Magazines

ઈમરાને કમબેક વખતે હાથમાંથી સરી ગયેલી ફિલ્મોની વાત માંડી

By GS TEAM
26 Feb 20262 mins read
ઈમરાને કમબેક વખતે હાથમાંથી સરી ગયેલી ફિલ્મોની વાત માંડી

- 'રોહિત શેટ્ટી સાથે 'ચેન્નઈ એક્સપ્રેસ' માટે ચર્ચા થઈ હતી. લેકિન આખિર મેં બાત કુછ બની નહીં. આમેય તે રોલ માટે હું ફિટ નહોતો...'  

ઇમરાન ખાને આખરે વીર દાસની કોમેડી થ્રિલર ફિલ્મ 'હેપ્પી પટેલ : ખતરનાક જાસૂસ'માં સ્પેશિયલ એપિયરન્સથી બોલિવુડમાં ૧૦ વરસ બાદ કમબેક કર્યું ખરું. દુર્ભાગ્યે આ ફિલ્મ પણ પીટાઈ ગઈ. ઈમરાને છેલ્લે ૨૦૧૫માં 'કટ્ટીબટ્ટી' નામની ફિલ્મ કરી હતી. હેપ્પી પટેલની રિલીઝ પહેલા એક્ટરે ફિલ્મના પ્રમોશનના ભાગરૂપે મીડિયાને ઇન્ટરવ્યુ આપ્યા હતા. ઈમરાને આવા જ એક ઇન્ટરવ્યુમાં કરીઅરની શરૂઆતમાં પોતાના હાથમાંથી સરી ગયેલી અમુક મૂવીઝની વાત કરી હતી. એમાં 'દિલ્હી-૬' અને 'ચન્નઈ એક્સપ્રેસ' જેવી ફિલ્મો પણ સામેલ હતી.

ઈમરાનના જણાવવા મુજબ એણે ૨૦૦૬માં 'જાને તૂ, યા જાને ના'થી ડેબ્યુ કર્યું. એ પહેલા રાકેશ ઓમપ્રકાશ મેહરાની ફિલ્મ 'દિલ્હી-૬' માટે ઓડિશન આપ્યું હતું. 'શરૂઆતમાં વિવિધ તબક્કે મને અમુક ફિલ્મોની ઓફર મળી હતી, જે મારી તકદીરમાં નહોતી લખાઈ. એમાં મેહરાની 'દિલ્હી-૬' પણ હતી. એ વખતે મેં હજુ કોઈ ફિલ્મ કરી નહોતી. મેં લીડ રોલ માટે ઓડિશન આપ્યું, પણ એમને (પ્રોડયુસરોને) એવા નવાસવા એક્ટર પર પોતાના પૈસા નહોતા લગાવવા, જેણે હજુ પોતાની ટેલેન્ટ પુરવાર કરવાની બાકી હોય,' એમ આમિર ખાનનો ભાણેજ કહે છે.

એ વખતના પોતાના પ્રત્યાઘાત વિશે વાત કરતા એક્ટર કબુલે છે કે 'મારો દિલ ખરેખર દિલ ટુટી ગયું હતું. મને એ રોલ ન મળ્યો એટલે બહુ જ હતાશ થઈ ગયો હતો. પરંતુ ફિલ્મનું બજેટ અને એના સ્કેલ જોતા હવે મને સમજાય છે કે એમને શા માટે એક જાણીતો ચહેરો જોઈતો હતો. આ બધી 'જાને તૂ યા જાને ના'ની રિલિઝ પહેલાની 

વાતો છે.'

ખાને સંસ્મરણો વાગોળતા એ વાત પણ શેર કરી કે 'વિક્રમાદિત્ય મોટવાનીની ફિલ્મ 'ભાવેશ જોશી' સાથે હું લગભગ એક વરસ જોડાયેલો રહ્યો હતો. પછી મારી જગ્યાએ મૂવીમાં હર્ષવર્ધન કપૂરને લેવાયો. મને 'ગોરી તેરી પ્યાર મેં' રિલિઝ થયા બાદ મોટવાનીની મૂવીમાંથી પડતો મૂકી દેવાયો હતો. એમાં હું કશું કરી શકે એમ નહોતો, એ મારી બહારની વાત હતી.'

એટલું જ નહિ, 'ચેન્નઈ એક્સપ્રેસ' માટે રોહિત શેટ્ટી સાથે પણ એની ચર્ચા થઈ હતી. લેકિન આખિર મેં બાત કુછ બની નહીં. 'અમારી વચ્ચે બે મીટીંગ્સ થઈ હતી, પરંતુ એમાં અમને સમજાઈ ગયું કે અમારી વચ્ચે ક્રિયેટીવલી એક રાગ નથી અને આમેય મને નથી લાગતું કે હું એ રોલ માટે ફિટ હતો,' એવું એક્ટર સ્વીકારે છે.

હવે તમે કયા ડિરેક્ટર સાથે કામ કરવા ઇચ્છો છો એવા સવાલના જવાબપમાં ઈમરાન ફિલ્મમેકર નીરજ ઘેયવાનનું નામ આપતા કહે છે, 'મને એમની મૂવી 'હોમબાઉન્ડ' ગમી છે. એમની 'મસાન' પણ એક સારી ફિલ્મ હતી. એમના ફિલ્મ મેકિંગમાં મને ઘણી બધી ઓથેન્ટિસિટી અને ઈમોશન્સ નજરે પડે છે.'