સત્યની ખોજ એટલે ભીતરની 'અકથ' કહાની
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઇ
સ્વાર્થ પણ સત્ય-માર્ગે આવતો એક મોટો અવરોધ છે, એની સ્વાર્થવૃત્તિ બીજાના મનનો ભાવ કે વિચાર જોવા તૈયાર હોતી નથી. પોતાનો સ્વાર્થ એ જ એનો ભાવ, વિચાર કે આગ્રહ હોય છે. પરિણામે સ્વાર્થી વ્યકિત કદી સત્ય સમીપ પહોંચી શક્તી નથી.
સર્જક સત્યને પામવા માટે સતત મથામણ કરતો હોય છે. જીવનના અનેક અનુભવો વચ્ચેથી સત્યપ્રાપ્તિ માટે પસાર થાય છે. જીવનના એ અનુભવોમાંથી એને પૂર્ણ સત્ય નહીં, બલ્કે સત્યનો એક અંશ ઉપલબ્ધ થતો હોય છે ! આવા અંશ અંતરમાં એકત્રિત કરીને એ પૂર્ણ સત્યને પામવા મથામણ કરે છે.
સર્જક એના અનુભવો શબ્દો દ્વારા અભિવ્યક્ત કરવાની સાથોસાથ એ અનુભવોના હાર્દને પામવાનો પ્રયાસ કરે છે.અનુભવોનું આ હાર્દ પામવું અત્યંત કઠિન હોય છે, કારણકે એ અનુભવ ઇન્દ્રિયગમ્ય અનુભવ હોય છે. જ્યારે એનો મુખ્ય હેતુ સ્થૂળમાં સૂક્ષ્મને પારખવાનો હોય છે. ક્યારેક શબ્દો એને સ્થૂળમાં બાંધી દે છે અને ત્યારે એ સૂક્ષ્મની ખોજ માટે કશ્મકશ કરે છે. જીવનના અનુભવોમાંથી એ સત્યના અંશો મેળવતો હોય છે, પરંતુ એ અનુભવોમાં એની ગતિ બાહ્ય જગતલક્ષી હોય છે.
જ્યારે સત્યપ્રાપ્તિ તો ભીતરની વાત છે,' અકથ' કહાની છે. બાહ્ય ઘટનાઓ કરતાં અંતરનાં આંતરસંચલનો વધુ મહત્ત્વનાં હોય છે, કારણકે વ્યકિતનું ખરું જગત તો એનું આંતરજગત છે અને આ આંતરજગતમાં એ એક-એક સત્યાંશની ખોજ પૂર્ણ સત્ય મેળવવા માટે કરતો હોય છે. પૂર્ણ સત્યને પામવા માટે ઘટનાને એકાકી કે એકાન્ત દૃષ્ટિએ નહીં.
પરંતુ એનાં બધાં પાસાંને જોતો હોય છે. એક ઘટનામાંથી એને એક અર્થ મળ્યો હોય, પરંતુ એમાંથી બીજા અર્થો પણ નીકળી શકે એવી શક્યતાને તપાસતો હોય છે. સત્યનિષ્ઠનો કોઈ પક્ષ હોતો નથી. બલ્કે એની પાસે એક શોધ હોય છે. જેના દ્વારા એ પરિચિતથી અપરિચિત તરફ ગતિ કરતો હોય છે.
આને માટે એનો પહેલો પ્રયત્ન એ સ્વઓળખનો હોય છે. જીવનનાં ઘણાં તથ્યો અને અર્ધસત્યો વ્યકિત પોતાના બાહ્ય અનુભવોના પ્રત્યાઘાતરૂપે પામતો હોય છે. મિત્રનો સારો અનુભવ થાય તો જગતમાં મૈત્રીનું મૂલ્ય મોટું લાગે છે, પણ એનો મિત્ર જો દગાખોર નીકળે તો જગતમાં એ મિત્રતાને બદલે સર્વત્ર દગાખોરી જોતો હોય છે. વ્યકિત પાસે 'એની નજર'નું એક સત્ય હોય છે, પરંતુ એમાં અન્યની નજરનું સત્ય હોતું નથી.
પોતે અનુભવમાંથી તારવેલો સાર એ એના અનુભવનો પ્રતિભાવ હોય છે, સત્યનો પ્રતિધ્વનિ હોતો નથી. લક્ષ્મી, દાન અને યશ એ બધાં બાહ્ય જગતનાં તત્ત્વો છે.એનો પ્રભાવ બહારની દુનિયા પર પડતો હોય છે. એ વ્યક્તિ પાસેથી ચાલ્યા જાય તો મુશ્કેલી આવતી નથી. 'મહાભારત'માં લક્ષ્મી, દાન અને યશને ખુશીથી વિદાય આપતો રાજા પોતાને ત્યાં વસતા સત્યને જવા દેતો નથી. એને પકડીને રોકી રાખે છે અને 'મહાભારત' કહે છે કે સત્ય રોકાઈ જતાં રાજાને છોડી ગયેલાં લક્ષ્મી, દાન અને યશ- એ બધાં પુન:પાછાં આવે છે.
સત્યની પ્રાપ્તિ માટે બાહ્ય જગતને અંતર્ધ્યાન કરવાની જરૂર હોય છે. કારણ કે બાહ્ય જગતથી ઊંચે ઊઠીએ તો જ સત્યજગતમાં પ્રવેશી શકીએ. આથી બહાર ચંડકૌશિક સર્પ ભગવાન મહાવીરને દંશ આપે અને છતાં એમના આંતરજગતમાં કોઈ પરિવર્તન થતું નથી. જીવનની આફતો એમની પ્રસન્નતાને ઓગાળી શક્તી નથી.
વળી આવા સત્યની પ્રાપ્તિ થાય એટલે શિવમ્ અને સુંદરમ્ તો આપોઆપ એની પાછળ ચાલ્યા આવે છે. જેમના જીવનમાં સત્યનિષ્ઠા હતી. તેઓએ આફતોની વચ્ચે પણ ક્યારેય શિવ અને સૌંદર્યને છોડયાં નથી. આથી સત્ય-પ્રાપ્તિ માટે આંતરખોજનો સંક્લ્પ જરૂરી છે.
વ્યકિત આંતરખોજ કરે નહીં, તો એની આંખ માત્ર બાહ્ય જગતમાં ઘૂમતી રહેશે અને એના આંતરજગતનો સર્વથા વિચ્છેદ અનુભવશે. બાહ્ય ઘટનાઓ સાથે વેર-વૃત્તિ, કષાય, રાગ કે દ્વેષ જોડાયેલાં હોય છે. એનો અનુભવ કરતી વખતે વ્યકિત જો એને સત્ય તરીકે સ્વીકારે તો મોટી થાપ ખાશે. એને તો એક ઘટનાના સત્ય-કણ તરીકે સ્વીકારવી જોઈએ. જો એમ સમજશે નહીં, તો આ વૃત્તિઓ, ગ્રંથિઓ અને વેદનાઓને સત્ય માની એમાં ખૂપી જશે.
પૂર્ણ સત્ય સાથે આપણો સૌથી વધુ નિક્ટ-નિવાસ હોય છે. પરંતુ જીવનની પરિસ્થિતિઓ, સંયોગો અને સ્વભાવ વ્યકિતને પરમ સત્યથી દૂર લઈ જઈને વિકૃત બનાવી દે છે. આથી જ સત્યપ્રાપ્તિને માટે જેટલી જરૂર સ્વઓળખની છે, એટલી જ આવશ્યક્તા પોતાના આત્માને પહેરાવેલાં જુદાં જુદાં આવરણ ઉતારવાની છે.
વ્યકિત એની નિર્મળ પ્રકૃતિની ઉપેક્ષા કરીને અસત્યની આ ઉપાસના આરંભે છે અને સમય જતાં એ સત્યની સામે છેડે બેસી જાય છે અને જીવનમાં સતત અસત્યનો આધાર લે છે. સત્ય કદી કોઈનો આધાર લઈને ચાલતું નથી. એને કોઈ આશ્ચિતની જરૂર નથી, કારણકે તે સ્વયં પૂર્ણ છે અને સૂક્ષ્મ રીતે જોઈએ તો એને જ આધારે આ જગત ટકી રહ્યું હોય છે.
આથી સંત કબીર તો કહે છે:
સબ તે સાંચા હૈ ભલા જો સાંચા દિલ હોઈ,
સાંચ બિના સુખ નાહિ ના કોટિ કરૈ જો કોઈ
( જે સાચા દિલનો હોય તેનું જ સ્વરૂપ સત્યને ઉત્તમ ગણાય. કોઈ કોટિ ઉપાયો ભલે કરે, પણ સત્ય વિના સુખપ્રાપ્તિ છે જ નહીં.)
માત્ર સુખપ્રાપ્તિ જ નહીં, પરંતુ જીવનની પરમ પ્રાપ્તિ સત્યમાં સમાયેલી છે, પરંતુ સત્યનો માર્ગ અવરોધથી ભરેલો છે. પહેલાં તો માનવી બહારના અવરોધોથી અટકી જાય છે. એની સત્તાની લાલસા એવી હોય છે કે એ સત્યને સત્તાનું ગુલામ માને છે અને પછી સત્તાના કેફમાં એ સત્યને સતત ગૂંગળાવતો રહે છે.
સ્વાર્થ પણ સત્ય-માર્ગે આવતો એક મોટો અવરોધ છે, એની સ્વાર્થવૃત્તિ બીજાના મનનો ભાવ કે વિચાર જોવા તૈયાર હોતી નથી. પોતાનો સ્વાર્થ એ જ એનો ભાવ, વિચાર કે આગ્રહ હોય છે. પરિણામે સ્વાર્થી વ્યકિત કદી સત્ય સમીપ પહોંચી શક્તી નથી. ધનની લોલુપતા કે પછી કોઈ પણ પ્રકારની લાલસા સત્યના માર્ગમાં અવરોધરૂપ બનતી હોય છે. ક્યારેક વ્યકિત એ સત્યને ફાંસીએ લટકાવીને આત્મહત્યા કરતો હોય છે.
જીવનના આ બાહ્ય અવરોધોને ઓળંગીને એ અન્યની નજરે આચાર-વિચાર કરે, ત્યારે સત્યનો અંશ મેળવી શકે છે. એના હૃદયમાં આવા સત્યના અંશોના મણકા ભેગા થાય છે અને એને ચિંતનના સૂત્રે બાંધીને એ પરમ સત્યની માળા રચે છે. આ એવું પરમસત્ય છે કે જે ક્યારેય જૂનું થતું નથી, કે કદી નવું હોતું નથી. એ ક્યારેય જન્મતું નથી કે ક્યારેય નાશ પામતું નથી. એ શાશ્વત અને સનાતન એવું અધ્યાત્મનું સત્ય છે. જે સત્યની પ્રાપ્તિ પછી વ્યકિતમાં યોગી આનંદઘને ગાઈ તેવી'અબ હમ અમર ભયે'ની મસ્તી અનુભવે છે.
આથી જ સોક્રેટિસ હસતે મુખે ઝેરનો પ્યાલો ગટગટાવે છે. મહાવીર રાશ વીંઝનાર ગોવાળને અને એમની સાધનામાં સહાય કરવા ઉત્સુક એવા ઇન્દ્રરાજ પ્રત્યે સમાન ભાવ અનુભવે છે. રાશ વીંઝનાર માનતો કે એમના દેહ પર રાશ વીંઝીને એમને દુ:ખ પહોંચાડે છે અને ઇન્દ્ર એમ ધારતા કે ધ્યાનમગ્ન મહાવીરનું દુષ્ટોથી રક્ષા કરીને એમનું સુખ વધારશે, પણ આ બંનેનું ગણિત ખોટું હતું.
કારણકે બાહ્ય પરિસ્થિતિ એમનું સુખ કે દુ:ખ વધારી શકે તેમ નથી. સત્ય પાસેથી સંકલ્પનું બળ પામીને મહાત્મા ગાંધી શસ્ત્રો અને વિદેશીઓ સામે શાંત સત્યાગ્રહ કરે છે. અહીં હૃદયની એવી ભાવ-ભૂમિકા છે કે જ્યાં બાહ્ય આનંદ પણ ક્ષણિક લાગે છે. ચેતના તો પૂર્ણ સત્યની પ્રાપ્તિના પૂર્ણ આનંદ પર સ્થિર હોય છે. જીવનમાં આવતી બાહ્ય યાતના કે બાહ્ય આનંદ એ તો એના અધ્યાત્મસાગરમાં સર્જાતાં અને તરત ફૂટી જતાં બુદબુદ સમાન છે.
આથી જ એ અધ્યાત્મ તરફ આંગળી ચીંધીને 'તૈત્તરીય ઉપનિષદ' કહે છે.
'સત્યેન વાયુરાવાતિ સત્યેનાદિત્યો રોચતે દિવિ
સત્યં વાચ : પ્રતિષ્ઠા સત્યે સર્વ પ્રતિષ્ઠિતમ્
તસ્માત્સત્યં પરમંવદન્તિ'
સત્ય વડે વાયુ વાય છે, સત્યથી સૂર્ય આકાશમાં પ્રકાશે છે. સત્ય વાણીની પ્રતિષ્ઠા છે. સત્યમાં સર્વ રહ્યું છે, માટે મુનિઓ સત્યને સર્વશ્રેષ્ઠ કહે છે. સર્જકની સઘળી પ્રક્રિયાનું પરિણામ આવા પૂર્ણ સત્યમાં થતું હોય છે.