પીએચ મીટરનો શોધક: આર્નોલ્ડ ઓરવિલે બેકમેન
પાણી કે અન્ય પદાર્થોમાં એસિડનું પ્રમાણ માપવા માટે પીએચ મીટરનો ઉપયોગ થાય છે. તેને એસિડોમિટર પણ કહેતા. આ સાધન બે ઇલેક્ટ્રોડ વડે રસાયણ કે પાણીમાં હાઇડ્રોજન આયનનું પ્રમાણ પણ દર્શાવે છે. પાણી તેમજ આરોગ્ય ક્ષેત્રે વપરાતી દવાઓ વગેરેમાં સલામતી ચકાસવા તેનો બહોળો ઉપયોગ થાય છે. લિટમસ પેપરથી પદાર્થમાં એસિડ છે કે નહિ તે જાણી શકાય છે પરંતુ તેમાં પ્રમાણ જાણી શકાતું નથી. જ્યારે પીએચ મીટર પ્રમાણ દર્શાવે છે. આજે ઘણા પ્રકારના પીએચ મીટર બને છે વિશ્વનું પ્રથમ પીએચ મીટર આર્નોલ્ડ ઓરવિલે બેકમેન નામના વિજ્ઞાાનીએ શોધેલું.
બેકમેનનો જન્મ અમેરિકાના ઇલીનોય રાજ્યના કુલમ ગામે ઇ.સ. ૧૯૦૦ના એપ્રિલની ૧૦ તારીખે થયો હતો તેના પિતા લુહાર હતા. બેકમેનને બાળવયથી જ વિજ્ઞાાનમાં રુચિ જાગેલી. ઘરના ભંડકિયામાંથી રસાયણ શાસ્ત્રનું જૂનું પુસ્તક બેકમેનના હાથમાં આવ્યું. તેને રસ પડયો અને ઘરમાં જ પ્રયોગો કરવા લાગ્યો. શાળા અને કોલેજમાં તેને સંગીતમાં રસ હતો તે જમાનાની મૂંગી ફિલ્મોમાં તે સંગીત આપી વધારાની કમાણી પણ કરી લેતો.
ઇલીનોય યુનિવર્સિટીમાં કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએટ થયા પછી. કેલિફોર્નિયા યુનિવર્સિટીમાંથી ફોટોકેમિસ્ટ્રીમાં પીએચડીની ડિગ્રી મેળવી હતી. ૧૯૨૯થી ૧૯૪૦ સુધી તેણે કેમિસ્ટ્રીના પ્રોફેસર તરીકે સેવાઓ આપી હતી. બેકમેન કેમિસ્ટ્રીના અભ્યાસની રૂચિને કારણે તે કેમિસ્ટ્રીના ક્ષેત્રમાં લોકપ્રિય બનેલો. જાણીતા વિજ્ઞાાની મિલિકનના સહયોગથી તેણે આગવા સંશોધનો શરૂ કર્યા તે જમાનામાં પદાર્થમાં એસિડનું પ્રમાણ જાણવા માટે લિટમસ પેપર સિવાય કોઈ ઉપાય નહોતો. બેકમેને પદાર્થમાં તાત્કાલીક એસિડનું પ્રમાણ દર્શાવે તેવું ઇલેક્ટ્રોનિક પીએચ મીટર શોધ્યું અને ૧૯૩૫માં બજારમાં મૂક્યું. ત્યારબાદ તેણે ઘણા બધા સાધનો વિકસાવ્યા જે બેકમેન્સ ઇન્સ્ટ્રુમેન્ટસ કહેવાય છે. નિવૃત્ત થયા પછી તેણે પોતાની સંપત્તિમાંથી વિજ્ઞાન સંશોધન માટે મોટા દાન કરેલા. ઇ.સ. ૨૦૦૪ના મે માસની ૧૮મી તારીખે ૧૦૪ વર્ષની વયે તેનું અવસાન થયું હતું.