રુદ્રના અવતાર સમા શ્રી ભૈરવદેવ
સંત તુલસીદાસજી 'અભિમાન' માટે કહે છે:
'મુખ દિયો પ્રભુ ભજન કુ, સુનન દિયો હૈ કાન,
તીરને કુ દી દીનતા, બૂડન કુ અભિમાન.'
અર્થાત્ 'પ્રભુએ આપણને મુખ ભક્તિ કરવા માટે આપ્યું છે. સારું ભાષણ અને સત્સંગ કરવા માટે તેમજ સાંભળવા માટે કાન આપ્યા છે. સંસાર તરી જવા નિરભિમાનતા આપી છે અને બૂડવા માટે અભિમાન આપ્યું છે.' તમારું અભિમાન બીજાને કદાચ ડંખે પરંતુ તમારું તો પતન જ કરે છે. હા, ગર્વ કિયો સોહિ નર હાર્યો.
એક દિવસ બ્રહ્મા અને ભગવાન વિષ્ણુ વચ્ચે પોતપોતાની શ્રેષ્ઠતા અંગે ભારે વાદવિવાદ થયો. બ્રહ્મા પોતાને જગતના સર્જક અને રક્ષક ગણાવતા રહ્યા. ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું ઃ 'હે ચતુરાનન ! અહં છોડો તમારી ઉત્પત્તિ તો મારી નાભિકમળમાંથી થઈ છે. હા, તમે મારા પુત્ર સમાન છો.' બ્રહ્માએ વિષ્ણુની વાત માની નહિ ફળસ્વરૂપ વાદવિવાદ વધતાં બંને વચ્ચે ભીષણ યુદ્ધ શરૂ થયું.
આ યુદ્ધ રોકવા માટે દેવો ભગવાન શિવ પાસે ગયા. દેવોની વાત સાંભળી આ દારુણ યુદ્ધ રોકવા માટે શિવે અગ્નિસ્તંભનું રૂપ ધારણ કર્યું. આ સ્તંભનો કોઈ અંત કે છેડો ન હતો. આ સ્તંભને જોઈ વિષ્ણુ અને બ્રહ્મા તેની પરીક્ષા કરવા નીકળી પડયા. વિષ્ણુ ભૂંડનું રૂપ ધરી સ્તંભનો મૂળ ભાગ શોધવા ગયા. પરંતુ શોધી શક્યા નહિ એટલે તેઓ યુદ્ધસ્થળે પાછા ફર્યા. બ્રહ્મા હંસરૂપ ધારણ કરી સ્તંભનો આધાર શોધવા પાતાળ સુધી ગયા પરંતુ તેમને ય નિષ્ફળતા મળી. એટલે તેઓ મ્લાનવદને પાછા ફર્યા.
બ્રહ્માએ માર્ગમાં આવતા એક કેતકીપુષ્પને પોતાની વીતકથા કહી સંભળાવી. તેમણે કેતકીને કહ્યું:' આ અગ્નિસ્તંભનો અંત શોધવા હું ગયો હતો પરંતુ મને તેનો અંત જડયો નથી, હવે મારી આબરૂ જાય એમ છે. એટલે તું મારી સાથે આવીને, સાક્ષી બનીને ભગવાન વિષ્ણુને કહેજે કે બ્રહ્માજીએ સ્તંભનો છેડો શોધી કાઢયો છે.' બ્રહ્માની ઇચ્છાને માન આપી, કેતકીપુષ્પે બ્રહ્મા સાથે જઈ ભગવાન વિષ્ણુ સમક્ષ બ્રહ્માના સૂરમાં સૂર પુરાવ્યો. વિષ્ણુએ કેતકીના કહેવાથી એ વાત સ્વીકારી લીધી અને પોતાની હાર કબૂલી લીધી.
એવામાં ભગવાન શિવ સ્વયં ત્યાં પ્રગટ થયા. તેઓ સર્વ હકીકત જાણતા હતા. મોટાઈ મેળવવાના મોહમાં સૃષ્ટિસર્જક બ્રહ્મા અસત્યનો આશરો લઈ કપટ કરે તેમ શિવ સ્વપ્ને પણ વિચારી શક્તા નહોતા. એટલે તેમણે બ્રહ્માને શિક્ષા કરવાનું વિચાર્યું. બીજી બાજુ શિવને વિષ્ણુનું ભોળપણ જોઈ હસવું પણ આવ્યું.
છેવટે શિવે બ્રહ્માના ગર્વનું ખંડન કરવા સ્વભૃકુટિમાંથી ભમ્મરમાંથી કાળભૈરવ નામનો મહાપુરુષ ઉત્પન્ન કર્યો. રુદ્રના અવતાર સમા મહાપુરુષ કાળભૈરવને જોઈ બ્રહ્મા ભયભીત બની ગયા. અને પોતાના પાપના પ્રાયશ્ચિત્ત માટે તેઓ કાળભૈરવના પગમાં પડયા. બ્રહ્માની આવી સ્થિતિ જોઇ ભગવાન વિષ્ણુએ તેમને ક્ષમા આપવા માટે શિવને વિનંતી કરી. શિવે એ વાત સ્વીકારી કાળભૈરવને નિવૃત્ત કર્યો.
તેમજ બ્રહ્માને પૂજા-સત્કાર અને સ્થાનરહિત બનવાનો શાપ આપ્યો. અને બ્રહ્માના એ અસત્ય કાર્યમાં સહાયક બનવા બદલ કેતકીપુષ્પને પૂજામાં સ્થાન ન આપવાનો પોતાનો નિર્ણય કહી સંભળાવ્યો. છેવટે દેવોએ કાળભૈરવ અને ભગવાનશિવનો જયઘોષ કર્યો. શિવના અંશાવતાર એવા કાળભૈરવ સૌના આરાધ્ય દેવ-રક્ષકદેવ ગણાય છે. તેઓ'ક્ષેત્રપાલ' તરીકે પણ ઓળખાય છે.
જેમ હનુમાનજી સિંદૂરના અભિષેકથી પ્રસન્ન થાય છે તેમ કાળભૈરવ પણ સિંદૂરપ્રિય દેવ છે. તેમની પૂજા- ઉપાસનાથી પાપકર્મમાંથી મુક્તિ મળે છે. ભૂત-પ્રેત વગેરેનો ભય દૂર થાય છે. કહેવાય છે કે એક ચિત્તે ભૈરવચાલીસાનો પાઠ કરવાથી ભક્તની સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે. કાશીમાં ગંગાઘાટ પર આવેલું એક તીર્થ' કાળભૈરવ તીર્થ' તરીકે ઓળખાય છે. અહીં પ્રતિવર્ષ કારતક વદ સાતમના દિવસે ખૂૂબ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ભક્તિભાવપૂર્વક કાળભૈરવની પૂજા-ઉપાસના કરી જીવનશ્રેય મેળવે છે.
હાથમાં ત્રિશૂળ, ટંક, પાશ અને દંડને ધારણ કરનારા, શ્યામ દેહવાળા, સર્વના આદિદેવ, ભયંકર પરાક્રમવાળા, અધર્મનો નાશ કરનારા, કર્મબંધનથી છોડાવનારા, કલ્યાણ કરનારા, શોક-મોહ-લોભ ક્રોધ દીનતા અને તાપનો નાશ કરનારા, કાશીનગરીના અધિપતિ કાળભૈરવ દેવને કોટિ કોટિ વંદન.
- કનૈયાલાલ રાવલ