Get The App

ઇન્દ્રિયના માધ્યમ વિના પ્રાપ્ત થતાં સુખની ઓળખાણ છે ખરી ?

આકાશની ઓળખ - કુમારપાળ દેસાઈ

Updated: Jan 8th, 2020

GS TEAM

Google News
Google News
ઇન્દ્રિયના માધ્યમ વિના પ્રાપ્ત થતાં સુખની ઓળખાણ છે ખરી ? 1 - image


આત્માના આનંદરૂપે આપણે ઓળખી શકીએ છીએ અને એ રીતે આ જિનવાણી શાશ્વત સુખની શોધ માટે મુમુક્ષુને પોકારે છે. ભગવાને કહેલી આ ગંભીર, નવીન અને મૌલિક વિચારધારા વિશે હવે પછી વિચારીશું.

(સુખ વિશે ભગવાન મહાવીર-૨)

ઇન્દ્રિયના માધ્યમ વિના પ્રાપ્ત થતાં સુખની ઓળખાણ છે ખરી ?

જિનવાણીનો મહિમાગાન તો આપણે વારંવાર સાંભળ્યું છે, પરંતુ એ જિનવાણીનો મર્મ પામ્યા છીએ ખરા ? કે પછી આજ સુધી આપણે એની ભવ્યતાનું પોપટિયું ઉચ્ચારણ જ કરતા રહ્યા છીએ. 'શ્રીમદ્ ભગવદ્ગીતા'ના કર્મયોગને સારી પેઠે જાણીએ છીએ, પરંતુ ભગવાન મહાવીર સ્વામીએ આપેલાં દર્શનને હજી પૂરું પામી શક્યા નથી.

એમણે આપેલાં સુખ વિશેના દર્શનનો આપણો વિચાર કરીએ છીએ. 'ભક્તપરિજ્ઞાા' આગમ ગ્રંથના ચોથા શ્લોકમાં એમ કહેવાયું છે કે નરેન્દ્ર, સુરેન્દ્ર આદિનું સુખ ખરી રીતે વિચારીએ તો દુ:ખ જ છે. એ ક્ષણિક છે અને એનું પરિણામ દુ:ખદાયી હોય છે, આથી એનાથી દૂર રહેવું  ઉચિત છે.

એ સંદર્ભમાં આપણે ગયા અંકમાં જોયું કે આપણું સુખ એ આપણી ઇન્દ્રિયો મારફતે પામીએ છીએ, વિવિધ વસ્તુઓ અને ભોગોમાંથી મેળવીએ છીએ અને તેથી એ સુખનો સઘળો સંબંધ બર્હિજગત સાથે છે. જે સુખનો સંબંધ ઇન્દ્રિય સાથે છે, તે ભગવાન મહાવીરના કહેવા પ્રમાણે ક્યારેય શાશ્વત હોતું નથી, બલ્કે ક્ષણિક હોય છે. આ ઇન્દ્રિયજન્ય સુખને અશાશ્વત અને પરિણામદારૂણ કહ્યું છે. આ બંને શબ્દો વિશેષ વિચાર માગે છે.

હકીકતમાં જે ક્ષણિક છે અને નશ્વર છે, તે અંતે દુ:ખમાં પરિણમતું હોય છે. એનો અનુભવ સ્થાયી હોતો નથી, પણ અસ્થાયી હોય છે. એ થોડા સમય માટે હોય છે અને એ એક વાર છોડીને જાય છે પછી એ સુખની પ્રાપ્તિ માટે ફરી માનવી ઝાંઝવાનાં જળ પીવા દોડે છે. એ બીજી વાર એની પ્રાપ્તિ માટે મથામણ કરશે. જો એ શાશ્વત હોત તો એક વાર પ્રાપ્ત થયેલું સુખ સદાકાળ ટક્યું હોત, પરંતુ આ અશાશ્વત હોવાથી એ થોડાક સમયમાં ચાલ્યું જાય છે.

આમ સુખપ્રાપ્તિનો ક્ષણિક આનંદ અને સુખ પુન:પ્રાપ્ત કરવા માટેનો પ્રયત્ન. એ સુખ પ્રાપ્ત થયું, પણ એની ભીતરમાં જોઈએ તો ખ્યાલ આવશે કે મિષ્ટાન્નથી હું સુખ પામું છું, એ મિષ્ટાન્ન ખરેખર શું છે ? એનાથી મારા મનને આનંદ હશે પરંતુ શરીરને કોઈ નુકસાન નહીં હોય ને.

જે સમયે તમને પ્રાપ્ત થયેલા સુખ વિશે તમે ગંભીરતાથી વિચારવાનું શરૂ કરો છો, કે તરત સુખની તમારી અનુભૂતિ ઘણી ઝાંખી થઈ જશે. મિષ્ટાન્ન આરોગતી વખતે તમે વિચાર કરો કે એ કઈ રીતે બનાવવામાં આવ્યું હશે ? એમાં કોઈ ભેળસેળવાળા પદાર્થો તો વાપર્યા નહીં હોય ? કે એને સ્વાદિષ્ટ બનાવવા માટે હાનિકારક મરી-મસાલા નાખ્યા નહીં હોય ને ? જો તમે આવું વિચારો, તો તમારો સુખાનુભવ ઘણો ઘટી જશે. જે ઇન્દ્રિય એને પામવા માટે આતુર હતી, એ ઇન્દ્રિયનો આનંદ ઘણો ઓછો થઈ જશે.

વાસનાગ્રસ્ત માનવી કોઈને દેહસ્પર્શ કરે અને એ દેહસ્પર્શની સાથોસાથ જો એ એનામાં જાગેલી વાસના વિશે ઊંડાણથી વિચારે તો એની દેહસ્પર્શની તીવ્રતા ઘટી જશે. આનો અર્થ જ એ કે ઇન્દ્રિયનું સુખ એ ક્ષણિક હોય છે અને એટલે જ એ એને વિશે વ્યકિત ગંભીરતાથી વિચારે તો એ આપોઆપ ઓગળી જતું હોય છે. આ સુખને' ભકતપરિજ્ઞાા' ગ્રંથની ગાથામાં 'પરિણામદારૂણમ્' કહેવામાં આવ્યું છે. એનું દારુણ પરિણામ આવે છે.

એનું કારણ એ કે જે સુખ ક્ષણિક છે, એને શાશ્વત માનીને સ્વીકાર્યું હતું અને એને પરિણામે આ ક્ષણિક સુખ એ દારૂણપરિણામ આપનારું હોવાથી આ ગાથામાં સ્પષ્ટરૂપે કહ્યું છે કે એવા સુખથી 'અલં' એટલે કે દૂર જ રહેવું વધુ ઉચિત છે. આ સંદર્ભમાં 'શ્રી ઉત્તરાધ્યયન સૂત્ર'( ૧૪/૧૩) ગ્રંથની ગાથા પર દૃષ્ટિપાત કરીએ. આ ગાથા આ ક્ષણિક સુખની વાતને સચોટ રીતે પ્રગટ કરે છે.

આ ગાથા કહે છે કે,

'કામભોગોનું સુખ ક્ષણભંગુર અને દુ:ખ દીર્ઘકાળનું છે એમાં સુખ થોડુંક છે અને દુ:ખ વધારે છે. કામભોગો સંસારની મુક્તિ મેળવવામાં બાધક છે અને અનર્થોની ખાણ જેવો છે.'

હવે અહીં કામભોગોથી પ્રાપ્ત થતું સુખ તો માછલીને પકડવા માટે કોઈ કાંટાની આગળ લોટ લગાડે અને માછલી એ લોટ જોઈને ખાવા જાય અને એ કાંટામાં ફસાઈ જાય તેના જેવું છે. એક બીજી વાત એ છે કે કામભોગ ક્ષણમાત્ર માટે સુખ આપે છે અને પછી લાંબા સમય સુધી વ્યકિત એને કારણે દુ:ખ અનુભવે છે. હવે જેમાં અલ્પસુખ અને પુષ્કળ દુ:ખ હોય તેને કઈ રીતે સુખદાયી કહી શકાય. આવા સુખમાં ફસાયેલો માનવી એની ક્ષણિકતામાં દોડે છે.

પશ્ચિમના જગતમાં આ ક્ષણિક સુખોનો જ મહિમા છે. એની સુખ વિશેની એની સઘળી વિચારધારા ઇન્દ્રિય- આનંદમાં જ સીમિત અને માત્ર બાહ્ય જગત સાથે જોડાયેલી છે. આથી ઇન્દ્રિયોનો આનંદ એ જ માનવજીવનનું સર્વોચ્ચ સુખ એવી એની વિચારધારા સામે ભગવાન મહાવીર કહે છે કે આ કામભોગનું સુખ  એ તો વીજળીના ચમકાર જેવું છે. થોડો સમય એનો આનંદ અને એની ચમત્કૃતિનો અહેસાસ થશે, પણ એ લાંબુ નહી ટકે. આવું સુખ એ સંસારવૃદ્ધિ કરનારું અને મોક્ષનું શત્રુ છે અને એથી જ એને સંસાર-મુક્તિનું વિરોધી અને અનર્થની ખાણ કહ્યું છે.

ઇન્દ્રિયો દ્વારા પ્રાપ્ત થતાં ક્ષણિક સુખને જાણ્યા પછી આ વચન સમજવામાં મુશ્કેલ નહીં આવે. પણ બીજી બાજુ પશ્ચિમની સુખ વિશેની વિચારધારા જ્યાં સુધી પહોંચી શકી નથી, ત્યાં ભગવાન મહાવીર દૃષ્ટિ ઠેરવે છે. એ દૃષ્ટિ ઠેરવે છે ઇન્દ્રિયના માધ્યમ વિનાના સુખ પર. એ દૃષ્ટિ ઠેરવે છે.

ઇન્દ્રિય વિના પ્રાપ્ત થતા સુખ પર. આપણા સમસ્ત દુ:ખોનું મૂળ વાસના છે અને આપણે માની બેઠા છીએ કે આપણાં સમસ્ત સુખોનો આધાર વાસના છે. હવે વિચારવાનું એ છે કે એક એવું પણ સુખ છે જે ઇન્દ્રિય વિના પ્રાપ્ત થાય છે અને આ ઇન્દ્રિય વિના પ્રાપ્ત થતા સુખને આપણે શાશ્વત સુખ કહી શકીએ.

આજ સુધી બહારની દુનિયામાંથી સુખની ખોજ કરતા હતા અને એ સુખ આપણી સાથે સંતાકૂકડી રમતું હતું. જે સુખ અધ્રુવ હતું, એને જ ધ્રુવ સમજીને સમજીને બેઠા હતા. એ ઇન્દ્રિયસુખને પકડવા જતા શાશ્વત સુખ આપણા હાથમાંથી છટકી જતું હતું. 

સુખની બાબતમાં ભગવાન મહાવીર ક્ષણિક અને શાશ્વતનો ભેદ બતાવે છે અને કહે છે કે આ બંનેનો ભેદ નહીં સમજો, તો તમારા જીવનમાં ક્ષણિક શું છે અને શાશ્વત શું છે એ સમજી નહીં શકો. અરે ! એથીય વિશેષ તો ક્ષણિક સુખને શાશ્વત માનીને તમે તમારું જીવન પાયમાલ કરી નાખશો. જો સત્ય પ્રાપ્ત કરવું છે અને મોક્ષ માર્ગ તરફ ગતિ કરવી છે તો ક્ષણિક સુખોને સદાને માટે તિલાંજલિ આપીને શાશ્વતની પ્રાપ્તિ માટે પરમાર્થ કરવો જોઈએ.

હા, એને માટે ક્ષણિક અને શાશ્વતનો ભેદ સમજવો પડે, કારણકે જો આપણે ક્ષણિક સુખ છોડીને શાશ્વત સુખમાં નિમગ્ન થવા ઇચ્છતા હોઈશું, તો ક્ષણિક સુખની ઓળખ જરૂરી છે. એ ખ્યાલ આવવો જોઈએ કે આ ક્ષણિક સુખ એ સુખ નથી, પણ માત્ર સુખાભાસ છે. એ ક્ષણિક હોવાની સાથે દારૂણ દુ:ખ આપનારું છે. તો હવે ક્ષણિક સુખમાંથી શાશ્વત સુખ તરફ દૃષ્ટિ ફેરવીએ. આ શાશ્વત સુખ ન તો ઇન્દ્રિયોથી પ્રાપ્ત થાય છે કે ન તો વાસનાથી લભ્ય બને છે. આ સુખ તો શાશ્વત આત્મામાંથી  ઉત્પન્ન થાય છે અને એ પારમાર્થિક સુખ જ શાશ્વત સુખ છે.

ક્ષણિક સુખ તો કર્મબંધ કરીને તૂટી જતાં હોય છે, વિખરાઇ જતા હોય છે. જ્યારે શાશ્વત સુખ એ  ઇન્દ્રિયો દ્વારા મળતું નથી, પરંતુ એ આત્મામાં અનુભવાય છે. આત્માના આનંદરૂપે આપણે ઓળખી શકીએ છીએ અને એ રીતે આ જિનવાણી શાશ્વત સુખની શોધ માટે મુમુક્ષુને પોકારે છે. ભગવાને કહેલી આ ગંભીર, નવીન અને મૌલિક વિચારધારા વિશે હવે પછી વિચારીશું.

Tags :