બ્રાએ આંચક્યું ટોપનું સ્થાન: આંતરવસ્ત્ર બન્યું બાહ્યવસ્ત્ર
કોઇ સામાન્ય મહિલાના બ્લાઉઝમાંથી બ્રાની પટ્ટી દેખાતી હોય તો તેની સાથે રહેલી સ્ત્રી તેનું ધ્યાન અચૂક તેના તરફ દોરે. અને જેની બ્રાની પટ્ટી દેખાતી હોય તે થોડી ભોંઠપ પણ અનુભવે. જોકે ફેશનેબલ માનુનીઓમાં આ વાત લગીરેય લાગૂ નથી પડતી. બલ્કે હવે તેઓ બ્રાને આંતરવસ્ત્ર તરીકે નહીં, બલ્કે આઉટરવેઅર તરીકે પહેરવા લાગી છે. કહેવાનો અર્થ એ છે ક ે બ્રાએ હવે ટોપનું સ્થાન આંચકવાની શરૂઆત કરી દીધી છે. ફેશનેબલ પામેલાઓ તેને ટોપની અંદર નહીં, બલ્કે ટોપ તરીકે જ પહેરવા લાગી છે. તે પણ તેને સજાવીને. અલબત્ત, તેઓ બ્રાટોપ પર મોટાભાગે બ્લેઝર પહેરતી જોવા મળે છે. ટૂંકમાં કહી શકાય કે હવે બ્લેઝરની અંદર કયું ટી-શર્ટ કે શર્ટ પહેરવું તેનો વિચાર કરવાના દિવસો ઝાઝું નથી ટકવાના. તાજેતરની જ વાત કરીએ તો અભિનેત્રી તારા સુતરિયાએ બ્લેક બ્લેઝર અને હળવા બ્લેક સ્લીટેડ સ્કર્ટ સાથે હીરાથી ઝગમગતી સ્ટ્રેપલેસ બ્રા જેવું ટોપ પહેર્યું હતું.
તેના ઉપર હીરાથી લખેલું હતું, 'લવ પ્રીટિ. આ લખાણની ઉપર-નીચે હીરાની સેર બનાવવામાં આવી હતી. ફેશન ડિઝાઇનરો પણ કહે છે કે બ્રા હવે માત્ર આંતરવસ્ત્ર નથી રહ્યું. વાસ્તવમાં તે ખૂબસુરત બાહ્યવસ્ત્ર બની ગયું છે. ભલે સામાન્ય મહિલાઓ આવો પોશાક પહેરતા શરમાય, પરંતુ બોલ્ડ-ફેશનેબલ માનુનીઓને તેનો કોઇ છોછ નથી.તેઓ ટોપની અંદર બ્રા પહેરવાને બદલે બ્રા પેટર્નનું ટોપ પહેરીને તેના ઉપર બ્લેઝર પહેરી લે છે. આ જ તેમનું લેટેસ્ટ ટ્રેન્ડનું ટોપ હોય છે. તેથી જો તમને એ વાતનો ખ્યાલ ન હોય તો કોઇને આવો પોશાક પહેરતાં જોઇને આંચકો નહીં અનુભવતા. જોકે કોઇપણ ટ્રેન્ડી પોશાક પહેરવાથી પહેલા ચોક્કસ બાબતો ધ્યાનમાં લેવાનની હોય છે. જ્યારે આ બ્રાટોપ હોવાથી તેને માટે વિશેષ કાળજીની જરૂર પડે છે. આવી પેટર્નના ટોપ પહેરવાથી પહેલા કઇ કઇ બાબતો ધ્યાનમાં લેવી જોઇએ તેના વિશે માહિતી આપતાં ફેશન ડિઝાઇનરો કહે છે...,
મેટાલિક આઉટફિટ સાથે બ્લેક કે ડાર્ક બ્લુ બ્રાટોપ સુંદર લાગે છે. જોકે આવા ટોપ સાથે શોર્ટ સ્કર્ટ ન પહેરો. આમ છતાં જો તમને શોર્ટ્સ પર પહેરવું હોય તો તેના ઉપર શોર્ટ્સ જેવું જ જેકેટ પણ પહેરો. આ સિવાય એંકલ લેન્ગ્થ સ્કર્ટ અને લોંગ બ્લેઝર સાથે પણ આવું ટોપ સુંદર લાગશે. આ બંને પ્રકારના ડ્રેસ સાથે સ્પોર્ટ્સ શૂઝ અથવા સ્નીકર્સ ચાલશે. આ પોશાક સાથે વધારે એક્સેસરીનો ઉપયોગ ટાળો. હેરસ્ટાઇલ પણ ટાઇટ રાખવાથી તમારું પરિધાન જ ધ્યાનાકર્ષક બની રહેશે.
ભારે સ્તનયુગ્મ ધરાવતી યુવતીઓએ માત્ર એક પટ્ટા જેટલું બ્રાટોપ પહેરવાનું ટાળવું . મધ્યમ કદના ઉરોજો ધરાવતી પામેલાએ પણ આવું ટોપ પહેરવાથી પહેલા ચોક્કસ બાબતો ધ્યાનમાં રાખવી. જેમ કે તેનું ટોપ, બ્લેઝર અને સ્કર્ટ એક જ રંગના જુદા જુદા શેડ અને પ્રિન્ટના હોવા જોઇએ. તમે ચાહો તો બ્રાટોપ પર હળવું વર્ક કરાવી શકો છો. અથવા તેની ઉપર સરસ લખાણ પણ કરાવી શકો છો. તેની સાથેની તમારી જેકેટ બહુ લાંબી ન હોવી જોઇએ. પરંતુ તે એકદમ ખુલતી બાંયની હશે તો સુંદર દેખાશે. આવો પોશાક દિવસ દરમિયાન નહીં, બલ્કે સાંજની પાર્ટીમાં જ પહેરવો. તેમાંય જો તમારા ટોપ પર શાઇનિંગવાળું વર્ક કરેલું હોય તો તે માત્ર સાંજે જ પહેરવું. આ ડ્રેસ સાથે તેને મેચ થતાં ફેન્સી પગરખાં પહેરો.
એક જ રંગના પેન્ટસુેટની અંદર પણ બ્રાટોપ ખૂબ જચે છે. તમે તમારા મનગમતા રંગના પેન્ટસુટની અંદર શર્ટ પહેરવાને બદલે બ્રાટોપ પહેરો. તેનો રંગ તમારા પેન્ટસુટના કલરથી તદ્દન વિરોધાભાસી ન હોય એ વાતનું ધ્યાન રાખો. તમે ચાહો તો લેસવાળું ટોપ પહેરો. જોકે સાંજની પાર્ટીમાં શાઇનિંગવાળું ટોપ પણ આકર્ષક દેખાશે. આ પોશાક સાથે કાનમાં મોટી રિંગ પહેરો. અન્ય એક્સેસરીનો ઉપયોગ ટાળો. આમ છતાં તમે ચાહો તો કાંડા પર સુંદર ઘડિયાળ પહેરી શકો છો. લેસવાળા બ્રાટોપ સાથે હાઇવેસ્ટ શોટ્સ અથવા સ્કર્ટ પહેરો. શોર્ટ સ્કર્ટ ઉપર પગના નળા સુધીની લંબાઇ ધરાવતું ટ્રાન્સપરન્ટ સ્કર્ટ પહેરી શકાય. તેવી જ રીતે જો શોર્ટસ પહેર્યું હોય તો કાફ લેન્ગ્થ, પારદર્શક પેન્ટ પહેરો.હવે તેની ઉપર ટ્રાન્સપરન્ટ એંકલ લેન્ગ્થ જેકેટ પહેરો. આવા પોશાકમાં તમારું વ્યક્તિત્વ અત્યંત આકર્ષક દેખાશે.
- જયના