Magazines

કૈલાસ ખેર : ઓડિયન્સે ગાયકોને અમુક રિકવેસ્ટ કરાય જ નહીં...

By GS TEAM
14 May 20263 mins read
કૈલાસ ખેર : ઓડિયન્સે ગાયકોને અમુક રિકવેસ્ટ કરાય જ નહીં...

- 'સંગીત કો ઐસા ના માના જાયે કિ સર, દો લાઈન ગા દીજિયે, મૂડ બના દીજિયે.'

- જાણીતા ગાયક કૈલાસ ખેરે તાજેતરમાં જ એક વિવાદના મધપૂડાને છંછેડી દીધો છે. તેના બોલિવુડમાં ઘેરા પ્રત્યાઘાત પણ પડયા છે, પણ કૈલાસ ખેર તો તેના નિવેદન પરથી જરાય ડગ્યા નથી. સામાન્ય સંગીત કાર્યક્રમો અને કોન્સર્ટમાં ઘણા પ્રેક્ષકો તેમના મનગમતા ગીતની પંક્તિઓ સાંભળવાનો આગ્રહ કરતા હોય છે અને તે માટે વિનંતી પણ કરતાં હોય છે. જો કે કૈલાસ ખેરે તો આવી વિનંતીને કલાત્મક ગૌરવ પરના નિવેદન તરીકે રજૂ કરી દીધું છે.

તાજેતરમાં દિલ્હીમાં એક કાર્યક્રમમાં ગાયકને જ્યારે તે સમસ્યારૂપ ધોરણ તરીકે જુએ છે. તેને પડકારવા માટે ગણતરીની ક્ષણોનો ઉપયોગ કરીને કેટલીક પંક્તિઓ ગાવાનું કહેવામાં આવે ત્યારે તેણે તાત્કાલિક એ પંક્તિ ગાવાનો ઈનકાર કરી દીધો હતો. 'યહી મૈંં બદલના ચાહતા હું... કિ ગાયન કો, સંગીત કો ઐસા ના માના જાયે કી સર, દો લાઈન ગા દીજિયે, મૂડ બના દીજિયે. યે બહુત ગલત હૈ... યે રિક્વેસ્ટ હી મત કીજિયે,' એમ કૈલાસ ખેરે જણાવ્યું. આવી પ્રાસંગિક માગણીઓ સંગીતના મૂલ્યને તીક્ષ્ણ રીતે ઘટાડી નાખે છે. આ સાથે જ તેમણે ઉમેર્યું, 'આપ ક્યા (ક્રિકેટર સચીન તેન્ડુલકર કો) બોલેંગે કી એક જરા છક્કા લગા કે દિખા દીજિયે?... ક્લોન મત બનને દીજિયે કલાકારો કો.'

કૈલાસ ખેરના આવા નિવેદન અંગે મિશ્ર પ્રતિક્રિયાઓ મળી છે, જે જરૂર વિચારતા કરી મૂકે છે. સંગીત જગતના ગાયક રઘુ દીક્ષિત માટે આ ભાવના ઊંડી ઉતરે છે. તેમણે જે કહ્યું 'તેની સાથે હું સંમત છું. જો મને અગાઉથી કહેવામાં આવે તો મને ગાવામાં કોઈ વાંધો નથી. મને આવા આશ્ચર્ય ગમતા નથી. તે કલાકારને આકસ્મિક રીતે લેવામાં આવતા હોય, તેવું અનુભવ કરાવે છે,' એમ રઘુ કહે છે. આ સાથે જ ગાયક રઘુ ઉમેરે છે, 'ગાવું એ તો ગાયકનો વ્યવસાય છે અને તેને એક વ્યાવસાય તરીકે એવી જ રીતે ગણવો જોઈએ. એનો અર્થ એ થયો કે કલાકારે તૈયારી કરવી પડશે, પ્રેક્ટિસ કરવી પડશે. જરૂરી ટેકનિક અને વાદ્યોનો ઉપયોગ કરવો પડશે અને વ્યાવસાયિક જોડાણ માટે ચૂકવણી કરવી પડશે.'

ગાયક-સંગીતકાર સલીમ મર્ચન્ટ વધુ ખુલ્લો દ્રષ્ટિકોણ રજૂ કરે છે. 'મને નથી લાગતું કે તે અપમાનજનક છે. હું સમજુ છું કે જ્યારે વિનંતી આદર સાથે કરવામાં નહીં આવે અને એવું લાગે કે તેઓ તમને આદેશ આપી રહ્યા છે અથવા કદાચ તમે મૂડમાં નથી ત્યારે તમે ફક્ત નમ્રતાથી ના કહી શકો છો.' આ સાથે જ તેઓ ઉમેરે છે 'સંગીત તો જ્ઞાાન વહેંચવા જેવું છે. સંગીત મા સરસ્વતી કી દેન હૈ... જો કોઈ તમને ગાવાનું કહે છે તો તે તમને તેમને ખુશ કરવા માટે કહે છે. તમે ફક્ત બે પંક્તિ ગાઈને કોઈને ખુશ કેમ નથી કરતા?'

પીઢ ગાયક અનુપ જાલોટા એક મજબૂત વલણ અપનાવે છે. 'લોગ તો વિનંતી કરેંગે હી. આ અટકશે નહીં. આ બાબત તો કલાકાર પર નિર્ભર હોવું જોઈએ કે તેઓ મનોરંજન કરવા માગે છે કે નહીં?' એમ તેઓ કહે છે અને એ સાથે સમાનતા દર્શાવતા ઉમેરે છે, 'જ્યારે કોઈ ડોક્ટર પાર્ટીમાં જાય છે ત્યારે બધા તેમને પૂછશે (દવા લખવા માટે) શું તે ના કહેશે? દેખિતી રીતે જ નહીં.'

ગાયક અર્જુન કાનુન્ગો વ્યાવહારિકતાથી આ મુદ્દાને રજૂ કરે છે, 'તેમાં કંઈ ખોટું નથી... તમે હમેશાં નમ્રતાથી ઇનકાર કરી શકો છો. તેને ઘમંડની નિશાની તરીકે ન જોવું જોઈએ,' એમ તેણે ઉમેર્યું હતું.