ટેકનોલોજીની 21મી સદીમાં 85 કરોડ લોકોને બે ટંકનું ભોજન નસીબ થતું નથી

- વર્લ્ડ બેંકે પર્ચેસિંગ પાવર પેરિટીના આધારે ગરીબી માટે નવા માપદંડો જાહેર કર્યા. એ પ્રમાણે હવે દરરોજ ત્રણ ડોલર
- (રૂ. 258)થી ઓછો ખર્ચ કરનાર ગરીબ ગણાશે
દેશમાં 6.52 કરોડ બીપીએલ કાર્ડ એક્ટિવ
ભારતમાં જે દારુણ ગરીબીમાં સબડે છે તેમને વર્ષોથી ખાસ કાર્ડ આપવામાં આવે છે - બિલો પોવર્ટી લાઈન - બીપીએલ. જે ગરીબી રેખાથી નીચે છે એવા લોકોને સરકારી રાહે અનાજ-કરિયાણું મળે છે. એ જો ગરીબીનો માપદંડ હોય તો દેશમાં લગભગ ૬.૫૨ કરોડ લોકોને બીપીએલ કાર્ડ આપવામાં આવ્યા છે. હવે સરકારે નવા બીપીએલ કાર્ડ આપવાનું બંધ કર્યું છે. તેના બદલે નેશનલ ફૂડ સિક્યોરિટી એક્ટ લાગુ પાડયો છે. આ એક્ટ પછી પ્રાયોરિટી હાઉસહોલ્ડ અને અંત્યોદય અન્ન યોજના અંતર્ગત ૨૦ કરોડ રાશન કાર્ડ અપાયા છે. કુલ લાભાર્થી ૮૦ કરોડ છે. એ મુદ્દેય જોકે, રાજકારણ થતું રહે છે કે આટલા લોકોને સરકારી સહાય આપવી પડે છે તો ખરેખર ગરીબ કેટલા? શું દેશની મોટી વસતિ ગરીબ છે કે તેમને સહાય આપવી પડે છે? તેની સામે સરકાર તરફી દલીલ એવી છે કે આ યોજના હેઠળ માત્ર ગરીબોને જ સહાય આપવામાં આવતી નથી. અન્ય લાભાર્થીઓને પણ આવરી લેવામાં આવે છે.
જીવનધોરણનો અભાવ એટલે ગરીબી
સેંકડો સદીઓ સુધી ગરીબી કોને કહેવી તેની કોઈ સ્પષ્ટતા થતી ન હતી. જેમની પાસે ખાવા-પીવાનું ઉપલબ્ધ ન હોય એને ગરીબ કહેવાય. આશરો ન હોય તોય ગરીબાઈ કહેવાય. મૂળભૂત સુખ-સુવિધા ન હોય એ ગરીબ ગણાય. ગરીબીની વ્યાખ્યા રાષ્ટ્ર-કાળ પ્રમાણે જુદી જુદી હતી. નિર્ધન એટલે જેની પાસે ધન ન હોય એ. બીજા વિશ્વયુદ્ધ પછી વૈશ્વિક સંગઠનો બન્યાં. એ સંગઠનોએ માનવ અધિકારના સિદ્ધાંતો બનાવ્યાં. એમાંથી વળી સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગના વિચારનો ઉદય થયો. આ જીવનધોરણમાં સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક બાબતોનો વિચાર સમાવાયો. આર્થિક વિકાસની તકો મળવાની સાથે સામાજિક ધોરણ જળવાતું હોય અને સંસ્કૃતિ સાથે જોડાઈ રહેવાની મોકળાશ હોય એને જીવનધોરણ કહેવાય. એ વ્યાખ્યામાંથી જ ગરીબીના માપદંડો ઘડાયા.
ટેકનિકલી દુનિયાની 85% વસતિ ગરીબ
૨૦૧૯માં એક ખાનગી તારણ રજૂ થયું હતું. એ પ્રમાણે જેમની દૈનિક આવક ૩૦ ડોલર (અંદાજે ૨૫૦૦ રૂપિયા)થી ઓછી છે એ તમામ ગરીબ ગણાય. એ ગણતરીને માન્ય રાખીએ તો દુનિયાની ૮૫ ટકા વસતિ ગરીબ છે. જગતની વસતિ ૮૦૦ કરોડ છે. એમાંથી ૮૫ ટકા એટલે ૬૮૦ કરોડ લોકો. વિશ્વમાં ૬૮૦ કરોડ લોકોની દૈનિક આવક ૨૫૦૦ રૂપિયાથી નીચે છે. વર્લ્ડ બેંકે ૨૦૨૦માં એવોય અહેવાલ આપ્યો હતો કે જગતની ૪૦ ટકા વસતિ ગરીબ છે. તે હિસાબે વળી ગરીબોનો આંકડો ૩૨૦ કરોડથી વધારે થાય.
1990માં ગરીબીના માપદંડો ઘડાયા
પર્ચેસિંગ પાવર પેરિટી, એનો અનુવાદ થાય ખરીદ શક્તિ સમાનતા. આ ફેક્ટર પરથી ગરીબીની વ્યાખ્યા નક્કી થઈ. ૧૯૯૦માં પહેલી વખત એવું નક્કી થયું કે જેમની દૈનિક ખરીદ શક્તિ એક ડોલરથી પણ ઓછી છે તે ગરીબ કહેવાય. તે સમયે એક ડોલર એટલે લગભગ ૧૭થી ૨૦ રૂપિયા. દિવસમાં જે વ્યક્તિ ૧૭થી ૨૦ રૂપિયા પણ ખર્ચી ન શકે એ ગરીબ છે એવું વૈશ્વિક સંગઠનોએ સ્વીકાર્યું. વર્લ્ડ બેંકે ૧૯૯૩થી ૨૦૦૫ સુધી ગરીબી માટે ૧.૦૮ ડોલરથી નીચેની ખરીદ શક્તિને માપદંડ ગણ્યો હતો. સમયાંતરે એ પર્ચેસિંગ પાવર પેરિટીના આધારે રકમમાં ફેરફાર પણ થયો. ૨૦૦૯માં ૧.૨૫ ડોલરથી નીચે દૈનિક ખરીદ શક્તિ હોય તો એ ગરીબ ગણાતો. ૨૦૧૫માં ૧.૯૦ ડોલરની ખરીદ શક્તિ નિર્ધનતાની નિશાની હતી. ૨૦૧૭ ૨.૧૫ ડોલરથી નીચેની ખરીદ શક્તિ ગરીબી ગણાતી.
દુનિયામાં 85 કરોડ લોકો ગરીબ
વર્લ્ડ બેંકે ૨૦૨૧ પ્રમાણે ગણતરી કરીને નવો આંકડો આપ્યો છે એ પ્રમાણે ગરીબોની સંખ્યા જગતમાં ઘટવાને બદલે વધી છે. જૂના અહેવાલમાં વસતિના ૯ ટકા લોકો ગરીબ હતા. હવે એ વધીને ૧૦.૫ ટકા થયા છે. ૮૦૦ કરોડની વસતિમાંથી ૮૪-૮૫ કરોડ લોકો ગરીબીમાં જીવે છે. એમાંય વળી અંદાજ એવો છે કે ૭૦ કરોડ લોકો દારુણ ગરીબીમાં સબડે છે. આ ૭૦ કરોડ લોકોને એક ટંકનું ખાવાનું નસીબ થતું નથી. જે ગરીબો છે તેમને ૨૪ કલાકમાં એટલીસ્ટ એક વખત ભોજન મળે છે. આટ-આટલી સ્વૈચ્છિક સંસ્થાઓ, આટ-આટલી સરકારી યોજનાઓ દુનિયામાં ચાલી રહી છે અને ગરીબોના કલ્યાણ માટે માતબર ફંડ ફાળવવામાં આવે છે છતાં ૨૧ સદીના જગતમાં ૮૫ કરોડ લોકો સુધી માનવજાત ખાવાનું પહોંચાડી શકી નથી.
વિશ્વમાં 110 કરોડ લોકો ગરીબ
વર્લ્ડ બેંક ઉપરાંત પણ ઘણાં વૈશ્વિક સંગઠનો ગરીબીના આંકડાં જાહેર કરે છે. યુનાઈટેડ નેશન્સ, વર્લ્ડ ઈકોનોમિક ફોરમ, વર્લ્ડ લેબર ઓર્ગેનાઈઝેશન વગેરે સંસ્થાઓ જુદી જુદી રીતે અહેવાલો આપે છે. એ બધાનો આંકડો ભેગો કરીને કોઈ એક આંકડા પર મહોર મારવાની હોય તો એ છે ૧૧૦ કરોડ. વિશ્વના ૧૧૦ કરોડ લોકો ગરીબ છે. જેમની પાસે દરરોજ ખર્ચ કરવા માટે ૨૦૦ રૂપિયા નથી. તેઓ બે ટંકનું ભોજન ખરીદી શકતા નથી. અડધો લીટર દૂધ ખરીદી શકતા નથી.
ભારતમાં સ્થિતિ સુધરી
વર્લ્ડ બેંકે ગરીબી માટે દૈનિક ખર્ચનો ત્રણ ડોલરનો માપદંડ બનાવ્યો એ પછી ભારતમાં ગરીબોની સંખ્યા વધે એવી શક્યતા હતી, પરંતુ ખરેખર એવું થયું નથી. વર્લ્ડ બેંક કહે છે એમ ભારતમાં થોડા વર્ષો પહેલાં ૨.૧૫ ડોલરની ખર્ચની ક્ષમતા ન હોય એવા ૯ ટકા લોકો હતા. જો એક દશકા પહેલાં ભારતની વસતિ ૧૩૫ કરોડ ગણીએ તો એક દશકા પહેલાં ભારતમાં ૧૨ કરોડ લોકો ગરીબ હતા. હવે પરિસ્થિતિ સુધરી છે. વર્લ્ડ બેંક કહે છે એમ ભારતમાં કુલ વસતિના ૫.૩ ટકા ગરીબો છે. જો અત્યારે એમ માનીએ કે વસતિ ૧૪૦ કરોડ છે, તો ગરીબોની સંખ્યા સાડા સાત કરોડ છે. વળી, ભારતમાં દારુણ ગરીબો ઘટયા છે. જેમને એક ટંક પણ ખાવાનું નસીબ થતું ન હતું તેમને કમસેકમ બે ટંકનું ભોજન નસીબ થઈ રહ્યું છે. ભારતના લલાટે કાયમ ગરીબીનું કલંક લગાડી દેવામાં આવતું હતું, પરંતુ નવા આંકડામાં એ કલંક ઝાંખું થયું છે ને આશા રાખીએ કે ભવિષ્યમાં એ સાવ ભૂંસાઈ જશે.
2017થી 2.15 ડોલર
(RS185)થી ઓછો ખર્ચ કરનારાને ગરીબી રેખાની નીચે મૂકવામાં આવતા હતા
- ભારતમાં શહેરી અને ગ્રામ્ય વિસ્તાર માટે અલગ અલગ માપદંડો : શહેરમાં ડેઈલી 47 રૂપિયાથી નીચે ખર્ચ કરનારા ગરીબ, ગ્રામ્ય વિસ્તારોમાં દરરોજ 32 રૂપિયાથી નીચે ખર્ચ કરનારા નિર્ધન
- 110 કરોડ લોકો વિશ્વમાં ગરીબી રેખાની નીચે જીવે છે, 70 કરોડની વસતિ દારુણ ગરીબીમાં હોવાનો અંદાજ








