Magazines

'વિશ્વના અંતના સંકેત' ઈસુનું ભવિષ્યકથન

By GS TEAM
17 Dec 20252 mins read
'વિશ્વના અંતના સંકેત' ઈસુનું ભવિષ્યકથન

બે હજાર વર્ષો પૂર્વે ઈસુનું અવતરણ ગભાણમાં થયું હતું. તેમનું દ્વિતીય આગમન ગગનમાં થશે. પૃથ્વી પર તેમની પધરામણીનું પર્વ નાતાલ. જન્મ આપણા એશિયા ખંડના બેથલેહેમમાં. પવિત્ર આત્માના પ્રભાવથી જન્મદાત્રી કુંવારી મરિયમ. એ અજાયબી. જોસેફ તેમના પાલક પિતા.

ઈસુનું આગમન અને નિવાસ જગતમાં હોવા છતાં તેઓ જગતથી પરલૌકિક જીવન જીવ્યા. તેમનામાં પવિત્ર આત્માના સુપર પાવરનો સંચાર થયેલો હતો. તેમણે અપંગોને અંગો પ્રદાન કર્યા. રોગીઓને રોગમુક્ત કર્યા. ઉપરાંત સાગરમાં થતાં વાવાઝોડાનાં તોફાનોને શાંત કરીને પ્રકૃતિ પર તેમનું પ્રભુત્વ દર્શાવતા ચમત્કારો કર્યા. તેમના વર્તન સાથે સુસંગત વક્તવ્યના પડઘા ભલભલાનાં હૈયાંને ડોલાવતા હતા. નેકી અને નીતિના તેમના સંદેશાથી પ્રભાવિત થઈને અનેક શ્રોતાઓએ તેમનું શરણ સ્વીકાર્યું. તેઓ પ્રાચીન ઋષિ સમા સૌમ્ય હતા. ગૃહસ્થી નહિ પણ મુનિઓની માફક સંસારત્યાગી બ્રહ્મચારી હતા. સતત ઈશ્વરની ઉપાસના અને સાનિધ્યમાં રહેતા હતા.

મહાજ્ઞાાની ઈસુએ આપેલું ગિરિપ્રવચન વિશ્વમાં પ્રખ્યાત છે. તેમના સાત્વિક અને સેવાભાવી જીવનને લીધે પાખંડી ધર્મગુરુઓ શરમિંદા પડતા હતા અને રોષે બળતા હતા. તેઓએ રોમન સલ્તનતને ઈસુની સામે ફરિયાદ કરી. ભંભેરણી કરી. અને જૂઠા આરોપો મૂક્યા. રોમન ગવર્નરે તેમને વધસ્થંભ પરના મૃત્યુની સજા જાહેર કરી. તેઓ મૃત્યુ પામ્યા. કબર પર પોલીસોનો જાપ્તો હોવા છતાં સજીવન થયા. ચાલીસ દિવસ પછી તેમનું સ્વર્ગગમન થયું. ત્યારે ફિરસ્તાઓએ સંભળાવ્યું, ''જે ઈસુને તમે સ્વર્ગે જતાં જુઓ છો તે પાછા આવશે.''

ઈસુએ પોતે પણ માથ્થીકૃત શુભસંદેશમાં તેમના પુન:આગમનના અણસારો આપેલા છે, પ્રજા પ્રજાની વિરુધ્ધ થશે. ઠેરઠેર દુકાળો પડશે. રોગચાળા પ્રસરશે. મારે નામે જૂઠા પ્રબોધકો ઊભા થશે. લોકોને ભુલાવશે. ભયાનક યુદ્ધો, અંધાધૂંધી અને મારા શિષ્યોની સતાવણી થશે. અને મારા આગમન પૂર્વે મારો શુભસંદેશ સમગ્ર જગતમાં પ્રગટ કરાશે. ત્યારે જ જગતનો અંત આવશે. માથ્થી ૨૪-૧૧.

વિદ્યમાન સમયમાં આવા બધા બનાવો બની રહ્યા છે. એ જોતાં કલિ નામે ઓળખાતો આ યુગ જોતજોતામાં પૂરો થવાની સાંભાવના રહેલી છે.

હવે તેઓ માનવસ્વરૂપે ગભાણમાં નહિ, પણ રાજા તરીકે ગગનમાં આવશે, પછી વિશ્વમાં પધારશે. ત્યારે વર્તમાન વિશ્વનું વિસર્જન થશે. નવી સૃષ્ટિ અને ઈઝરાયેલના પાટનગર યરૂશાલેમનું નવસર્જન થશે.

- ડૉ.સુરેન્દ્ર આસ્થાવાદી