ઈમરાન ખાન : ફિલ્મોમાંથી બ્રેક લીધો તેનો કોઈ અફસોસ નથી!

- 'મારા કરતાં ઘણા વધુ સફળ અથવા શ્રીમંત વ્યક્તિઓ હજુ પણ દરેક જગ્યાએ દેખાવા માટે, વધુ કામ કરવા માટે મજબૂરી અનુભવી શકે છે. મને આવું કરવાની જરૂર નથી...'
એકવેળાનો ઉત્કૃષ્ઠ ચોકલેટ-બોય તરીકે જાણીતો અને માનિતો હીરો ઈમરાન ખાન છેલ્લે ૧૧ વર્ષ પહેલાં બોલિવુડમાંથી અદ્રશ્ય થઈ ગયો. તેની પહેલી ફિલ્મ 'જાને તુ... યા જાને ના' (૨૦૦૮)માં પદાર્પણ કર્યા પછી થોડા વર્ષો ફિલ્મોમાં કામ કર્યું અને એ પછી તેણે બોલિવુડ અને તેની ફિલ્મોને સલામ કરી દીધી. હવે છેક ૧૧ વર્ષ પછી તેનું ફરી બોલિવુડની ફિલ્મોમાં પુનરુત્થાન થઈ રહ્યું છે આથી તેના ચાહકો-ફેન્સ ખુશખુશાલ છે. હા, એક વેળા તેઓ જ એવો પ્રશ્ન કરતા હતા કે 'ઈરામ ખાન ક્યાં છે?' આટલું જ નહીં તેઓ એવું પણ પૂછતાં હતા કે 'અધૂરે હમ અધૂરે તુમ' સાથે તેના સંપૂર્ણ પુનરાગમનનો અંત આવ્યો છે? જો કે આ બધી વાત ખોટી છે. ઈમરાન ખાન ખૂબ જ ઝડપથી ફરી આગમન કરી રહ્યો છે.
ઈમરાન ખાન કહે છે, 'હા, મને ખબર છે કે અત્યારે બોલિવુડમાં શું ચાલી રહ્યું છે, પણ મેં તાજેતરની ઘણી ફિલ્મો જોઈ નથી. સાચું કહું તો તાજેતરમાં વ્યાપક પ્રમાણમાં ઉગ્ર, હિંસક સિનેમા તરફનો અભિગમ વ્યાપેલો છે. આવો હીરો મને ખલેલ પહોંચાડે છે. આથી જ મારે 'અધૂરે હમ અધૂરે તુમ' ખાસ કામ કરવું હતું. આમાં સહાનુભૂતિ, સૌમ્યતા, દયા અને ગૌરવ જેવી લાગણીઓ છે.'
૧૧ વર્ષના બ્રેકમાં ઇમરાને શું કર્યું? ઈમરાન કહે છે, 'મને એવું લાગ્યું કે તે મહત્ત્વપૂર્ણ હતું કે હું કોણ છું તે સમજવા માટે સમય કાઢ્યો. હું આમજનતાથી ખૂબ જ દૂર હતો. અરે, મને વ્યક્તિગત રીતે એવું લાગવા માંડયું હતું કે હું મારી જાત સાથેનો સંપર્ક ગુમાવી રહ્યો હતો.'
શું તમે ક્યારેય તમારા આ સમય દરમિયાન ફિલ્મ અથવા તો ટીવી પર ગીત સાંભળવાનો પ્રયત્ન કર્યો છે? ઈમરાને આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું, 'ના. મેં સોશિયલ મીડિયા અને જાહેરમાં નહીં દેખાવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. હું તો ભૂતકાળના ગૌરવને વળગી રહેવાનો પ્રયાસ કરી રહ્યો છું. મને કોઈ અફસોસ નથી, કોઈ પસ્તાવો નથી.'
તમે પાછા ફરવાનું શી રીતે નક્કી કર્યું? આ પ્રશ્નના ઉત્તરમાં ઈમરાને કહ્યું, 'ઈન્ટરનેટ હતું, છેલ્લા કેટલાંક સમયથી મીમ્સ આવવા લાગ્યા. ઈમરાન ક્યાં છે? હું સોશિયલ મીડિયાને સક્રિય રીતે ફોલો કરતો નથી, પણ મિત્રો તેમને મોકલતા રહ્યા. આખરે એવું લાગ્યું કે ઠીક છે, હું બહાર નીકળીશ અને કહીશ કે હું ઠીક છું.'
તમે રોમ-કોમનો ઉલ્લેખ કર્યો છે, વર્તમાન વલણ સાથે, મોટાપાયે ઘણીવાર, હિંસક સિનેમા તરફ તમને લાગે છે કે આ શૈલીનું પુનરાગમન થઈ શકે છે? આ પ્રશ્નના ઉત્તરમાં ઈમરાને જણાવ્યું, 'સર્જનાત્મક પ્રક્રિયાને વ્યાપારી બાજુથી અલગ કરવી મહત્ત્વપૂર્ણ છે. આપણે બોક્સ ઓફિસ પ્રત્યે ખૂબ જ ઝનૂની બની ગયા છીએ. આંકડાને રમતની જેમ ટ્રેક કરીએ છીએ. મારા માટે તેનો કોઈ અર્થ નથી. અમે જે ફિલ્મ બનાવી રહ્યા છીએ તે નેટફિલક્સ ઓરિજિનલ છે. તે થિયેટરમાં રિલીઝ નહીં થાય.'
શું તમે વિવિધ શૈલીઓ અજમાવશો ખરા? ઈમરાને કહ્યું, 'હું હિંસા-એક્શનથી ઉત્સાહિત નથી. મને તો તેનાથી ખલેલ પહોંચે છે. મને એવી વાર્તાઓ કહેવાનું મન જ નથી.'
તમે લાંબો વિરામ લીધો... ભલે આપણે તેને બર્નઆઉટ કહીએ કે ન કહીએ, પણ માનસિક સ્વાસ્થ્ય માટે દૂર રહેવાનું વિચારી રહેલા કોઈને તમે શું સલાહ આપશો? આ પ્રશ્નના ઉત્તરમાં ઈમરાન કહે છે, 'ચોક્કસપણે, આ સરળ નથી. હું તો આ વિશેષાધિકાર પદ પરથી તે પસંદગી કરી શક્યો. ફિલ્મોમાંથી આવતા પરિવારના દરવાજા મારા માટે શરૂઆતમાં ખુલ્યા જે કદાચ બીજા માટે ન હોય. હું ભાગ્યશાળી હતો કે મેં પૂરતું કામ કર્યું અને સારી કમાણી કરી. તેથી જ્યારે હું ૩૦ વર્ષનો થયો ત્યારે મારી પાસે નાણાકીય સુરક્ષાનું સ્તર હતું જે બહુ સારી વાત હતી. તેનાથી મને એવી પસંદગીઓ
કરવાની સ્વતંત્રતા મળી, સૌની પાસે આવી મોકળાશ હોતી નથી. જે વ્યક્તિએ ફિલ્મોદ્યોગમાં વાજબી સમય માટે કામ કર્યું છે તે નાણાંકીય સ્થિરતાના સ્થાને પહોંચી શકે છે. આ પૂરતું છે.'
તમે હંમેશા વધુ ઇચ્છતા હશો, પરંતુ પછી તે પ્રશ્ન બની જાય છે કે તમારા માટે ખરેખર શું મૂલ્યવાન છો?
'મારા કરતાં ઘણા વધુ સફળ અથવા શ્રીમંત વ્યક્તિ હજુ પણ દરેક જગ્યાએ દેખાવા માટે, વધુ કરતા રહેવા માટે મજબૂરી અનુભવી શકે છે. મને આની જરૂર નથી. મારે તે કરવાની જરૂર નથી. આવું કહેવું અને તે ડર છોડી દેવો ખરેખર આસાન નથી,' એમ ઈમરાન ખાને ઉમેર્યું હતું.








