Magazines

સત્યનો આગ્રહ .

By GS TEAM
2 Oct 20252 mins read
સત્યનો આગ્રહ                              .

સત્યની વાત કરીએ તો ઇશ્વરનું સ્મરણ થઈ આવે. ઇશ્વર સત્ય છે અને આ સચ્ચાઈને માર્ગે ચાલનારા પરમસુખી હોય છે. સત્યના આગ્રહ માટે દેશ અને દુનિયામાં મહાત્મા ગાંધીજીનું નામ પ્રખ્યાત છે. સત્યના સનાતન આગ્રહ અને લડત વડે તેમણે બ્રિટિશ સલ્તનતને ધ્રુજાવી હતી. અને સત્યાગ્રહથી ભારતને આઝાદી મેળવવામાં તેમણે નેતાગીરી અદા કરી હતી. નાનપણમાં તેમણે સત્યવાદી હરિશ્ચન્દ્રનું નાટક જોયું. તેમાં સત્યને માટે રાજા હરિશ્ચન્દ્રે વેઠેલી વેદના નિહાળીને તેમનું હૃદય દ્રવી ઊઠયું. અને જીવનભર સત્ય આચરવાનો દ્રઢ સંકલ્પ કર્યો. તેમણે આગળ વધીને 'સત્ય એ જ પરમેશ્વર'નો સ્વીકાર કર્યો. અને જીવનસંસ્કાર માટે જે વ્રતો સ્વીકાર્યા તેમાં 'સત્ય'ને અગ્રિમ સ્થાન આપ્યું.

વાતવાતમાં અસત્ય ઉચ્ચારનાર માટે ગાંધીજી એક ઉત્તમ આદર્શ છે. તેઓએ પોતાનું સમગ્ર જીવન 'નરો વા કુંજરો વા' વા બેવડા ધોરણમાં નહિ પરંતુ સત્યને વાસ્તવિકતામાં રાખીને વિતાવ્યું હતું. તદુપરાંત તેમણે તેમનાં જીવન અને કાર્યો વિશે સંકલિત પુસ્તક તેમના જીવનચરિત્રને 'સત્યના પ્રયોગો' જેવું અલૌકિક અને પ્રેરણા આપનારું શીર્ષક આપ્યું. સોક્રેટિસ પણ સત્યના આગ્રહી હતા. તેમણે સત્યને ખાતર શહીદી વહોરી હતી. તેથી તેઓ 'સત્યવીર' કહેવાયા. ઇસુએ પણ સત્ય પ્રતિ અંગુલિ નિર્દેષ કરતાં કહ્યું છે કે 'તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે.'

જગતમાં અસત્યની બોલબાલા અને સિલસિલો વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે તેને અટકાવવા સાંપ્રત સમયમાં 'સત્ય' અત્યંત જરૂરી છે. આખરે તો સત્ય જ દુનિયાને અધોગતિમાંથી ઉગારી શકશે.

- ડો. સુરેન્દ્ર આસ્થાવાદી