Magazines

ફિલ્મમાં લીલોછમ રોમાન્સ રહેશે તો સિનેમાગૃહો છલકાતાં રહેશે

By GS TEAM
30 Apr 20262 mins read
ફિલ્મમાં  લીલોછમ રોમાન્સ રહેશે તો સિનેમાગૃહો છલકાતાં રહેશે

- 'લૈલા મજનુ' પછી 'ગીન્ની વેડ્સ સની-ટુ'માં પુન: અવિનાશનો પ્રણયરંગ 

હમણાં હમણાં  હિન્દી ફિલ્મ જગતનો પડદો બહુ બહુ ચમકી રહ્યો છે. સિનેમાગૃહો છલકાઇ રહ્યાં છે.  ધુરંધર ફિલ્મનું ઉદાહરણ તાજું છે. જોકે   નવા જમાનાનાં  દર્શકો ક્યારે કઇ ફિલ્મ પર ઓવારી જાય તે હજી સુધી કોઇ કળી શક્યું નથી. હા, દર્શકોને  નવાં, થોડાંક  નિર્દોષ  -રમતિયાળ લાગતાં,  રૂપકડાં  હીરો -હીરોઇનનો લીલાછમ  રોમાન્સ બહુ બહુ  ગમે છે એટલું ચોક્કસ. પોતાના જીવનના કે પરિવારના સંઘર્ષની કથા હોય તો પણ આવકારે. 

લૈલા મજનુ (૨૦૧૮) ફિલ્મને દર્શકોએ બહોળો આવકાર આપ્યો હતો. આ જ લૈલા મજનુ ૨૦૨૪માં પણ ફરીથી રજૂ થઇ ત્યારે પણ દર્શકોને ગમી હતી.   જોકે મૂળ લૈલા મજનુ (૧૯૭૬: રિશી કપૂર , રંજિતા, ડેની) પણ તે વખતે સુપરહીટ  થઇ હતી. 

હવે  આ જ લૈલા મજનુ ફિલ્મની કથા-પટકથાના આધારે એટલે કે તેના  રોમાન્સમાં નવા રૂપરંગ ઉમેરીને ગીન્ની વેડ્ઝ સન્ની ૨ ફિલ્મ આવી છે. આ નવી ફિલ્મમાં કલાકારો તરીકે   અવિનાશ તિવારી અને મેઘા શંકર છે.

લૈલા મજનુનો હીરો અવિનાશ તિવારી ખુશી વ્યક્ત કરતાં કહે છે, લૈલા મજનુ  રજૂ થઇ ત્યારે ઓવર ધ ટોપ(ઓટીટી) પર તેની બહોળી ચર્ચા થઇ હતી. દર્શકોને ગમી હતી.  મારા નિરીક્ષણ મુજબ કોઇ એક ફિલ્મ સફળ થાય તેનો સીધો સરળ અર્થ એવો થાય કે દર્શકોને સિનેમાગૃહોમાં એક જ સરખો અનુભવ થાય છે. પછી તે અનુભવ ફિલ્મની વાર્તાનો, સંગીતનો, અભિનયનો હોઇ શકે છે. ફિલ્મનાં અમુક પાસાં દર્શકોની સંવેદનાને   સ્પર્શે છે.  અને એટલે જ તો દર્શકો તે ફિલ્મનો આનંદ માણવા સિનેમાગૃહોમાં જાય છે. 

બોલીવુડની અમુક ફિલ્મો  છેલ્લા થોડા સમયથી  સફળ થઇ રહી છે. જુઓ, આજના નવા અને આધુનિક ભારતમાં મોટાભાગનાં લોકો ફૂડ ડિલિવરીની મોબાઇલ એપ્લિકેશન્સનો ઉપયોગ કરે છે.  પોતાને મનપસંદ વાનગીઓ ઘરે મગાવે છે. જોકે આનો અર્થ એવો તો ન જ થાય કે લોકો હોટેલ -રેસ્ટોરોમાં ન જાય. લોકો તો પોતાને જે કાંઇ ગમે તેનો આનંદ માણતાં હોય છે.

   ઉપરાંત, ઘણા પરિવાર પણ સિનમાગૃહોમાં જઇને ફિલ્મનો આનંદ  માણતાં હોય ત્યારે તો ફિલ્મની સફળતાની તક પણ વધી જાય છે. ભૂતકાળમાં આવા ઘણા પ્રસંગ બન્યા છે.  મને ભરપૂર આશા છે કે લૈલા મજનુ ફિલ્મમાં પણ આવાં જ ગમતીલાં રોમેન્ટિક  તત્વો છે. લવ સ્ટોરીનો આનંદ માણવા નવી પેઢીનાં જુવાનિયાં  સિનેમાગૃહોમાં ઉમટી પડે છે. આજે બોલીવુડમાં  આ જ  ક્રમ દોડી રહ્યો છે. 

 ૬૦-૭૦ના દાયકામાં રાજ કપૂર - નરગીસ , દેવ આનંદ-  સુરૈયા - વહીદા રહેમાન ,  ધર્મેન્દ્ર -હેમામાલિની ,  રાજેશ ખન્ના - શર્મિલા ટાગોર વગેરેની રોમેન્ટિક  જોડી સુપરહીટ થઇ હતી.