- રિલેશનના રિ-લેસન- રવિ ઇલા ભટ્ટ
- દીકરીને સમજાવો કે લગ્ન કરીને તું જે ઘરે જાય છે તે તારું જ ઘર છે. તારા આત્મસન્માન અને તારી ખુશીઓનો ભોગ આપીને તારે કોઈ કામ કરવાનું નથી. ઘરની દરેક વ્યક્તિને પ્રેમ અને સ્નેહ આપવાના છે પણ જો સામે પીડા મળે તો તેનો ઉકેલ લાવવા પણ પ્રયાસ કરવાનો છે. આ સમયે આપણે તેની સાથે ઊભા રહેવું પડશે. બાકી સુઘડ સમાજના મહોરા પાછળ સંતાયેલો દહેજનો દાનવ દીકરીઓના ભોગ લેતો આવ્યો છે અને લેતો જ રહેશે.
થોડા સમય પહેલાં ટ્વિશા શર્માની આત્મહત્યા કે હત્યાનો કેસ ચકચાર મચાવતો હતો. ત્યાં દીપિકા નાગર નામની યુવતીની આત્મહત્યાનો કિસ્સો સામે આવ્યો હતો. ત્યારબાદ તાજેતરમાં શ્વેતા સિંહ નામની ૨૬ વર્ષની યુવતીની આત્મહત્યાનો મુદ્દો સામે આવ્યો છે. આ ત્રણેય દીકરીઓએ દહેજના ત્રાસના કારણે જીવ ગુમાવ્યો હોવાનું સામે આવ્યું છે. હવે લાંબા લાંબા કેસ ચાલશે, પુરાવા શોધાશે અને દાયકા નીકળી જશે. ન્યાય મળશે ત્યારે કદાચ બહુ જ મોડું થઈ ગયું હશે.
ટ્વિશા શર્માની વાત કરીએ તો ૧૨મી મેના રોજ ભોપાલ ખાતે કટારા હિલ્સ વિસ્તારમાં તેના પતિ સમર્થ સિંગના ઘરે તેણે ગળાફાંસો ખાઈ લીધો હતો. તેઓ ૨૦૨૪માં ડેટિંગ એપ દ્વારા એકબીજાને મળ્યા હતા અને ડિસેમ્બરમાં જ તેમના લગ્ન થયા હતા. ટ્વિશાના બાઈ મેજર હષત શર્માએ જણાવ્યું કે ઘણા સમયથી તેના સાસરીયા દહેજ માટે તેને પરેશાન કરતા હતા. તેમનો આરોપ છે કે, વારંવાર ટ્વિશાના સાસરીયા અને પતિ દ્વારા દહેજની માગણી કરાતી હતી અને તેને હેરાન કરવામાં આવતી હતી. તેના મૃત્યુ બાદ ટ્વિશા અને તેની માતાની પ્રાઈવેટ વોટ્સએપ ચેટ બહાર આવી હતી. તેમાં તેણે લખ્યું હતું કે, મમ્મી આ ઘરમાં મને બહું જ ગુંગળામણ થાય છે. ટ્વિશાના પતિ અને તેની માતા સામે હાલમાં દહેજથી મૃત્યુની કલમ લાગુ કરી કેસ નોંધવામાં આવ્યો છે.
હવે વાત કરીએ તો દીપિકા નાગર માત્ર ૨૦ વર્ષની યુવતી હતી. તેણે ૧૭મી મેએ પોતાના ઘરના છત ઉપરથી મોતની છલાંગ લગાવી હતી. દીપિકાના પરિવારજનોએ પણ આરોપ મુક્યો હતો કે, પતિ અને સાસરિયા દ્વારા દીપિકાને સતત પરેશાન કરવામાં આવતી હતી. આત્મહત્યા પહેલા તેણે પોતાના માતા-પિતાને ફોન કરીને જણાવ્યું હતું કે, તેના સાસરીયા તેની સાથે મારપીટ કરશે છે. દીપિકાના પિતાનો આરોપ છે કે, તેમની દીકરીએ આત્મહત્યા નથી કરી તેની હત્યા કરી દેવાઈ છે. તેમના મતે દીપિકાના શરીર ઉપર ઈજાના પણ નિશાન હતા.
તેવો જ એક કેસ જાન્યુઆરીમાં આવ્યો હતો. તેમાં તો દિલ્હી પોલિસની સ્વાટ ટીમની મહિલા કમાન્ડોની તેના પતિ દ્વારા ભયાનક હત્યા કરવામાં આવી હતી. તેની પાછળ પણ કારણ દહેજ જ હતું. અંકુર દ્વારા તેની ચાર મહિનાની ગર્ભવતી પત્નીની જધ્યન હત્યા કરાઈ હતી. તેણે તેના માથામાં ડમ્બલ માર્યા હતા અને તેના પગલે તેનું મોત નિપજ્યું હતું. અંકુરે તો કાજલની હત્યા દરમિયાન તેના ભાઈને ફોન કરીને જણાવ્યું હતું કે, તે કાજલની હત્યા કરી રહ્યો છે. તાજેતરમાં શ્વાત સિંહનો જે કેસ સામે આવ્યો છે તેમાં પણ દહેજની માગણી જ સામે આવી છે. શ્વેતા મૃત્યુ પામેલી હાલતમાં મળી છે તેથી તેની હત્યા થઈ છે કે તેણે આત્મહત્યા કરી છે તે રહસ્યમય છે. શ્વેતાએ સાત મહિના પહેલાં જ ભુપેન્દ્ર સાથે લગ્ન કર્યા હતા. શ્વેતાના સાસરિયા ગાડીની ડિમાન્ડ કરી રહ્યા હતા અને અન્ય વસ્તુઓ દહેજમાં માગતા હતા તેનો વિવાદ ચાલતો હતો. આવા જઘન્ય કિસ્સા ભારતમાં થઈ રહ્યા છે છતાં આપણે સુઘડ સમાજ અને મજબૂત કાયદાની પોકળ વાતો કરતા રહીએ છીએ.
દેશના આ દંભી સમાજમાં દીકરીઓની પૂજા કરવામાં આવે છે પણ બલી તેનો જ ચડાવવામાં આવે છે. આ દેશના સમાજમાં જે દંભ ભરેલો છે તેણે અનેક જિંદગીઓનો ભોગ લીધો છે. આ સમાજ એવો છે જે નદીને માતા ગણાવે છે પણ તેને જ સૌથી વધારે ગંદી કરે છે. ગાયને માતા ગણાવે છે પણ તેને કચરો ખાવા રસ્તા ઉપર છોડી દીધી છે. ગાયની કતલ કરવામાં આવે છે તો સમાજના પેટનું પાણી હાલતું નથી. નારીની પૂજાનો દંભ કરાય છે, નવરાત્રીની ઉપાસનાની વાતો કરાય છે અને ઘરમાં પત્ની, દીકરી, બહેન, માતા સામે જ અત્યાચાર કરાય છે, હિંસા કરાય છે, હત્યા કરાય છે કે પછી આત્મહત્યા માટે મજબૂર કરવામાં આવે છે. ચિંતાજનક બાબત એ છે કે, ૨૦૧૭થી ૨૦૨૨ સુધી સતત દેશમાં દર વર્ષે ૭,૦૦૦થી વધારે મહિલાઓના મોત દહેજ પ્રથાના કારણે થયા છે.
દેશમાં મહિલાઓ સામેના ગુનામાં પતિ કે સાસરીયા દ્વારા અપાયો ત્રાસ કે શારીરિક હિંસા સૌથી વધારે પ્રમાણમાં છે. દેશમાં ૨૦૨૪માં આવા કુલ ૧.૨ લાખ કેસ નોંધવામાં આવ્યા હતા. આવા કેસમાં ૨૧,૨૬૬ કેસ સાથે ઉત્તર પ્રદેશ સમગ્ર દેશમાં મોખરે હતું. અહીંયા પતિ અને સાસરીયા દ્વારા મહિલાઓને ત્રાસ આપવામાં આવે સ્વાભાવિક ઘટના થઈ ગઈ છે. બીજી તરફ રાજસ્થાન આ કિસ્સામાં બીજા ક્રમે આવે છે. તેમાં ૧૦,૫૭૮ કેસ નોંધાયા હતા. મહારાષ્ટ્રમાં પણ ૧૦,૫૩૮ કેસ નોંધાયા હતા. તેના કારણે તે ત્રીજા ક્રમે આવ્યું હતું. કર્ણાટકમાં પણ ૨,૯૪૭ કેસ નોંધાયા હતા.
આપણે હરખથી દીકરીને સાસરે તો વળાવી દઈએ છીએ પણ સૌથી મોટી સમસ્યા એ છે કે, આપણે તેમને ત્યારબાદ સમજતા નથી, સલાહ આપતા રહીએ છીએ અથવા તો અતિશય પ્રમાણમાં તેની જિંદગીમાં ઈન્વોલ્વ રહીએ છીએ. દીકરીને સાસરે ગયા બાદ સમજવી થોડી વધારે જરૂરી થઈ જાય છે. દીકરીના લગ્ન થયા બાદ આપણે સૌથી પહેલાં તો તેના વાણી, વર્તન અને વ્યવહારને સમજવાનો પ્રયાસ કરવો જોઈએ. પિયરમાં રહેલી તોફાની, હસતી-રમતી દીકરી જ્યારે એકાએક શાંત થઈ જાય, ગંભીર બની જાય તો તેના ઉપર ધ્યાન આપવું જોઈએ. ફોન ઉપર વાતચીત કરવા દરમિયાન ગભરાતા ગભરાતા વાત કરતી હોય અથવા તો ખૂબ જ સંભાળીને કે ઘ્યાન રાખીને વાત કરતી હોય તો તેના ઉપર પણ આપણે ફોકસ કરવું જોઈએ. તે જ્યારે કોઈપણ વાત ટાળવા લાગે, પિયરમાં આવવાની ના પાડે અથવા તો વાત ટાળી દે ત્યારે આપણે સમજવું જોઈએ કે તેના ઉપર સાસરીયાનું દબાણ છે અથવા તો તે પોતે માનસિક દબાણ હેઠળ છે.
સામાન્ય રીતે યુવતીઓ સાથે બનતું હોય છે કે, તેના સાસરીયા દ્વારા, પતિ દ્વારા સતત તેને માનસિક હેરાનગતી કરવામાં આવતી હોય છે. તેને માનસિક ત્રાસ આપવામાં આવતો હોય છે. આ ગેસલાઈટિંગની સ્થિતિને સમજવી પડશે. તેના કારણે તેનો આત્મવિશ્વાસ ડગમગી જાય છે. તે નાની નાની વાતમાં ભુલો સ્વીકારવા લાગે, પોતાને જ દોષ દેવા લાગે પોતાના વિશે ઈન્ફિરિયારિટી કોમ્પ્લેક્સમાં આવી જાય ત્યારે માતા-પિતા સતર્ક થઈ જવું જોઈએ. આ સિવાય ઘણી વખત એવું બનતું હોય છે કે, સાસરીયા દ્વારા અચાનક જ વહુને નોકરી છોડાવી દેવામાં આવે. તેના ઉપર આથક નિયંત્રણો મુકી દેવામાં આવે. તેને આથક રીતે લાચાર બનાવી દેવામાં આવે. આ બધા જ ઘરેલુ હિંસાના પ્રારંભિક લક્ષણો ગણી શકાય તેમ છે.
આવા કિસ્સામાં મોટાભાગે જોવા મળે છે કે, દીકરીને તેના ઘરે ફોન કરવા દેતા નથી. જો તે ફોન કરે તો સતત તેની બાજુમાં કોઈ હાજર હોય છે. તેને ઘરે જવા દેવામાં આવતી નથી. તેને સતત દહેજ માટે દબાણ કરવામાં આવે છે. ઘણી વખત દીકરો જન્મવો જ જોઈએ તેના માટે પણ દબાણ કરવામાં આવતું હોય છે. જો એકાદ વખત દીકરી જન્મી હોય તો તેને માનસિક અને શારીરિક ત્રાસ આપવામાં આવે છે. તેને સતત આઈસોલેટ કરવાનો પ્રયાસ કરાય છે જેથી તે માનસિક રીતે તૂટી જાય અને સાસરીયા કે પતિનું કહેલું કરવા માટે મજબૂર થઈ જાય.
આ તબક્કે યુવતીના માતા-પિતાનો પણ સૌથી મોટો વાંક આવે છે. તેઓ કાયમ જતું કરવાનું, સહન કરવાનું, ચુપ રહેવાનું, ઘરની વાત બહાર નહીં લાવવાની, તારું ઘર કરીને રહેવાનું જેવી સલાહ આપે છે. વાત બિલકુલ સાચી છે કે, સાસરીયમાં સેટ થવામાં સમય લાગે પણ દર વખતે પોતાની દીકરીને જ સેટ થવા માટે દબાણ કરતા રહેવું પણ યોગ્ય નથી. જ્યાં તેના આત્મસન્માન કે સુરક્ષાને ઠેસ પહોંચતી હોય ત્યાં તેને સાંભળી, સમજવી જોઈએ અને જરૂર પડયે તેને સાથ પણ આપવો જોઈએ. ઘણા કિસ્સામાં જરૂર પડયે કાયદાકિય મદદ પણ લેવી જોઈએ.
દીકરીની જિંદગીમાં દરરોજ દખલ દેવાની જરૂર નથી પણ જો તેને સમસ્યા છે અને તે મક્કમ રીતે સમસ્યા જણાવે છે તો પછી તેને મદદ કરવી જોઈએ. દીકરીની ચિંતા કરવી અને તેના જીવનમાં દખલ દેવી તેમાં પાતળી ભેદ રેખા છે. તેને સમજીને વર્તન કરવું જોઈએ.
દીકરીને સાસરે સમસ્યા છે તો તેનો નક્કર અને કાયમી ઉકેલ લાવવા પ્રયાસ કરવો જોઈએ. સમાજ શું કહેશે અને શું કરશે તેવા ખોટા વિચારો બાજુએ મુકી દેવા જોઈએ. આ નપુંસક સમાજ ક્યારેય કોઈનો થયો નથી. તે તમામ પરિસ્થિતિઓમાં વાતો જ કરતો હોય છે. દીકરીની ખુશી અને તેની સુરક્ષાથી વિશેષ કંઈ નથી તે સમજવું પડશે.
મૂળ મદ્દે દીકરીને સમજાવો કે લગ્ન કરીને તું જે ઘરે જાય છે તે તારું જ ઘર છે. તારે તે લોકોને પોતાના બનાવીને રહેવાનું છે. તારા આત્મસન્માન અને તારી ખુશીઓનો ભોગ આપીને તારે કોઈ કામ કરવાનું નથી. ઘરની દરેક વ્યક્તિને પ્રેમ અને સ્નેહ આપવાના છે પણ જો સામે પીડા મળે તો તેનો ઉકેલ લાવવા પણ પ્રયાસ કરવાનો છે. આ સમયે આપણે તેની સાથે ઊભા રહેવું પડશે. બાકી સુઘડ સમાજના મહોરા પાછળ સંતાયેલો દહેજનો દાનવ દીકરીઓના ભોગ લેતો આવ્યો છે અને લેતો જ રહેશે.


