જાવેદ અલીનું નમ્ર સૂચન : AIનો પ્રયોગ સંગીત સર્જનમાં પણ થવો જોઇએ

- 'હું સ્પષ્ટપણે માનું છું કે કોઇ પણ ગીત ઇન્સ્ટાગ્રામ પર ફક્ત 30 સેકન્ડ્ઝ માટે જ નહીં પણ તેની સમગ્રતામાં રજૂ થવું જોઇએ અને લોકપ્રિય પણ થવું જોઇએ અને લોકપ્રિય પણ થવું જોઈએ.'
જાવેદ અલી હિન્દી ફિલ્મ જગતનો સિનિયર, મહેનતુ, પ્રતિભાવાન ગાયક છે. તાજી ફિલ્મ 'ઓ રોમિયો'નંી ગીત : આશિકોં કી કોલોની : જાવેદ અલીએ ગાયું છે. આ ગીતને ફિલ્મ પ્રેમીઓનો ઉમળકાભેર આવકાર મળ્યો છે. જોકે જાવેદ અલી નમ્રતા સાથે કહે છે, આ ગીતને દર્શકોનો બહોળો પ્રતિસાદ મળ્યો છે.
જશ્ન - એ - બહારા (જોધા અકબર),આ જાઓ મેરી તમન્ના(અજબ પ્રેમ કી ગજબ કહાની), કુન ફાયા કુન(રોક સ્ટાર), કજરારે( બંટી ઔર બબલી) જેવાં લોકપ્રિય ગીતો ગાનારો જાવેદ અલી બહુ મહત્વનો મુદ્દો રજૂ કરતાં કહે છે, ફિલ્મનાં ગીતો સોશિયલ મિડિયાના માધ્યમ પર રજૂ થાય તો તે બહુ ઓછા સમયમાં લાખો લોકો સુધી પહોંચી જાય છે. સારી વાત છે. આમ છતાં હું બહુ સ્પષ્ટપણે માનું છું કે કોઇપણ ગીત ઇન્સ્ટાગ્રામ પર ફક્ત ૩૦ સેકન્ડ્ઝ માટે જ નહીં પણ તેની સમગ્રતામાં રજૂ થવું જોઇએ અને લોકપ્રિય પણ થવું જોઇએ.
જાણીતા ગઝલ ગાયક અને કવ્વાલ પિતા ઉસ્તાદ હમીદ હુસૈન પાસે બાળપણથી જ સંગીતની ગહન તાલીમ પામેલો જાવેદ અલી આજના આધુનિક યુગની આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીના ઉપયોગ વિશે કહે છે, ભારત સહિત સમગ્ર વિશ્વમાં ફિલ્મ સર્જનમાં વિવિધ આધુનિક ટેકનોલોજીનો બહોળો ઉપયોગ થાય છે. તો હવે ગીતના રેકોર્ડિંગમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ શરૂ થાય તો તે આવકારદાયક હશે.
જાવેદ અલી ઉદાહરણ આપતાં કહે છે, જુઓ, હજી થોડા સમય પહેલાં આપણા સૂરીલા ગાયક સોનુ નિગમે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો બખૂબી પ્રયોગ કરીને ગંધર્વસમા ગાયક મોહમ્મદ રફી સાહેબના અવાજનું સર્જન કર્યું છે. સંગીત ક્ષેત્રે આ પ્રયોેગ ખરેખર અનોખો અને મજેદાર છે. હું પણ કંઇક આવું જ કરવા ઇચ્છું છું.









