ઇમ્તિયાઝ અલીની સાફ વાત : - ના, હું રૂપિયા રળવા માટે 'જબ વી મેટ' કે 'રોકસ્ટાર'ની સિક્વલ નહીં બનાવું

- 'મુઘલ- એ-આઝમ, મધર ઇન્ડિયા વગેરે ફિલ્મોની સિક્વલ બનાવવામાં આવી નથી. આ બધી ફિલ્મો અદભુત અને અમર સર્જન છે. એવું સર્જન જે જીવનમાં ફક્ત અને ફક્ત એક જ વખત સર્જાય...'
- હિંદી ફિલ્મ જગતમાં અમુક દિગ્દર્શકો એવા છે જેઓ તેમની ફિલ્મને સુંદર સર્જન કહે છે. પોતાની ફિલ્મને પ્રેમ કરે છે. સમાજને એક મજેદાર, પ્રેમાળ સંદેશો આપવા ઇચ્છે છે. હિન્દી ફિલ્મ જગતના મહાન સર્જક અને શો મેન રાજ કપૂર, બીમલ રોય, સત્યજિત રે , કે. આસિફ, મહેબુબ ખાન વગેરેની ફિલ્મોને આજે દાયકા બાદ પણ યાદ કરવામાં આવે છે. આ બધા ફિલ્મ સર્જકોએ તેમની અમર, યેાદગાર ફિલ્મોની બીજી આવૃત્તિ કે સિક્વલ નથી બનાવી.
ફોડ પાડીને કહીએ તો રાજ કપૂરની આવારા, બીમલ રોયની મધુમતી, સત્યજિત રેની પાથેર પાંચાલી, કે.આસિફની મુઘલ - એ -આઝમ, મહેબુબ ખાનની મધર ઇન્ડિયા વગેરે અમર, સદાબહાર અને યાદગાર ફિલ્મોની બીજી આવૃત્તિ કે સિક્વલ નથી બની. કે અન્ય કોઇ નિર્માતા કે દિગ્દર્શકે આ બધી ફિલ્મોની સિક્વલ બનાવી નથી. કહેવાનો અર્થ એ છે કે આ બધી ફિલ્મો અદભુત અને અમર સર્જન છે. એવું સર્જન જે જીવનમાં ફક્ત અને ફક્ત એક જ વખત સર્જાય.
આજના બોલીવુડના દિગ્દર્શક ઇમ્તિયાઝ અલી પણ કંઇક આવી જ વિચારધારામાં માને છે. પોતાની નવી ફિલ્મ મૈં વાપસ આઉંગા(૨૦૨૬) રજૂ કરવાની તૈયારી કરી રહેલા ઇમ્તિયાઝ અલી બહુ સાફ શબ્દોમાં કહે છે, મને અવારનવાર આવી વાત સાંભળવા મળે છે કે હું મારે મારી રોકસ્ટાર કે જબ વી મેટ ફિલ્મોની સિક્વલ બનાવવી જોઇએ. ખરું કહું તો મને હજી સુધી મારી ફિલ્મોની સિક્વલ બનાવવાની જરાય ઇચ્છા નથી થઇ. હું પોતે બહુ સ્પષ્ટપણે માનું છું કે હું રોકસ્ટાર કે જબ વી મેટ ફિલ્મની સિક્વલ ફક્ત રૂપિયા રળવા માટે બનાવવા નથી ઇચ્છતો. વળી, આવી સુંદર ફિલ્મોની બીજી આવૃત્તિ કાંઇ આવા ઇરાદાથી તો ન જ બનાવાય.
ઇમ્તિયાઝ અલી પોતાની નવી ફિલ્મના શિર્ષક : મૈં વાપસ આઉંગા : વિશે કહે છે, બન્યું એવું કે મેં મારા બાળપણના સ્કૂલના દિવસોમાં હાઇવેમેન નામની કવિતા વાંચી હતી. મને તે કાવ્ય બહુ ગમ્યું હતું. સમય જતાં મેં ખુદાગવાહ(૧૯૯૨) ફિલ્મનું ગીત : મૈં વાપસ આઉંગા. મેં અગર મર ભી ગયા ફિર ભી વાપસ આઉંગા સાંભળ્યું હતું. ફિલ્મમાં અમિતાભ બચ્ચને ગાયેલું આ ગીત તે સમયે દર્શકોને બહુ ગમ્યું હતું. અમે મારી વાપસ આઉંગા ફિલ્મનું દોડતી ટ્રેનમાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે મારા મગજમાં અચાનક જ એવો વિચાર ઉગ્યો હતો કે આ ફિલ્મનું નામ મૈં વાપસ આઉંગા રાખવું જોઇએ.
ઇમ્તિયાઝ અલી પોતાની રોકસ્ટાર(૨૦૧૧) અને ચમકીલા(૨૦૨૪) એમ બે ફિલ્મોનો ઉલ્લેખ કરતાં કહે છે, મને આ બંને ફિલ્મનાં અમુક દ્રશ્યો બહુ ગમે છે. ઉદાહરણરૂપે ચમકીલા ફિલ્મમાં સૂર્યાસ્તનું દ્રશ્ય છે. અમે સૂર્યાસ્તનું શૂટિંગ કરતા હતા ત્યારે મેં ફિલ્મના હીરો દિલજિત દોસાંજને કહ્યું, તું ત્યાં જ બેસ. હું એક કર્ણપ્રિય ગીત રજૂ કરું છું. તું ધ્યાનથી ગીત સાંભળ અને પછી કેમેરાના લેન્સ સામે જો. આ દ્રશ્ય ફિલ્મમાં સૌથી લાંબું છે. બસ, મને આ દ્રશ્ય બહુ ગમે છે. કોઇ જ ખુલાસા વગર.
ઇમ્તિયાઝ અલીની સુપરહીટ રોકસ્ટાર અને તમાશા એમ બે ફિલ્મોમાં રણબીર કપૂર છે. આ બંને ફિલ્મોનાં ગીતો પણ લોકપ્રિય થયાં છે. દર્શકો પણ ઇચ્છે છે કે ઇમ્તિયાઝ અલી ફરીથી રણબીર કપૂરને લઇને નવી ફિલ્મ બનાવે.
ઇમ્તિયાઝ અલી એવી સ્પષ્ટતા કરે છે કે હાલના તબક્કે તો મારી પાસે એવી કોઇ સ્ટોરી નથી કે જેમાં હું રણબીરને લઇને ફિલ્મ બનાવું. આમ છતાં ભવિષ્યમાં કોઇ સરસ મજાની વાર્તા મળશે તો રણબીર કપૂરને જરૂર આમંત્રણ આપીશ.
ઇમ્તિયાઝ અલી લગભગ ૨૦ વર્ષથી બોલીવુડમાં છે. ઘણાં જાણીતાં કલાકારો, સંગીત નિર્દેશકો સાથે કામ કર્યું છે. વિચારશીલ દિગ્દર્શક ગણાતા ઇમ્તિયાઝ અલી કહે છે, હું ઘણાં કલાકારો, નિર્માતાઓ, દિગ્દર્શકોને રૂબરૂ મળ્યો છું. હજી મળું છું. અહીં અમુક ગૂ્રપ એવાં પણ છે જેઓ અહીંતહીં ફરતા રહે છે. મને તો સમજાતું નથી કે આવાં લોકો પાસે આટલો બધો સમય કેમ હોય છે ? બસ, ફક્ત ગામગપાટા મારવા માટે ? હું એક વખત શાહ રૂપ ખાનને મળ્યો ત્યારે તે નિરાંતે બેઠો હતો. શાહ રૂખે મારી સાથે સતત ૫ -૬ કલાક સુધી વાતો કરી હતી.બસ, એમ જ. જેટલા પણ ખાન છે તેઓ માટે અને કેટલાક નિર્માતાઓ અને દિગ્દર્શકો માટે પણ આવું જ કહી શકાય.








