જપયજ્ઞ .

- માળા જપતી વખતે સુમેરૂ (મોટો મણકો)નું ઉલ્લંઘન ન કરવું. એક માળા પુરી થયે એને મસ્તકે અને નેત્રોથી અડાડવી અને પછી માળા ઉલટાવીને પછી જપ કરવા
શાસ્ત્રોમાં જપનું મહત્વ બતાવતા કહેવાયું છે, 'જપાત સિદ્ધિ:' :- જપથી સિદ્ધિની પ્રાપ્તિ થાય છે. સઘળા ધર્મો, મજહબ, તથા સંપ્રદાય જપની ઉપયોગીતાનો સ્વીકાર કરે છે. જપ દ્વારા મનની પ્રવૃત્તિઓને એક જ કેન્દ્ર પર એકાગ્ર કરીને સફળ થવાય છે. મન એક એવું ભૂત છે કે જ્યારે પણ એ નવરૂ પડે છે ત્યારે કાંઈક ઉપદ્રવ કરે જ છે. જપ માત્ર સમય વ્યતિત કરવા માટે જ નથી, એ એક ઉત્પાદક અને રચનાત્મક મનોવૈજ્ઞાનિક શ્રમ છે.
પથ્થર ઉપર વારંવાર દોરડું ઘસાવાથી ત્યાં ખાડો પડી જાય છે. પાંજરામાં રહેલા કબૂતરને છોડી દેવામાં આવે તો પણ તે પાછું અંદર જ આવશે. ગાયને જંગલમાં ચરવા છોડી દેવામાં આવે તો તે પણ સાંજે પાછી ખીલે આવી જશે. લાંબા વખતથી જે કાર્યક્રમ ચાલ્યો આવ્યો હોય તેમાં જ સ્વાભાવિક રીતે તે પ્રવૃત્ત થાય છે. હંમેશના અભ્યાસથી મન પણ એવું ટેવાઈ જાય છે.
મનની ઉત્પાદક રચનાત્મક અને પ્રેરક શક્તિ એટલી વિલક્ષણ છે કે એને માટે આ જગતની કોઈ પણ વસ્તુ અશક્ય નથી. લાગલગાટ પ્રયત્ન કરવાથી સરકસમાં ખેલ કરનાર વાનર, સિંહ, રીંછ જેવા ઘાતક પ્રાણીઓ પણ માલિકની મરજી પ્રમાણે કામ કરવા લાગી જાય છે. એ જ રીતે જપના સતત પ્રભાવથી મનને વશમાં કરી શકાય છે. પહેલવાનો પોતાની ચોક્કસ મર્યાદામાં રહીને દંડ બેઠક કરે છે, એમની આ ક્રિયાપદ્ધતિથી એમનું શરીર દિવસે દિવસે હૃષ્ટપૃષ્ટ થતું જાય છે અને એક દિવસ એ સારો પહેલવાન બની જાય છે. નિયમિત કરવામાં આવતા જપથી આવું પરિણામ પ્રાપ્ત કરી શકાય છે. જપ એ આધ્યાત્મિક વ્યાયામ છે.
એક એક ટીપું ભેગું કરવાથી ઘડો ભરાય છે, ચકલી એક એક દાણો લાવી મણબંધી અનાજ ભેગું કરે છે. એક એક અક્ષર ભણતા પંડિત થવાય છે. એક એક ડગલું ચાલતા લાંબી મંજિલ કપાય છે, એક એક પૈસા જમા કરવાથી તિજોરી ભરાય છે, એક એક તાંતણાથી આખું દોરડું બને છે, જપમાં પણ એમ જ બને છે. માળાનો એક એક મણકો ફેરવવાથી ઘણું બધું પુણ્ય જમા થાય છે. એટલું બધું જમા થાય છે કે એથી આત્માનું કલ્યાણ થઈ જાય છે. આથી જ તો યોગના ગ્રંથોમાં જપને યજ્ઞાનું નામ આપ્યું છે.
ગીતાના અધ્યાય ૧૦ શ્લોક ૨૫ માં કહ્યું છે કે 'યજ્ઞામાં જપ યજ્ઞા શ્રેષ્ઠ છે'. મનુસ્મૃતિ અધ્યાય ૨, શ્લોક ૮૬ માં બતાવ્યું છે, 'હોમ, બલિકર્મ, શ્રાદ્ધ, અતિથિ સેવા, પાકયજ્ઞા, વિધિયજ્ઞા, દશ પૌર્ણમાસાદિ યજ્ઞા વગેરે સર્વ મળીને જપયજ્ઞાના સોળમા ભાગ બરાબર પણ નથી થઈ શકતા. મહર્ષિ ભારદ્વાજે ગાયત્રી વ્યાખ્યામાં લખ્યું છે કે 'સમસ્ત યજ્ઞાોમાં જપયજ્ઞા અધિક શ્રેષ્ઠ છે. જપ યજ્ઞામાં હિંસા થતી નથી. સમસ્ત પુણ્ય સાધનાઓમાં જપ યજ્ઞા સર્વશ્રેષ્ઠ છે.'
આ પ્રકારના અનેક પ્રમાણો શાસ્ત્રોમાંથી મળી આવે છે, કારણ કે જપ મનને વશ કરવાનું રામબાણ શસ્ત્ર છે.
જપયજ્ઞાના સંબંધમાં કેટલીક આવશ્યક જાણકારી :-
(૧) જપ માટે પ્રાત:કાળ અથવા બ્રાહ્મમુહૂર્ત સર્વોત્તમ સમય છે. બે કલાક રાત બાકી રહે ત્યાંથી સૂર્યોદય સુધીના વખતને બ્રાહ્મમુહૂર્ત કહે છે. સૂર્યોદયથી બે કલાક દિવસ ચડે ત્યાં સુધી પ્રાત:કાળ કહેવાય છે.
(૨) જપ માટે પવિત્ર સ્થાન પસંદ કરવું.
(૩) સંધ્યા સમયે જપ કરવા હોય તો સૂર્યાસ્ત પછી એક કલાકમાં જપ પૂરા કરી લેવા જોઈએ.
(૪) જપ વખતે શુદ્ધ શરીર અને શુદ્ધ વસ્ત્રો પહેરી બેસવું.
(૫) આસન સીવાય બેસવું નહિ.
(૬) પશુઓનું ચામડું જે હિંસાથી પ્રાપ્ત થયું હોય એવું આસન નિષેધ છે.
(૭) કરોડરજ્જુ સીધી રાખી, સવારે પૂર્વ દિશામાં અને સાંજે પશ્ચિમ દિશા તરફ મુખ રાખી બેસવું.
(૮) માળા તુલસી અથવા ચંદનની લેવી. દરરોજ ઓછામાં ઓછી એક માળા કરવી.
(૯) માળાને કપડાથી ઢાંકી દેવી અથવા ગોમુખીનો ઉપયોગ કરવો.
(૧૦) માળા જપતી વખતે સુમેરૂ (મોટો મણકો)નું ઉલ્લંઘન ન કરવું. એક માળા પુરી થયે એને મસ્તકે અને નેત્રોથી અડાડવી અને પછી માળા ઉલટાવીને પછી જપ કરવા.
(૧૧) જપ એવી રીતે કરવા જોઈએ કે કંઠમાંથી ધ્વનિ નીકળતો રહે, હોઠ હાલતા રહે પણ પાસે બેસેલો માણસ સ્પષ્ટ રૂપે મંત્ર સાંભળી શકે નહિ.
(૧૨) જપની વચમાં ઉઠવું પડે તો શુદ્ધ જળથી હાથ પગ અને મોં ધોઈ ફરીવાર જપમાં બેસવું જોઈએ. જપ દરમ્યાન મૌન જાળળવું. કોઈ વાતની જરૂર પડે તો ઇશારાથી કહી દેવી.
(૧૩) નિયત સમયે, નિયત સંખ્યામાં, નિયત સ્થાન પર શાંત અને એકાગ્ર ચિત્તથી જપ કરવા.
(૧૪) આહાર તથા વ્યવહાર સાત્વીક રાખવા.
(૧૫) જપ માટે શાસ્ત્રોમાં ગાયત્રી મંત્રને શ્રેષ્ઠ કહ્યો છે.
સદ્બુદ્ધિની પ્રાપ્તિ અર્થે વેદમાતા ગાયત્રીના એક મંત્રના જપ સાથે 'જપયજ્ઞા' ને વિરામ આપીએ. ઓમ ભૂર્ભુવ: સ્વ: તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યોન: પ્રચોદયાત્ ।।








