Magazines

''કનૈયાને, વ્હાલાં...વ્હાલાં, ગાય-વાછરડાં''

By GS TEAM
20 May 20263 mins read
''કનૈયાને, વ્હાલાં...વ્હાલાં, ગાય-વાછરડાં''

મહાન સનાતન હિંદુ-ધર્મસંસ્કૃતિમાં, ગાય માતાને સર્વ દેવોનો નિવાસ માની, પૂજાય છે. ગાયમાતાને 'વ્રજભક્ત' ગણી છે.

એક દિવસ કનૈયાએ જશોદામાતાને કહ્યું, ''મા! હવે હું મોટો થયો. હવે હું સવારે, ગાયોને ચરાવવા લઈ જાઉં.''

જશોદામાતાએ લાલાને પ્રેમથી સમજાવ્યું કે તું હજુ નાનો છે, જરાતું મોટો થા. એટલે ગુરૂના આશિર્વાદ લઈ તને 'ગોપ' બનાવીશું.

સમય આવ્યો એટલે જશોદામાતાએ શાંડિલ્યઋષિને આમંત્રણ આપી બોલાવ્યા. કાર્તિક માસ, શુક્લ પક્ષ, અષ્ટમીએ એટલે કે 'ગોપાલાષ્ટકદિને' ગુરુજીએ મુહૂર્ત જોઈ કનૈયાને 'ગોવાળ' બનાવ્યો. હવેથી તે ગાય-વાછરડાં ચરાવા જઈ શકશે. વહેલી સવારે ગાય-વાછરડાંને ચાંલ્લા કરી. પુષ્પહાર પહેરાવી પૂજા કરી. મીઠાઈ ખવડાવી ને ગાયવાછરડાની પૂજ્ય ભાવે પ્રદશિણા કરી... કનૈયો ગાય-વાછરડાં ચરાવવા નીકળ્યો. આ જોઈ, જશોદામાતાની આંખમાં આંસુ આવ્યાં.

કનૈયાએ પૂછયું, ''માં! તું કેમ રડે છે ?''

જશોદાજીએ વ્હાલથી કહ્યું, ''તું હવે દરરોજ સવારે ગાયો ચરાવવા જઈશ અને સાંજે ઘેર આવીશ. એટલે આખો દિન તારા મુખનાં દર્શન થશે નહિ. તને જોયા વિના મને ચેન પડતું નથી. કનૈયો જશોદામાને વળગી પડયો ને માનાં અશ્રુ લૂછી નાખ્યાં.''

યશોદા માતા લાલા માટે પગરખાં લાવ્યાં. પણ કનૈયાએ પગરખાં પહેરવાની ના પાડી. જશોદા માને કહ્યું, ''મા! હું ગોવાળ છું. એટલે કે ગાયોનો સેવક છું. મારી ગાયો પગરખાં ન પહેરે તો, તેમનો નોકર-સેવક હું કેવી રીતે પગરખાં પહેરી શકું ?''

યશોદામાએ કહ્યું, ''બેટા! ગાયો તો 'પશુ' છે.'' કનૈયાએ તુરત જ કહ્યું, ''માં! આવું બોલીશ નહિ.'' ગાયો તો સર્વની માતા છે. ગાયો પશુ નથી. ગાયોમાં સર્વ દેવોનો વાસ છે. હું તો ગાયોનો સેવક છું. શ્રીકૃષ્ણ ગોકુળમાં રહ્યાં ત્યાં સુધી પગરખાં પહેર્યા ન હતાં.

કોઈએ ન કરી હોય તેવી ગાયોની સેવા કનૈયાએ કરી છે. ગાયોને ખવડાવ્યા વિના તેણે ખાધું નથી. ગાય-વાછરડાંને પાણી પીવડાવ્યા વિના પાણી પીધું નથી. આવો પ્રેમ પામનાર ગાયો, કનૈયા વિના શી રીતે રહી શકે ?

શ્રીકૃષ્ણને મથુરા જવાનું થયું ત્યારે ગાય-વાછરડાં રડવા માંડેલાં.

કનૈયો પોતાના કીમતી-મુલાયમ પીતાંબરથી ગાય-વાછરડાંને સાફ કરતો. મીઠાઈ-બરફી 'ગંગી' અને અન્ય ગાયોને ખવડાવી દેતો. નાચતો-નાચતો જશોદામાને કહેતો ગાય-વાછરડાંની સેવામાં મને અત્યંત આનંદ મળે છે.

એક વખત વનમાં દાવાનળ સળગ્યો. ગ્રામવાસી ગાય-વાછરડાં...ગોવાળ બધાં દાવાગ્નિથી ઘેરાઈ ગયાં. ત્યારે કનૈયો દાવાગ્નિ પી ગયો. સર્વનું રક્ષણ કર્યું.

શ્રી કૃષ્ણ વાંસળી વગાડે એટલે ગાય-વાછરડાં બ્રહાનંદ પ્રાપ્ત કરતાં. કાન ઊંચા કરી..તલ્લીન બની... એ...ઈ રસપાન કરતાં... બ્રહ્માનંદ કવિ કહે છે:

અય શ્યામ તેરી બંસરીએ,

ક્યા સીતમ કિયા,

તનકી રહી ન હોશ...

સબકે મનકો હર લિયા.

ગોવર્ધન પૂજન વિધિ વખતે ગાયોનું પૂજન કરી, ફૂલમાળાને શણગાર સજાવી 'વરઘોડો' કાઢેલો. ઈન્દ્રના કોપથી સતત સાત દિવસ પડેલા ધોધમાર વરસાદમાં, ગોવર્ધન ઊંચકી...ગાય-વાછરડાં માનવીઓનું રક્ષણ કરેલું.

કનૈયો 'મથુરા' ગયો તેથી ગાયો-વાછરડાંએ વિરહ અનુભવેલો.

નથી ગાયો દોવા દેતી,

નથી તરણાં મુખમાં લેતી,

નથી ખીલે બાંધી રહેતી.

વાછરડાં તો વીલાં ફરતાં,

ચારો જરીએ ન ચરતાં.

મથુરાથી વહેલા વળજો... ગોવિંદવર.

હાલના સમયમાં જન્માષ્ટમી ધામધૂમથી ઉજવીએ છીએ, નાચીએ કૂદીએ... મનભાવતું ખાઈએ. આમ કરવાથી કનૈયો રાજી ન થાય.

કનૈયો આપણા ઉપર ત્યારે જ હૃદયથી છલકી ઊઠે કે જ્યારે કનૈયાએ આચરી બતાવેલ 'સેવાધર્મ' બજાવીએ. તોજ બ્રહ્મનાદની વાંસળી સાંભળવા મળે. વિચારવા જેવું અને આચરવા જેવું છે.

- લાભુભાઈ પંડયા