવા, હનુમાનને મળવા, કેટકેટલાને કર્મના બંધનથી મુક્ત કરાવ્યા. 'મા' એ ૯ મહિના ઉદરમાં કર્મ કોના માટે કર્યું? પોતાના માટે નહીં... બાળકના ઋણાનુબંધ માટે પાછલા જન્મનું લેણું-દેણું ચૂકવવા માટે એ નિસ્વાર્થ કર્મ હતું એટલે 'મા' ભગવાન કહેવાયા.
કૃષ્ણ ભગવાને અર્જુનને નિમિત્ત બનાવીને કર્મ કોના માટે કર્યું ? ગીતાનું પઠન કરો ભાઈ જવાબ એક જ લીટીમાં 'ધર્મની સ્થાપના માટે' જગતના જીવોના કલ્યાણ માટે' નિમિત્ત માત્ર ભવ સત્યસાચિનં ગીતા ૧૧.૩૩, હે, અર્જુન, તું તો ફક્ત નિમિત્ત બની જા. શા માટે ? દુર્યોધન-દુ:શાસન જેવા અધર્મી મારા દ્વારા જ પહેલેથી જ માર્યા ગયા છે. તું તીર ચલાવે તે પહેલા જ એમનું મૃત્યું નક્કી છે. કર્મ, ધર્મનું રાજ્ય સ્થાપવા માટે, પાંડવોના રાજમાં પ્રજા સુખી થાય સત્ય જીતે, યજ્ઞા-ધર્મ ચાલું રહે.
- વસંત આઈ. સોની








