Magazines

અક્ષય તૃતિયાનું મહત્વ અને પૌરાણિક માન્યતાઓ

By GS TEAM
16 Apr 20263 mins read
અક્ષય તૃતિયાનું મહત્વ અને પૌરાણિક માન્યતાઓ

'અક્ષય' જેનો અર્થ થાય છે. કદાપી જેનો ક્ષય થતો ન હોય તે વૈશાખ માસ, સુદ ત્રીજના દિવસે અખાત્રીજ આવે છે. જ્યોતિષ શાસ્ત્રાનુસાર આ તીથિનો મહિમા એ છે કે દરેક તીથિઓની વધઘટ..ચંદ્રમા અને નક્ષત્રોની ગતી ઉપર આધારીત છે, જો ચંદ્રમાની કળા વધે તો તીથિમાં વધારો થાય અને ઘટે તો તીથિમાં ઘટાડો થાય. એટલે પંચાંગમાં ઘણીવાર બે તિથિ કે તીથિનો ક્ષય જોવા મળે છે. વૈશાખ સુદ ત્રીજ અક્ષય છે તેથી બધા જ ધર્મોમાં આ તીથિ ધર્મ અને શુભ કામો માટે ઉત્તમ છે. આ તીથિના દિવસે ખાસ કરીને દાનનો મહિમા ખૂબ જ વધારે છે. કારણકે આ દિવસે કરેલું દાન ઉત્તમ ધાર્મિક કર્મ બને છે. તે મહાફળદાયી હોય છે, તેનું ફળ જન્મોજન્મ મળતું રહે છે. કોઈ પણ શુભ કર્મ માટે ઉત્તમ મૂહુર્ત આ તિથિના દિવસે વણજોયુ હોય છે.

આ તીથિના દિવસે પ્રભુશ્રી જગન્નાથજીના રથોની પૂજાવિધિ અને ચંદનયાત્રા નિકળે છે. ઉત્તરાખંડમાં ચાર ધામના કપાટ ખૂલે છે. દેવો પણ હર્ષોલ્લાસ સાથે પૂજા-અર્ચન કરે છે અને યાત્રાનો પ્રારંભ થાય છે. જૈન ધર્મના તીર્થંકર પ્રભુ આદિનાથે કઠિન તપસ્યા બાદ આજના દિવસે પારણા કર્યા હતા.

આ દિવસનું દાન સોનાની કોદાળી અને રૂપાના હળથી ખેતર ખેડી મોતીના બીજની વાવણી કર્યા બરોબર છે જે હજારો ઘણું થઈ પરત મળે છે.

૧. ભગવાન પરશુરામનું પ્રાગટય

અક્ષય તૃતિયાને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર ભગવાન પરશુરામના જન્મોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. તેમણે પૃથ્વી પરથી અધર્મનો નાશ કરી ધર્મની સ્થાપના કરી હતી. તેથી આ દિવસ અધર્મ પર ધર્મના વિજયનું પ્રતિક છે.

૨. મહાભારત લેખનનો પ્રારંભ

વૈદિક ગ્રંથો અનુસાર, આ દિવસે મહર્ષિ વેદવ્યાસજીએ ભગવાન ગણેશજી સમક્ષ મહાભારતની કથાનું વર્ણન કરવાનું શરૂ કર્યું હતું. આ જ કથાના અંશરૂપે આપણને વિશ્વના સૌથી પવિત્ર ગ્રંથોમાંના એક એવા શ્રીમદ્ ભગવદ્ ગીતા પ્રાપ્ત થયા છે.

૩. ગંગા અવતરણ

રાજા ભગીરથે પોતાના પૂર્વજોના મોક્ષ માટે વર્ષો સુધી કઠોર તપસ્યા કરી હતી. તેમની ભક્તિથી પ્રસન્ન થઈને આ દિવસે પવિત્ર ગંગા નદી પૃથ્વી પર ઉતરી હતી. આ દિવસે ગંગા સ્નાન કરવાથી તમામ પાપોમાંથી મુક્તિ મળે છે તેવી માન્યતા છે.

૪. સુદામા અને શ્રીકૃષ્ણની મુલાકાત

ભગવાન શ્રીકૃષ્ણના પરમ મિત્ર સુદામા આ દિવસે તેમને મળવા દ્વારકા પહોંચ્યા હતા. સુદામાની અત્યંત ગરીબાઈ છતાં તેમની અનન્ય ભક્તિ જોઈને ભગવાન કૃષ્ણ અભિભૂત થયા હતા. સુદામા દ્વારા લાવવામાં આવેલા તાંદુલના બદલામાં ભગવાને તેમને અઢળક સંપત્તિ અને સુખ-સમૃદ્ધિ અર્પણ કરી હતી.

૫. માં અન્નપૂર્ણાનું પ્રાગટય

આ દિવસે દેવી પાર્વતીના સ્વરૂપ માતા અન્નપૂર્ણા પ્રગટ થયા હતા. એક પૌરાણિક કથા મુજબ જ્યારે ભગવાન શિવે ભિક્ષા માંગી ત્યારે માતા અન્નપૂર્ણાએ તેમને ભોજન કરાવ્યું હતું. આ દિવસ વિશ્વમાં અન્ન અને પોષણની અવિરત ખાતરી આપે છે.

૬. ત્રેતાયુગનો પ્રારંભ

પુરાણો મુજબ અક્ષય તૃતિયાથી જ ત્રેતાયુગની શરૂઆત થઈ હતી. આ એ જ યુગ છે જેમાં ભગવાન રામ અને ભગવાન પરશુરામે અવતાર ધારણ કર્યો હતો. આ યુગ પરિવર્તનને કારણે આ દિવસનું સાંસ્કૃતિક મહત્વ ખૂબ વધારે છે

૭. કુબેર ભંડારીની નિમણુંક

આ દિવસે ભગવાન શિવે કુબેરને સ્વર્ગના ખજાનચી તરીકે નિયુક્ત કર્યા હતા. આથી જ અક્ષય તૃતિયાના દિવસે નવી આર્થિક શરૂઆત રોકાણ કે સોનું ખરીદવાની પરંપરા છે જેથી કુબેર દેવના આશીર્વાદ કાયમ જળવાઈ રહે.

૮. અક્ષય પાત્રનું વરદાન

પાંડવો જ્યારે વનવાસમાં હતા ત્યારે ભગવાન શ્રીકૃષ્ણે તેમને અક્ષય પાત્ર અર્પણ કર્યું હતું. આ પાત્રની ખાસિયત એ હતી કે તેમાંથી ભોજન ક્યારેય ખૂટતું નહીં. આ ઘટના મહેમાનગતિ (અતિથિ દેવો ભવ:)ના મૂલ્યને સમજાવે છે.