Magazines

ઈશિતા દત્તાએ 'દ્રશ્યમ્-3' માટે મેટરનિટી-બ્રેક ટૂંકાવ્યો....

By GS TEAM
5 Feb 20263 mins read
ઈશિતા દત્તાએ 'દ્રશ્યમ્-3' માટે મેટરનિટી-બ્રેક ટૂંકાવ્યો....

- 'કામ પર પાછા ફરવું એ સારી બાબત છે, પણ મા બન્યા પછી નવજાત સંતાન અને કામ વચ્ચે સંતુલન જાળવવું ખૂબ ભારે થઈ જાય છે. આવી સ્થિતિમાં પરિવારનો સહકાર મળવો ખૂબ જરૂરી બની જાય છે.'

હજુ થોડા દિવસ પહેલાં જ અભિનેત્રી ઈશિતા દત્તા-શેઠ તેના બીજા સંતાન-પુત્રી વેદાના જન્મના છ મહિના પછી સેટ પર પાછી ફરી છે. માર્ગમાં મોટા પ્રોજેક્ટ્સ આવતા હોવાથી અભિનેત્રી કહે છે કે મેં કામમાંથી લાંબો વિરામ ન લેવાનું પસંદ કર્યું કારણ કે બધુ જ અનઅપેક્ષિત રીતે આગળ ધપતું હતું અને કુદરતી રીતે બધું પ્રગટ થયું. ૩૫ વર્ષીય આ અભિનેત્રી કહે છે કે 'દે દે પ્યાર દે-૨' (૨૦૨૫)ના શુટિંગ દરમિયાન હું ગર્ભવતી થઈ. હું ત્યારે બ્રેક લઈ શકી નહીં કારણ કે હું ખરેખર તેનો ભાગ બનવા માગતી હતી. પછી મારી દીકરીનો જન્મ થયો. મેં વિચાર્યું કે અંતે હું થોડો સમય રજા લઈશ કારણ કે તે ખૂબ જ ઓછી છે. થોડા દિવસ પૂરતી જ છે, પરંતુ 'દ્રશ્યમ્-૩'ની જાહેરાત કરવામાં આવી અને મારે પાછા આવવું પડયું. બધું એટલું કુદરતી રીતે થયું કે હું પાત્ર પ્રવાહ સાથે આગળ ધપતી ગઈ. કામ પર પાછા ફરવું એ સારી બાબત છે, પણ સંતાન થયા પછી તે અત્યંત ભારે થઈ જાય છે. એક માતા તરીકે તો એ અત્યંત મુશ્કેલ છે. સંતાનના જન્મ પછી આવું પહેલીવાર છે જ્યારે હું લાંબા સમય સુધી કામ કરી રહી છું. તમે વિચારતા રહો છો કે જ્યારે તમે આસપાસ ન હો ત્યારે વસ્તુઓ કેવી હશે, પરંતુ હો હી જાતા હૈ-મેનેજ કરો.

જો કે આ બધુ શક્ય બનાવવા માટે તેના પરિવારને તે શ્રેય આપે છે. હું ભાગ્યશાળી છું કે મારા માતાપિતા મારી સાથે રહે છે અને મારા સાસરિયા નજીકમાં જ રહે છે. જો કે ઈશિતાએ તેના સંતાનોને શુટિંગના સ્થળો નહીં લઈ જવાનો સભાન નિર્ણય લીધો છે. જ્યારે તમે સતત ફરતાં હો છો ત્યારે તમને ક્યારેય ખબર નથી હોતી કે દ્રશ્ય ક્યાં શુટ કરવાનું છે. વેનિટી વાન ક્યાં હશે, તેથી તેમને દરેક જગ્યાએ લઈ જવું પડકારજનક છે, એમ ઈશિતાએ જણાવ્યું. એ કહે છે કે 'દ્રશ્યમ્'ની સીરિઝનો ભાગ બનવું તેના માટે ખૂબ જ ખાસ છે. પહેલા બે ભાગમાં અભિનેતા અજય દેવગનની પુત્રીની ભૂમિકા ભજવનાર ઈશિતા કહે છે, કોણ સફળ ફ્રેન્ચાઈઝીનો ભાગ બનવા નથી ઇચ્છતું? અને તે પણ પહેલી ફિલ્મથી જ! હું જ્યારે ફિલ્મમાં નવી હતી, જે આજે પણ છું! જ્યારે બે સંતાનોની માતા બની છું ત્યારે આ પાત્ર મારા હૃદયની સૌથી નિકટ રહ્યું છે. હું માત્ર બધાને કહેવા માગતી હતી કે હું પાછી આવી ગઈ છું.

ઈશિતાએ ૨૦૧૭માં અભિનેત્રી વત્સલ શેઠ સાથે લગ્ન કર્યા. આ દંપતિએ જુલાઈ, ૨૦૨૩માં તેના પુત્ર વાયુ અને જૂન, ૨૦૨૫માં પુત્રી વેદાનું સ્વાગત કર્યું.