જાન્હવી કપૂરને પોતાના દોઢ ડઝન ડોગ્સના નામ મોઢે છે

- લાંબા અરસાથી નિષ્ફળતાના દોરમાંથી પસાર થઈ રહી છે. એની એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી છે. કરિઅરને સ્થિરતા આપવા એણે જુનિયર એનટીઆર જેવા મેગાસ્ટાર સાથે સાઉથની ફિલ્મ પણ કરી
જાન્હવી કપૂરને એવોર્ડ-વિનિંગ ફિલ્મ 'હોમબાઉન્ડ'થી બહુ મોટી અપેક્ષા હતી. એને લાગતું હતું કે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ્સમાં વખણાયેલી આ મૂવી મારો બેડો પાર કરી દેશે. પરંતુ 'હોમબાઉન્ડ'ની સફળતાનો સઘળો યશ એના બે લીડ એકટર્સ - ઈશાન ખટ્ટર અને વિશાલ જેઠવા લઈ ગયા. જ્યારે મિસ કપૂર માત્ર ફિલ્મમાં હાજરી પુરાવીને રહી ગઈ. ટૂંકમાં, શ્રીદેવી અને બોની કપૂરની મોટી દીકરી લાંબા અરસાથી નિષ્ફળતાના દોરમાંથી પસાર થઈ રહી છે. એની એક પછી એક ફિલ્મો ફ્લોપ જઈ રહી છે. કરિઅરને સ્થિરતા આપવા એણે જુનિયર એનટીઆર જેવા મેગાસ્ટાર સાથે સાઉથની ફિલ્મ પણ કરી. લેકિન ફિર ભી કુછ બાત બની નહીં. જાન્હવી કપૂર ૨૯ વરસની થઈ છતાં એનો શ્વાનપ્રેમ એક કિશોરી જેટલો ઉત્કટ છે. કેટલાક લોકો તો એને ભારતની એક સૌથી વધુ પેસ્સનેટ (જોમવંતી) ડોગ મોમ ગણાવે છે. પાછી એ પોતાને છડેચોક એક 'ડોગ મોમ' જાહેર કરતી ફરે છે. હમણાં એક ઈવેન્ટમાં જાન્હવી હાથમાં ચળકતા આકર્ષક કવરમાં વીટાળેલો વોટર કપ (પાણીનો પ્યાલો) લઈને પહોંચી હતી અને કવર પર મરોડદાર અક્ષરોમાં 'ડોગ મોમ' લખેલું હતું. પાપારાઝીઓએ એને મુંબઈના એરપોર્ટ્સ પર એ વોટર કપ જકડીને ચાલતી ઘણી વાર જોઈ છે.
થોડા અરસા પહેલા એક નીડર પત્રકારને આપેલા ઇન્ટરવ્યુમાં શ્રીદેવી અને બોની કપૂરની મોટી પુત્રીએ પોતના 'સેફ સ્પેસ' (સુરક્ષા અનુભવાય એવા સ્થળ)ની વ્યાખ્યા આપતા કહ્યું હતું કે હું મારા ઘરે મારા ૧૯ ડિયર ડોગ્સ સાથે હોઉં છું ત્યારે એકદમ સલામત હોવાનો અનુભવ કરું છું. તમે મને એક ડોગ લેડી કહી શકો. મીડિયાકર્મીએ મિસ કપૂરને એ બધા કૂતરાના નામ બોલવાનું કહેતા એ એકીશ્વાસે ૧૯ નામ બોલી ગઈ - સૈતામા, ભૈતામા, નેપો, ડેન્જર, મોકામ્બો, મલાઈ, કુલ્ફી, પાન્ડા, મોચી, ચુકી, શિરો, પોપી, લ્યુના, અનોરા, તૂફાન, મો પપ્પુ, જેક્સન અને જોડન. હવે બોલો!
બીજા એક પ્રસંગે જાન્હવીએ મીડિયાને નિખાલસતાથી કહ્યું હતું કે 'હું એક ઘેલી શ્વાનપ્રેમી વ્યક્તિ છું, પણ એનો અર્થ એવો નથી થતો કે હું મારા ડોગ્સ સાથે જ સેફ (સુરક્ષિત) હોવાની લાગણી અનુભવું છું. બીજા અમુક લોકો સાથે પણ હું સેફ હોવાનું ફીલ કરતી હોઉં છું.' કપૂરનો ઈશારો પોતાના સ્ટેડી બોયફ્રેન્ડ શિખર પહાડિયા તરફ હોય એ સહજ છે.
જાન્હવી પૂણેના બિજનેસમેન શિખર પહાડિયાએ છેલ્લા અમુક વરસોથી ડેટ કરી રહી છે એ જગજાહેર વાત છે. શિખર મહારાષ્ટ્રના ૩ વાર સીએમ રહી ચુકેલા પીઢ કોંગ્રેસી નેતા સુશીલકુમાર શિંદેનો દોહિત્ર છે. શિખરનો પરિવાર અને ખાસ કરીને એની મમ્મી સ્મૃતિ પોતાના અંગત વર્તુળમાં જાન્હવીને પોતાની 'પુત્રી જેવી' ગણાવે છે અને બોની કપૂર પણ વારંવાર એવું કહી ચુક્યા છે કે 'મારા પોતાના પુત્ર અર્જુન સિવાય મને શિખરમાં એક બીજો દિકરો મળ્યો છે.' ઈન શોર્ટ, મામલા ઓફિશ્યલ હૈ!
સૌથી અગત્યની વાત એ છે કે શિખરનો જાન્હવી માટેનો પ્રેમ માત્ર દેખાડો નથી. એ પોતાની ગર્લફ્રેન્ડની આસપાસ એક અભેદ્ય સુરક્ષા કવચ રાખવાની દરકાર પણ કરે છે.
કરોડપતિ હેન્ડસમ ઉદ્યોગપતિએ બે એવા ચુનંદા બોડીગાર્ડસ પસંદ કર્યા છે, જે લગભગ દરેક ઈવેન્ટમાં જાન્હવીની સાથે હોય છે. આ વફાદાર સુરક્ષાકર્મીઓ આઉટડોર શુટિંગથી લઈ રિબન કટિંગ સુધીનો સ્થળોએ જાન્હવીની આસપાસ જ રહે છે.
બંને પરિવારોની નજીકની એક વ્યક્તિ કહે છે, 'જાન્હવી માટે શિખર કંઈ પણ કરી શકે છે. એટલે એમનો પ્રેમ 'શિખર' પર હોય એમાં શું નવાઈ છે?'








