Magazines

જેનિફર લોરેન્સ : જટિલ પાત્ર સહજતાથી ભજવવામાં એને કોઈ ન પહોંચે

By GS TEAM
20 Nov 20252 mins read
જેનિફર લોરેન્સ : જટિલ પાત્ર સહજતાથી ભજવવામાં એને કોઈ ન પહોંચે

અગાઉ આ વર્ષના પ્રારંભમાં કાન ફિલ્મ ફેસ્ટીવલ દરમ્યાન લોકોનું ધ્યાન આકર્ષિત કરનાર જેનિફર લોરેન્સ અને રોબર્ટ પેટિનસને 'ડાય માય લવ'ના ન્યુ યોર્ક પ્રીમિયર સમયે ફરી એકવાર સ્પોટલાઈટ પર કબજો જમાવ્યો છે. 'ડાય માય લવ'માં લોરેન્સ યુવા  મહિલા ગ્રેસનું પાત્ર ભજવે છે જે પોતાના પતિ સાથે ધમધમતા વ્યસ્ત ન્યુ યોર્કમાંથી મોન્ટાનાના શાંત વાતાવરણમાં સ્થાયી થાય છે. પણ આ શાંતિ ટૂંક સમયમાં જ તોફાનમાં પરિવર્તિત થાય છે. માતૃત્વના દબાણથી ગ્રેસ બાળકપ્રેમ, ક્રોધ અને ડરામણા વિચારો વચ્ચે અટવાઈ જાય છે. વાર્તા બેબાક અને કવિતાત્મક બંને છે, જે બાળક જન્મ પછીની અસ્થિરતા  તેમજ વિવેક અને ભ્રમ વચ્ચેની પાતળી રેખા વિશે મંથન કરે છે.

જેનિફર લોરેન્સ માટે  ગ્રેસની ભૂમિકા માનસિક અને ભાવનાત્મક પડકાર છે, જેનો તે પ્રમાણિકતાથી સામનો કરે છે. લોરેન્સે એક મુલાકાતમાં સ્પષ્ટતા કરી કે ગ્રેસની ભૂમિકા નિભાવવી તેના માટે એક વિચિત્ર રીતે આનંદદાયક અનુભવ હતો. લોરેન્સના મતે આવા કર્કશ વિચારો મોટેથી બોલવાની તક નથી મળતી, આથી જ્યારે આવું પાત્ર ભજવવાનું હોય ત્યારે આનંદ મળે છે, દાખલા તરીકે હું બાથરૂમમાં જાઉ અને બધુ નષ્ટ કરી નાખું તો? આ એક પ્રકારનું ગાંડપણ હતું.

પોતાના પાત્રની અરાજકતા સંપૂર્ણપણે આત્મસાત કરવાની તેની તૈયારી, ભાવનાત્મક વિનાશમાં ઉલ્લાસ શોધવો દર્શાવે છે કે લોરેન્સ હજી પણ સ્ક્રીન પર આટલી પ્રભાવશાળી છે. 

લોરેન્સે તેના સહકલાકાર લોરેન્સ વિશે કહે છે, કે રોબર્ટ ખરેખર સંવાદ સારી રીતે યાદ નહોતો રાખી શકતો જ્યારે હું સંવાદો યાદ રાખવામાં નિપુણ છું. તેને સંવાદો યાદ રાખવાની ભારે મહેનત પડતી અને તેનાથી તેના પર દબાણ રહેતું, જ્યારે મારી સ્મરણશક્તિ તેના કરતા સારી હતી.