જેનિફર-બ્રેડ-એન્જેલિનાઃ રિઅલ પરથી રીલ

લાંબો સમયથી ચાલી રહેલો હોલિવુડનો એક વિખવાદ સંભવિતપણે સ્ક્રીન પર જીવંત થઈ શકે છે. વાતો એવી સંભળાઈ રહી છે કે જેનિફર એનિસ્ટન, એન્જલિના જોલી અને બ્રેડ પિટના અટપટા સંબંધો પર આધારિત ડ્રામા સિરીઝ અથવા ફિચર ફિલ્મ આકાર લઈ શકે છે. એક તરફ કોઈ સ્ટુડિયોએ આ વાતની પુષ્ટિ આપી નથી, પણ સૂત્રો કહે છે કે ગ્લેમરસ લગ્ન, બહુચર્ચિત બ્રેકઅપ, નવો રોમાન્સ અને મીડિયા દખલગીરી - આ સામગ્રી પરથી હાઇકલાસ ફિલ્મ કે વેબ શો બની શકે છે ને તે વહેલામોડું બનીને જ રહેશે. જોકે સંભવિત પડકારો સમગ્ર યોજનાને ખોરંભે ચડાવી શકે. આ અસલી માણસો પર આધારિત કથા છે, તેથી તેમની મંજૂરી વગર જો સત્યઘટનાઓનું નાટકીયકરણ કરવામાં આવે તો અવળો પ્રતિસાદ પડી શકે. જેનિફર એનિસ્ટન અને એન્જેલિના જોલી બંને વગદાર અભિનેત્રીઓ છે. બ્રેડ પિટ તો ખરો જ. જો એમની લાઇફ પરથી કશુંય પરમિશન વિના બને તો કાનૂની દાવપેચ શરૂ થયા વગર ન રહે. ૧૯૯૦ના દાયકાના ઉત્તરાર્ધમાં એનિસ્ટન અને પિટ હોલીવૂડનાં સૌથી લોકપ્રિય કપલો પૈકી એક હતાં. તેમના સંબંધ પર મીડિયાનું ખૂબ જ ધ્યાન રહેતું. ૨૦૦૦ની સાલમાં જ્યારે તેમનાં લગ્ન થયાં ત્યારે એને આધુનિક સેલિબ્રિટી પરીકથા તરીકે દર્શાવવામાં આવ્યું. જોકે પરિસ્થિતિ પલટાઇ ૨૦૦૫માં કે દરમ્યાન બદલાવ આવ્યો જ્યારે કપલે તેમના છૂટા થવાની જાહેરાત કરી. બરાબર એ જ સમયે પિટ જોલી સાથે એક્શન-કોમેડી 'મિ. એન્ડ મિસિસ સ્મિથ'નું શૂટીંગ કરી રહ્યો હતો. બ્રેકઅપના થોડા સમયમાં જ પિટ અને જોલી જાહેરમાં સાથે દેખાવા લાગતા તીવ્ર અટકળો શરૂ થઈ હતી. એવી અફવા ઝડપથી પ્રસરી કે તેમનો રોમાન્સ પિટના ડિવોર્સ પહેલાં જ શરૂ થયો હોઈ શકે. બંને અભિનેત્રીઓને પ્રતિસ્પર્ધી તરીકે માનવામાં આવી. ટીવી સિરીઝ 'ફ્રેન્ડ્સ' દ્વારા લોકપ્રિયતા હાંસલ કરનાર એનિસ્ટનને વારંવાર ગર્લ-નેક્સ્ટ-ડોર તરીકે દર્શાવવામાં આવતી, જ્યારે 'ગર્લ ઈન્ટરપ્ટેડ' અને પછી 'મેલફિસન્ટ' જેવા બ્લોકબસ્ટર પ્રોજેક્ટ કરનારી જોલીને એક રહસ્યમય એક્ટ્રેસ તરીકે જોવામાં આવી. બ્રેડ અને એન્જેલિનાનાં ૨૦૧૪માં લગ્ન થયાં. લગ્ન પહેલાં જ તેઓ કેટલાંય બચ્ચાં દત્તક લઈ ચૂક્યાં હતાં. ૨૦૧૬માં છૂટાછેડાની અરજી દાખલ કરતા જ તેમના લગ્નનો અંત આવ્યો, પછી ગંદો કાનૂની કેસ ચાલ્યો.
આ બાજુ જેફિર એનિસ્ટને પણ તેના અંગત જીવનમાં ઝંઝાવાતોનો સામનો કરવો પડયો. ૨૦૧૫માં તેણે જસ્ટિન થેરોક્સ સાથે બીજાં લગ્ન કર્યા, પણ ત્રણ વર્ષ પછી તેમના છૂટાછેડા થઈ ગયા. હાલ એ વેલનેસ કોચ જિમ કર્ટિસને ડેટ કરી રહી છે. તો શું આ ત્રણેયની લાઇફ પરથી કોઈ 'જોણું' બનશે? વેઇટ એન્ડ વોચ.









