સિમેન્ટ ઉદ્યોગમાં ઉત્પાદન ક્ષમતામાં વૃધ્ધિ વચ્ચે પ્રોડકશન કોસ્ટમાં પણ વૃધ્ધિ

- વોરની ઈફેક્ટ વચ્ચે ઉત્પાદન ખર્ચ વધ્યો ઉપરાંત પેકેજીંગ મટીરીયલ્સના ભાવ પણ વધતાં ઉત્પાદકોમાં અજંપો
દેશમાં હવે મોનસૂન નજીક આવી રહ્યું છે ત્યારે બાંધકામ તથા કન્સ્ટ્રકશન ક્ષેત્રમાં છેલ્લી ઘડીના બાકી રહેલા પ્રોજેક્ટો પુરા કરવા માટે ચહલપહલ વધી છે તથા તેના પગલે સિમેન્ટ તથા સ્ટીલ બજારમાં પણ ચહલપહલ તાજેતરમાં સાધારણ વધતી જોવા મળી છે. સામાન્યપણે ચોમાસામાં કન્સ્ટ્રકશન એકટીવીટી ધીમી પડી જતી હોય છે તથા સિમેન્ટ અને સ્ટીલ બજારમાં પણ વરસાદના દિવસોમાં માગ ધીમી પડી જતી હોય છે. દરમિયાન, આ વર્ષે શરૂઆતમાં અમેરિકાના પ્રમુખ ટ્રમ્પની છાશવારે બદલાતી ટેરીફ નિતીના કારણે દેશમાં તથા વિદેશોમાં વિવિધ ઉદ્યોગો તથા બજારોમાં અજંપો વધ્યો હતો અને ત્યારબાદ ઈરાન તથા અમેરિકા- ઈઝરાયલનું યુધ્ધ શરૂ થતાં આવો અજંપો વધુ વધ્યો હતો અને ક્રૂડતેલના ભાવ વધી જતાં તથા કાચામાલોના ભાવ તથા હેરફેર મોંંઘી થતા વિવિધ ઉદ્યોગોમાં ઉત્પાદન ખર્ચમાં ખાસ્સી વૃધ્ધિ થયાના વાવડ મળ્યા હતા તથા આવી સ્થિતિ સિમેન્ટ ઉદ્યોગમાં પણ દેખાઈ હોવાનું ઉદ્યોગના જાણકારો જણાવી રહ્યા હતા. સિમેન્ટના ઉત્પાદનમાં વપરાતા પેટકોક (કોલસો) તથા પેકેજીંગ મટીરીયલ્સના ભાવમાં યુધ્ધની અસર વચ્ચે વૃધ્ધિ જોવા મળી છે. સિમેન્ટ ઉદ્યોગના જાણકારોના જણાવ્યા મુજબ ઉત્પાદન ખર્ચમાં ટનદીઠ આશરે રૂ.૧૫૦થી ૨૦૦ની વૃધ્ધિ થઈ છે. હકીકતમાં સિમેન્ટના કુલ ઉત્પાદન ખર્ચમાં પાવર (ઉર્જા) તથા ફયુઅલનો ખર્ચ આશરે ૩૦ ટકા ગણાય છે તથા આ માટે મોટાભાગના સિમેન્ટ ઉત્પાદકો આયાતી પેટકોકનો ઉપયોગ કરતા હોય છે તથા વિશ્વબજારમાં યુધ્ધના પગલે ક્રૂડ ઓઈલના ભાવ વધી જતાં પેટકોકના ભાવ પણ વિશ્વબજારમાં તાજેતરમાં ઉંચા જતા જોવા મળ્યા હતા. આ ઉપરાંત માલોની હેરફેર પણ મોંઘી થઈ છે.
દરમિયાન, સિમેન્ટનો પેકેજીંગનો ખર્ચ પણ વધ્યો છે. પોલીપ્રોપલીન બેગ મોંઘી થઈ ગઈ છે. આ દરમિયાન એલપીજી સપ્લાય ઘટતાં પેકેજીંગ ખર્ચ પર તેની પણ અસર પડી છે. એકંદરે પેકેજીંગનો ખર્ચ આશરે ૨૦ ટકા વધી ગયો છે. સિમેન્ટ ઉદ્યોગમાં નફાના માર્જિન પર દબાણ વધ્યું છે. સિમેન્ટનો ઉત્પાદન ખર્ચ વધતાં સિમેન્ટના ભાવ વધારવાની વિચારણા તાજેતરમાં ઉદ્યોગમાં શરૂ થઈ હતી. જોકે આવો ભાવવધારો સિમેન્ટ બજાર સ્વીકારી શકશે કે નહિં એ વિશે ઉદ્યોગના તજજ્ઞાોમાં મતમતાંતરો પ્રવર્તતા જોવા મળ્યા હતા. દરમિયાન, પેટ્રોલ ડિઝલના ભાવ વધતાં હેરફેર પણ મોંઘી થઈ છે. આવા માહોલમાં તાજેતરમાં રેલવે તંત્ર દ્વારા સિમેન્ટની હેરફેર માટેના ભાડા વિષયક સુધારા વધારો કરાતાં સિમેન્ટ ક્ષેત્રને તેટલા પ્રમાણમાં રાહત થયાની ચર્ચા પણ બજારમાં સંભળાઈ હતી.
દરમિયાન, તાજેતરમાં ત્રિમાસીકમાં અમુક સિમેન્ટ ઉત્પાદકોએ ભાવમાં બેગદીઠ રૂ.૧૫થી ૨૦ની વૃધ્ધિ કરવાના પ્રયાસો કર્યા તથા ત્યારબાદ આવા પ્રયાસો અમુક ઉત્પાદકોએ પડતા મુકયાના વાવડ પણ આવ્યા હતા. દેશમાં સિમેન્ટ ઉદ્યોગમાં તાજેતરમાં ઉત્પાદન ક્ષમતામાં નોંધપાત્ર વૃધ્ધિ થતાં આ ઉદ્યોગ ઓવર- કેપસેટીનો સામનો પણ કરી રહ્યાની ચર્ચા જાણકારોમાં સંભળાઈ હતી.
દરમિયાન, તાજેતરમાં મળેલી નિર્દેશો મુજબ કન્સ્ટ્રકસન ઈક્વીપમેન્ટનું વેંચાણ ઘટયું છે. એપ્રિલમાં આવા વેંચાણમાં આશરે ત્રણ ટકાની પીછેહટ દેખાઈ હતી. જોકે દેશમાં વિવિધ ઈન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટો માટે સરકારે બજેટ ફાળવણીમાં વૃધ્ધિ કરી છે.









