Magazines

વિશ્વમાં જો ચાઇનીઝ વર્લ્ડ ઓર્ડર છવાઈ જશે તો તબાહી જોવા મળશે

By GS TEAM
26 Apr 20263 mins read
વિશ્વમાં જો ચાઇનીઝ વર્લ્ડ ઓર્ડર છવાઈ જશે તો તબાહી જોવા મળશે

- અર્થકારણના આટાપાટા-ધવલ મહેતા

- અમેરીકાના જંગી મીલીટરી બજેટ સામે ઈરાનનું બજેટ ખૂબ જ ઓછું

માનવ ઈતિહાસના ભૂતકાળમાં ભલભલા સામ્રાજ્યો તૂટી પડયા છે. ભૂતકાળમાં ગ્રીક એમ્પાયર, રોમન એમ્પાયર, ઓટોમન અમ્પાયર, મુઘલ એમ્પાયર, ગુપ્ત એમ્પાયર વગેરે તૂટી પડયા છે. ઇ.સ. ૧૯૪૫માં બીજુ વિશ્વયુદ્ધ પૂરૂ થયું અને જગતભરમાં ડીકોલોનાઇઝેશનનો યુગ શરૂ થતા બ્રીટીશ અમ્પાયર પણ તૂટી પડયું અને તેનું સ્થાન અમેરીકન અમ્પાયરે લીધું છે. અમેરીકન અમ્પાયરની વિશિષ્ઠતા એ છે કે તેણે જગતમાં જુદાજુદા અનેક ઠેકાણે ૭૦૦થી વધુ વ્યૂહાત્મક મીલીટરી થાણાઓ ઊભા કર્યા છે જે બહુ જ ઓછા સમયમાં જગતના કોઈપણ દેશ પર હવાઈ કે સમુદ્રી હુમલાઓ કરી શકે છે. ઈરાન-અમેરીકા વચ્ચેના યુદ્ધનો જ દાખલો લો, અમેરીકા તેના ઈરાન નજીકના અનેક મીલીટરી થાણાઓમાંથી ઈરાન પર હવાઈ કે સમુદ્રી હુમલાઓ કરી શકે છે. જ્યારે ઈરાન પાસે તેનાથી હજારો માઇલ દૂર અમેરીકા પર હવાઈ હુમલો કરવાની તાકાત જ નથી. અમેરીકા પાસે એશિયામાં ડીઆગો ગાર્સીઆ સ્થળે જબરજસ્ત મીલીટરી તાકાત ધરાવતું થાણું છે. આ થાણા પર અમેરીકન સરકારની હકૂમત છે. ત્યાંથી તે એશિયાના કોઈ પણ દેશ પર બહુ જ ઓછા સમયમાં હવાઈ હુમલા કરી શકે છે. હજારો માઈલ દૂર ઈરાન અમેરીકા પર ક્યાંથી હવાઈ હુમલો કરવાનું હતું ? આથી ઈરાને અમેરીકાને બદલે અમેરીકાનાં મીત્ર ગલ્ફ દેશો પર હવાઈ હુમલાઓ શરૂ કર્યા છે અને પાડાને વાંકે પખાલીને ડામ દીધા છે.

અમેરીકાને પરાસ્ત કરવા તેનું હરીફ ચીન અવનવા પેંતરા કરી રહ્યું છે. યાદ રહે કે અમેરીકાને બદલે જગતમાં ચાઈનીંસ વર્લ્ડ ઓર્ડર છવાઈ જશે તો જગત તબાહ થઈ જશે કારણ કે ચીન એક ક્રૂર સામ્યવાદી સરમુખત્યારશાહી ધરાવતો દેશ છે અને ચીનની મુખ્ય સરમુખત્યાર શી જિનપિંગ વર્ષોથી ચીના પર સત્તા ભોગવી રહ્યા છે. ચીન લોકશાહી દેશ નથી અને રશિયા પણ નથી અને ઈરાન પણ નથી. જગત પર ચીનનું વર્ચસ્વ જેમ જેમ વધતુ જશે તેમ તેમ જગતમાં લોકશાહીનો નાશ થતો જશે. ચીને તીબેટને પડાવી લીધું છે અને ભારતના અરૂણાચલ પ્રદેશના અમુક ભાગોને પણ પડાવી લીધા છે તે આપણે ભૂલવા જેવું નથી. જગત પર ચાઈનીસ વર્લ્ડ ઓર્ડર ભયરૂપ છે.

અમેરીકા અને ચીન : જગતમાં સૌથી મોટું અર્થકારણ અમેરીકાનું છે અને પછી ચીનનું છે. એપ્રીલ ૨૦૨૬ના અંદાજ મુજબ અમેરીકાની જીડીપી ૩૨.૩૮ ટ્રીલીયન ડોલર્સ છે જ્યારે ચીનની તે ૨૦.૮૫ ટ્રીલીયન ડોલર્સ છે. ચીનનો દાવો છે કે પરચેઝિંગ પાવર પેરિટિને આધારે અમે જગતમાં પ્રથમ છીએ. ભારતની જીડીપી અંદાજીત ૩.૯૨ ટ્રીલીયન ડોલર્સથી માંડીને ૪.૧૫ ડોલર્સ છે. જીડીપીમાં ભારત બકરીનું બચ્ચું છે.

મીલીટરી બજેટ : અમેરીકાએ હોર્મુઝ અખાતની નાકાબંધી કરી હોવાથી ચીનને પુષ્કળ નુકશાન થયું છે. હોર્મુઝની ખાડી પરથી ચીનની બળતણના તેલની જંગી આયાતની નાકાબંધી થઈ છે. તેથી ચીન અમેરીકા પર ઘણું ગુસ્સે થયું છે.

અમેરીકાનું મીલીટરી બજેટ જગતમાં સૌથી મોટું છે. અમેરીકાનું ૨૦૨૫માં મીલીટરી બજેટ ૯૨૧ બીલીયન ડોલર્સ હતું જ્યારે ચીનનું માત્ર ૨૫૧.૩ બીલીયન ડોલર્સ, રશિયાનું ૧૮૬.૨ બીલીયન ડોલર્સ, જર્મનીનું ૧૦૭.૩ બીલીયન ડોલર્સ, યુ.કે.નું ૯૪.૩ બીલીયન ડોલર્સ અને ભારતનું ટચૂકડું ૭૮.૩ બીલીયન ડોલર્સ અને અમેરીકા સામે ફૂંફાડા મારતા ઈરાનનું મીલીટરી બજેટ ૨૦૨૩માં ૧૦.૩ બીલીયન ડોલર્સ જેટલું હતું જે ૨૦૨૫-૨૦૨૬ દરમિયાન લગભગ ૩૧ બીલીયન ડોલર્સ પર પહોંચી ગયું હોય તેવો અંદાજ છે. તેમ છતાં અમેરીકાના ૯૨૧ બીલીયન ડોલર્સના બજેટ આગળ ઈરાનનું મીલીટરી બજેટ (જેમાનો મોટો ભાગ ગેસ અને ઓઈલની નિકાસ પર અને હોર્મુઝ બંદર પરની જકાત આધારીત છે) અમેરીકા સામે મરણિયું બનેલું ઈરાન અમેરીકાના મીત્ર ગલ્ફ દેશો પર બોંબમારો કરીને તબાહી કરી રહ્યાં છે તે ઈરાનનું બેજવાબદાર વર્તન દર્શાવે છે.