દેશમાં આયાતી ખાદ્ય તેલો પરની નિર્ભરતા ઘટાડવા ઘરઆંગણે ઉત્પાદન વધારવું જરૂરી

- 2025માં દેશમાં અંદાજે 7.7 મિલિયન ટન પામ ઓઇલની આયાત
- ખાદ્ય તેલની બાબતે આત્મનિર્ભરતા મેળવવા નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ- ઓઇલ પામને મિશન મોડમાં અમલમાં મૂકાયું છેે
આપણો દેશ વિશ્વમાં સૌથી વધુ વસ્તી ધરાવે છે એટલે સ્થાનિક સ્તરે આપણી જરૃરિયાતો પણ વધારે છે. તાજેતરમાં જ વડાપ્રધાને વિદેશી હૂંડિયામણ બચાવવા અને ડોલર સામે રૃપિયાનું ધોવાણ ઘટાડવા માટે ક્રૂડ, સોનુ અને ખાદ્ય તેલ જેવી વસ્તુઓનો વપરાશ જવાબદારીપૂર્વક કરવાની દેશવાસીઓને અપીલ કરી હતી. વિસ્તારની દ્રષ્ટિએ દુનિયામાં સાતમા ક્રમે રહેલો ભારત ખાદ્ય તેલની જરૃરિયાતો પૂરી કરવા માટે પામ ઓઇલ જેવા ખાદ્ય તેલના આયાત પર મોટાપાયે નિર્ભર છે. વર્ષ ૨૦૨૫માં દેશમાં અંદાજે ૭.૭ મિલિયન ટન પામ ઓઇલની આયાત થઈ હતી, જે કુલ ખાદ્ય તેલ આયાતની આશરે ૫૦ ટકા જેટલી હતી. તેમાં મલેશિયાનો ફાળો ૩૬.૬ ટકા રહ્યો હતો. ૨૦૧૪થી સતત ૧૨મા વર્ષ સુધી ભારત મલેશિયન પામ ઓઇલનું સૌથી મોટું સિંગલ એક્સપોર્ટ ડેસ્ટિનેશન છે.
દુનિયાભરમાં પામ ઓઇલ સપ્લાય કરતા મલેશિયાએ આ સેક્ટરમાં કેવી રીતે આટલો વિકાસ સાધ્યો તે સમજવા જેવું છે. મલેશિયન પામ ઓઇલ મલેશિયન સસ્ટેનેબલ પામ ઓઇલ સર્ટિફિકેશન સિસ્ટમ હેઠળ ઉત્પન્ન થાય છે. આ સટફિકેશનને યુકે સહિત આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વસનીય સ્થિરતા માળખા તરીકે માન્યતા મળી છે. સાથે સાથે, મલેશિયાએ ખેતી માટેની જમીન વિસ્તાર વધારવાને બદલે ઉપજ વધારવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. ઊંચી ઉપજ આપતી ઓઇલ પામની જાતો દર વર્ષે પ્રતિ હેક્ટર ૩૦ ટનથી વધુ તાજા ફળના ગુચ્છો ઉત્પન્ન કરવાની ક્ષમતા ધરાવે છે, જે ૨૦૨૦થી ૨૦૨૩ દરમિયાન નોંધાયેલા રાષ્ટ્રીય સરેરાશ કરતા લગભગ બમણી છે. મલેશિયન પામ ઓઇલ કાઉન્સિલના બલવિંદર સ્રોનના મતે સ્થિરતા આધારિત વૃદ્ધિના આ અભિગમથી મલેશિયાએ વાસ્તવિક વિકાસ લક્ષ્યો હાંસલ કર્યા છે અને સાથે સાથે વન સંરક્ષણ, જૈવ વૈવિધ્યતા સુરક્ષા અને હવામાન જવાબદારી પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાઓ પણ પૂરી કરી છે.
દેશની લાંબા ગાળાની ખાદ્ય તેલ જરૃરિયાતોને સુરક્ષિત કરવા માટે ભારતે ૨૦૨૧માં નેશનલ મિશન ઓન એડિબલ ઓઇલ્સ-ઓઇલ પામ (NMEO-OP) શરૃ કર્યું હતું. આ મિશનનો હેતુ ૨૦૨૫-૨૬ સુધીમાં ઓઇલ પામ ખેતી વિસ્તારને ૧૦ લાખ હેક્ટર સુધી વધારવાનો અને ૨૦૨૯-૩૦ સુધીમાં લગભગ ૨.૮ મિલિયન ટન ક્રૂડ પામ ઓઇલ ઉત્પાદન હાંસલ કરવાનો છે. નવેમ્બર ૨૦૨૫ સુધીમાં આશરે ૨.૫૦ લાખ હેક્ટર વિસ્તાર આ કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવ્યો છે, જેના પરિણામે ભારતમાં પામ ઓઇલ હેઠળની કુલ ખેતીનો વિસ્તાર ૬.૨૦ લાખ હેક્ટર થયો છે. છેલ્લા દાયકામાં ક્રૂડ પામ ઓઇલનું ઉત્પાદન લગભગ બમણું થયું છે. ૨૦૧૪-૧૫માં તે ૧.૯૧ લાખ ટનથી વધીને ૨૦૨૪-૨૫માં ૩.૮૦ લાખ ટન થયું છે, જે ખાદ્ય તેલ ક્ષેત્રમાં વધુ આત્મનિર્ભરતા તરફની સ્થિર પ્રગતિ દર્શાવે છે.
આ કાર્યક્રમ મિશન મોડમાં અમલમાં મૂકવામાં આવી રહ્યો છે. ઉચ્ચ ગુણવત્તાવાળા રોપાં માટે બીજ બગીચા અને નર્સરીઓ દ્વારા સ્થાનિક ઉપલબ્ધતા વધારવા, ઓઇલ પામની તાજા ફળના ગુચ્છોની ઉપજ સુધારવા, ડ્રિપ ઇરિગેશનનો વ્યાપ વધારવા અને ઓછી ઉપજ આપતા અનાજ પાકોમાંથી ઓઇલ પામ તરફ પાક વૈવિધ્યીકરણ પ્રોત્સાહિત કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે. ચાર વર્ષના ગેસ્ટેશન સમયગાળા દરમિયાન ખેડુતોને આંતરપાક ખેતી દ્વારા આવક મળી રહે તે માટે પણ સહાય આપવામાં આવી રહી છે, જેથી સંપૂર્ણ ઉત્પાદન શરૃ થાય તે પહેલાં પણ આવક સુનિશ્ચિત થાય. ભારતમાં ઓઇલ પામની ખેતીને હાલની કૃષિ જમીન પર જ પ્રોત્સાહિત કરવામાં આવી રહી છે, જ્યાં ઓછી કિંમત આપતા પાકોના સ્થાને પામની ખેતી થાય છે. આ અભિગમથી જંગલો પર કોઈ અતિક્રમણ થતું નથી. લાંબા આયુષ્યને કારણે આ પ્લાન્ટેશનો લાંબા સમય સુધી હરિયાળો આવરણ જાળવે છે, જે પર્યાવરણ સ્થિરતામાં યોગદાન આપે છે.
માત્ર પામ ઓઇલની નિકાસ કરીને કમાણી કરવાના બદલે મલેશિયાએ ઉચ્ચ ગુણવત્તાવાળા અંકુરિત ઓઇલ પામ બીજ અને ટેકનિકલ કુશળતા પૂરી પાડીને આ મિશનને સક્રિય ટેકો આપ્યો છે. સાથે જ, મલેશિયન નિકાસકારો આ મટિરિયલ ભારતીય કૃષિ-હવામાન પરિસ્થિતિઓમાં અસરકારક રીતે કાર્ય કરે અને લાંબા ગાળે ઉત્પાદનક્ષમતા વધારવામાં યોગદાન આપે તે માટે ટેકનિકલ સહાય પણ પૂરી પાડે છે.
આ સહકાર હેઠળ માત્ર વેપાર સુધી મર્યાદિત ન રહે તેના માટે ટેકનોલોજી વહેંચણી અને ક્ષમતા વિકાસ પર ભાર મૂકવામાં આવ્યો છે. હાલ વૈશ્વિક ખાદ્ય તેલ બજારો પર હવામાન જોખમો, નિયમનકારી ફેરફારો અને ભૂરાજકીય દબાણોના કારણે અનિશ્ચિતતા વધી રહી છે ત્યારે NMEO-OP મિશન ભારતની આત્મનિર્ભરતા હાંસલ કરવાની દિશામાં મહત્વનું પગલું છે, કારણ કે તે ખેડૂત આવક વધારવા, સ્થાનિક ઉત્પાદન ક્ષમતા મજબૂત બનાવવા અને લાંબા ગાળે આયાત પરની નિર્ભરતા ઘટાડવામાં મદદ કરે છે.








