Magazines

જયા બચ્ચન જ્યારે લગ્નને એક 'આઉટડેટેડ' સંસ્થા ગણાવે છે...

By GS TEAM
11 Dec 20252 mins read
જયા બચ્ચન જ્યારે લગ્નને એક 'આઉટડેટેડ' સંસ્થા ગણાવે છે...

- 'હું નથી ઇચ્છતી કે મારી દોહિત્રી નવ્યા નવેલી નંદા લગ્ન કરે. આજનાં બાળકો અને યુવા પેઢી એટલાં સ્માર્ટ છે કે તેઓ ડહાપણમાં તમને ક્યાંય પાછળ મૂકી દે.'

શ્રીમતી બચ્ચન (૭૭) પર એમના આકરા સ્વભાવ માટે સોશ્યલ મીડિયામાં પણ સૌથી તિરસ્કૃત વ્યક્તિ (મોસ્ટ હેટેડ પર્સન)નું લેબલ લાગેલું છે. અલબત્ત, એક્ટર ટર્ન્ડ પોલિટિશ્યનને એનાથી કોઈ ફરક નથી પડતો. 'મને એની કોઈ પરવા નથી. મને કોઈ ધિક્કારે તો એ એનો મત છે. એને એવું કરવાનો હક છે. હું તમને (પાપારાઝીઓને) ભારોભાર નફરત કરું છું કારણ કે તમે એવું વિચારો છો કે હું એક ઉંદરડાની જેમ કોઈના પણ ઘરમાં મોબાઈલ કેમેરો લઈને ઘુસી જઈ શકો છો,' એવા શબ્દોમાં જયાજી પોતાના ઉગ્ર મિજાજનો પરચો બતાવે છે.

આ જ ઈવેન્ટમાં બચ્ચન પરિવારના મોભીએ બીજા પમ કેટલાક તડાકા-ભડાકા કર્યા. એમણે પેનલ ડિસ્કશનમાં એમ કહીને સૌને ચોંકાવી દીધા કે હું નથી ઇચ્છતી કે મારી દોહિત્રી નવ્યા નવેલી નંદા લગ્ન કરે. બરખા દત્તે એમને એવો પ્રશ્ન કર્યો હતો કે તમારી જેમ નવ્યા (૨૮) પણ મેરેજ બાદ પોતાનું કરિઅર છોડી દે એ તમને ગમશે ખરું? એના જવાબમાં જયાજીએ શબ્દો ચોર્યા વિના કહી દીધું કે 'આઈ ડોન્ટ વોન્ટ નવ્યા ટુ ગેટ મેરિડ (હું નથી ઇચ્છતી કે નવ્યા પરણે).'

લાગ જોઈને વર્સેટાઈલ જર્નાલિસ્ટ બરખા દત્તે એમને પૂછી લીધું, 'શું તમે મેરેજને એક આઉટડેટેડ ઇન્સ્ટિટયુશન (કાળગ્રસ્ત અને જરીપુરાણી સંસ્થા) માનો છો?' જવાબમાં 'શોલે'ના અભિનેત્રીએ બેધડક કહ્યું, 'હા, બિલકુલ. પરંતુ આજે હું એક નાની બની ગઈ છું. થોડા દિવસોમાં મારી દોહિત્રી નવ્યા ૨૮ વરસની થશે. આજની યુવાન છોકરીઓને બાળકોનો કઈ રીતે ઉછેર કરવો એની સલાહ આપવા માટે હું બહુ મોટી ઉંમરની ગણાઉં. આજના બાળકો એટલા સ્માર્ટ છે કે તેઓ ડહાપણમાં તમને પાછળ મૂકી દે.'

આટલેથી ન રોકાઈ, જયાજીએ પોતાના અમિતાભ બચ્ચન સાથેના પાંચ દાયકાના લગ્નજીવન વિશે વાત કરતા એવી કમેન્ટ કરી કે 'મેરેજ દિલ્લી કા લડ્ડુ હૈ, ખાવ તો મુશ્કિલ ઔર ન ખાવ તો ભી મુશ્કિલ.' (ગુજરાતીમાં કહેવું હોય તો એમ કહી શકાય કે લગ્ન લાકડાના લાડુ જેવા છે. તમે એ ન ખાવ તો પસ્તાવ અને ખાવ તો પણ પસ્તાવ).

અહીં નોંધવું ઘટે કે નવ્યા દિલ્હીના ઉદ્યોગપતિ નિખિલ નંદા અને લેખિકા શ્વેતા બચ્ચનની પુત્રી અને અભિષેક બચ્ચનની ભાણેજ છે. ન્યુ યોર્કની ફોર્ધમ યુનિવર્સિટીમાંથી ૨૦૨૦માં ગ્રેજ્યુએટ થયેલી હાલ અમદાવાદની આઈઆઈએમમાં એમબીએ કરી રહી છે. એક્ટિંગમાં રસ ન ધરાવતી મિસ નંદા એક પોડકાસ્ટની હોસ્ટ છે.