વિચારો શ્રેષ્ઠ બને... તો જીવન પણ શ્રેષ્ઠ બને

- પ્રેરણાની પરબ- આચાર્ય વિજય અક્ષયરત્નસૂરિ
વ્યુત્પત્તિના ગ્રંથોમાં તીર્થની વ્યાખ્યા એક સ્થળે બહુ મસ્ત કરી છે કે 'તીર્યતે અનેનેતિ તીર્થમ્' મતલબ કે જેનાં આલંબન ભક્તિ દ્વારા તરી જવાય-સંસારથી મુક્ત બની શકાય તેને તીર્થ કહેવાય. અલબત્ત, તીર્થની આરાધના કરવાના બદલે વ્યક્તિ તેની આશાતના કરે તો તે તરવાના બદલે દુર્ગતિગામી પણ બની શકે. આપણને મળેલું મન પણ ધરાવે છે બરાબર આ તીર્થસમી વિશેષતાઓ. એનાં આલંબને મોક્ષ મેળવીને તરી જનારા પ્રસન્નચંદ્રરાજર્ષિ જેવાનાં ઉદાહરણો પણ શાસ્ત્રનાં પાને અંકિત થયા છે તો મનનો દુરૂપયોગ કરીને ડૂબી જનારા તંડુલીયામત્સ્ય જેવાનાં કથાનકો પણ શાસ્ત્રમાં મોજૂદ છે. મનનો યોગ્ય ઉપયોગ કરીને જો તરવું હોય-ડૂબવું ન હોય તો સૌ પ્રથમ જાણી લેવી જોઈએ મનની વિલક્ષણતાઓને-વિશેષતાઓને. આ માટે આજે આપણે મનની સાતમા ક્રમની વિલક્ષણતાનો વિચાર કરીશું : (૭) મનના વિચારો અનંત છે...
ટ્રેન જેના ઉપર ધસમસતી આગળ વધે છે એ રેલવેટ્રેકને નિહાળ્યો તો છે ને ક્યારેક ? રેલવેટ્રેક ઉપર ઊભા રહીને આપણે દૂર-સુદૂર સુધી નજર દોડાવીશું યાવત્ હજારો કિલોમીટર એક રેલવેટ્રેક ઉપર આપણે પગપાળા ચાલીશું. તો પણ એ રેલવેટ્રેકમાં આપણને એક ઇંચનો ગેપ જોવા નહિ મળે. રેલવેટ્રેક સળંગ જ નિહાળવા મળશે. બસ એ જ રીતે આપણે આપણા મન તરફ એકાગ્ર બનીશું તો આપણને ખ્યાલ આવશે કે મનમાં વિચારોનો પ્રવાહ નિરંતર જારી રહે છે. એક પછી એક સારા-નરસા વિચારો આવતા જ રહે છે. આમાં એક સેકન્ડનો સમય પણ એવો નથી હોતો કે જેમાં મન ખાલી હોય. અર્થ એટલો જ કે મનનો વિચાર પ્રવાહ અટકે એવી કોઈ શક્યતા નથી. આવા મન દ્વારા પણ જો તરવું હોય તો તરવાની ફોર્મ્યુલા એ છે કે વિચારોને શ્રેષ્ઠ બનાવાય. જેમાં (૧) આત્મકલ્યાણની બુદ્ધિ હોય (૨) દેવ-ગુરૂ પ્રત્યે ભક્તિ હોય અને (૩) સદાચાર તેમજ શુદ્ધિ હોય. આવા વિચારોને કહીશું આપણે શ્રેષ્ઠ વિચારો. આવા શ્રેષ્ઠ વિચારો આપણા જીવનને ઉર્ધ્વગામી બનાવ્યા વિના રહે જ નહિ. આ સંદર્ભમાં યાદ આવે છે એક પ્રાચીન ઘટના :
રાજકુમાર ગજકુસુમાલના લગ્ન પ્રભાવતી અને સોમા નામની બે કન્યાઓ સાથે થયા. પણ તે પછી નેમિનાથ પ્રભુની દેશના સાંભળી ગજસુકુમાલ દીક્ષિત બન્યા. તીવ્ર વૈરાગ્ય મનમાં ઉછળતો હતો. મોક્ષ જલ્દીથી મેળવવો હતો એથી ઉત્કૃષ્ટ સાધના કરવાના કોડ સાથે પ્રભુ આજ્ઞાા લઈ સાંજે સ્મશાનમાં કાઉસ્સગ્ગ ધ્યાનમાં રહ્યા. ત્યાં સોમા કન્યાનો પિતા સોમશર્મા ક્યાંકથી આવ્યો. મુનિને જોઈ 'આણે મારી દીકરીને લગ્ન કરી છોડી દીધી' આ વિચારે ક્રોધિત બન્યો અને ગુસ્સામાં મસ્તક ઉપર માટીની પાળ બાંધીને તેમાં સળગતા અંગારા ભર્યા. ગજસુકુમાલમુનિનું મુસ્તક સળગવા લાગ્યું. પીડા વધવા લાગી. અલબત્ત, પીડા વધતી ગઈ તેમ તેમ મુનિવરના વિચારો વધુને વધુ ઉત્તમ કોટિના બનતા ગયા. જૈનશાસ્ત્રનો સિદ્ધાંત છે કે જેટલું વધુ સમભાવથી સહન કરો, તેટલા વધુ કર્મોનો નાશ પામે અને એટલો વધુ મોક્ષ નિકટ આવે. મુનિએ આ જ સિદ્ધાંત અમલમાં મૂક્યો અને વિચાર્યું કે આ સોમશર્મા ખરેખર મારો ઉપકારી છે. કારણ એના નિમિત્તે મને સહન કરવાનો અને સર્વ કર્મનાશ દ્વારા મોક્ષમાં જલ્દી જવાનો મોકો મળ્યો છે. આ વિચારનાં કારણે તેઓ એ જ રાત્રે દેહ છોડીને મોક્ષમાં પહોંચ્યા. શું દર્શાવે છે આ ઘટના ? એ જ કે વિચારો શ્રેષ્ઠ હોય તો મન દ્વારા તરી પણ શકાય છે. મનના વિચારો ભલે અનંત હોય. આપણે એટલું જ નક્કી કરીએ કે મારા વિચારો શ્રેષ્ઠ રહે, જેથી મારું જીવન પણ શ્રેષ્ઠ બને....









