છોકરાંની ઇચ્છા કદી કરીશ નહીં અને પ્રભુભક્તિ કદી છોડીશ નહીં
આકાશની ઓળખ - કુમારપાળ દેસાઇ
જ્ઞાાન ભક્તિથી ભીનું થઈને કર્મમાં પરિણમે, તેમાં જ એ જ્ઞાાનની સાર્થકતા છે, આથી અપરોક્ષ બ્રહ્માનુભૂતિનો અનુભવ કરતા આ મહાત્મા જ્યારે સત્સંગમાં કોઈ કરુણ દૃષ્ટાંત કહેતા, ત્યારે એમની આંખોમાંથી આંસુ સરી પડતાં
એક સમર્થ જ્ઞાાનયોગીનો પરિચય ધર્મ અને અધ્યાત્મના કેટલાય દ્વારો ખોલી નાખે છે. એમણે પ્રસરાવેલી જ્ઞાાનની જ્યોત એમના પછીના સમયને પણ અજવાળતું રહે છે.
જીવનમાં કોઈ વિરલ સંયોગ પ્રાપ્ત થાય એ રીતે મને મુરબ્બી શ્રી નાનુભાઈ શાસ્ત્રીનો મેળાપ થયો. એમનું મૂળ નામ તો ઇન્દ્રવદન શાસ્ત્રી, પણ સહુ કોઈને એમને' નાનુભાઈ'ના નામથી ઓળખે. એમના મકાનમાં સાધના- ખંડ અતિ વિશાળ અને રહેવાના ખંડ સાવ નાના. એ સાધના ખંડમાં યોગીશ્રી અરવિંદ, પૂજ્ય માતાજી, રમણ મહર્ષિ અને આનંદમયી માતાની વિશાળ મોટી તસવીરો જોવા મળે. વચ્ચે ગણેશજીની મૂર્તિ બિરાજમાન હોય.
એમનું ઘર એટલે સંતોનો ઉતારો, જિજ્ઞાાસુઓનું અતિથિગૃહ. પ્રતિવર્ષ એક દિવસ એવો હોય કે જ્યારે સંતોનું સંમેલન થાય, દિવસભર પ્રવચનો થાય. મા આનંદમયી, મહંતશ્રી શાંતિપ્રસાદજી, સુરેશ દલાલ અને અમારા સહુનાં પ્રવચનો હોય. નાનુભાઈ આજીવન બ્રહ્મચારી. વર્ષોથી પુદુચેરીના આશ્રમમાં રહયા, એકાંત- સાધના કરી અને ઘણા વરસે અમદાવાદમાં વસવા આવ્યા.
એમની સાથે એવો સ્નેહ બંધાઈ ગયો કે કલાકો સુધી એકાંત વાર્તા કરવાનો લાભ મળે. એમની આધ્યાત્મિક દૃષ્ટિ પાસેથી સમજ મળે. એમની આગવી સમતાયુક્ત જીવનશૈલીનોય ખ્યાલ આવે. એક વાર તો એવું બન્યું કે એક મિત્ર પાસેથી જાણ થઈ કે પોતાના જીવન-યાપન માટે અમુક રકમની જરૂર પડશે એમ માનીને એમણે અમુક લાખ રૂપિયા રાખ્યા હતા. એવામાં એક મિત્રને ભીડ સમયે મદદ કરી. એને ઘણી મોટી રકમ આપી અને એણે ગુમાવી દીધી.
હવે તેની પાસેથી કશું મળી શકે તેમ નહોતું. એની ખબર પડતાં મેં નાનુભાઇ શાસ્ત્રીને પૂછયું, તો એમણે કહ્યું 'કશું બન્યું નથી. સઘળે આનંદ અને મજા છે. પહેલાં મોટરમાં ફરવાની મજા લેતા હતા. હવે સ્કૂટર પર સુસવાટાબંધ પવનની લહેરો સાથે ફરવાનો આનંદ આવશે.' પરિસ્થિતિ એમની મસ્તીને સહેજે આંચ પહોંચાડી શકી નહીં. કેવી સમતા !
તેઓ વારંવાર જ્ઞાાનયોગી શ્રી ચંદુભાઈનો ઉલ્લેખ કરતા. એમને જેમ શ્રી ચંદુભાઈનો અધ્યાત્મ અનુભવ ગ્રંથથી પ્રાપ્ત થયો, એ જ રીતે 'અગિયારમી દિશા' ગ્રંથથી મને આ જ્ઞાાનયોગીનો પરિચય થયો. એમને વિશે જાણાવાની જિજ્ઞાાસા સતત રહી. ૬૯ વર્ષનું જીવન જીવનારા 'અપ્રસિદ્ધ મહાત્મા' તરીકે ઓળખાતા જ્ઞાાનયોગી શ્રી ચંદુભાઈના જીવન અને વિચારોમાં પારદર્શકતા જોવા મળે છે. વેદાંતની ગહન વાતોને એ હસતાં-રમતાં મૂકી દે છે અને ક્યારેક લાક્ષણિક રીતે એમ કહે પણ ખરા કે 'સઘળા ધર્મપુસ્તકોનો એ જ સાર છે, કે તું કશું વાંચ નહીં, પણ હું કહું છું એ પ્રમાણે અનુભવ- પ્રેક્ટિસ કરવા માંડ.'
દંભ અને પાખંડ એ સહેજે સહન કરી શક્તા નહીં. અન્યાય, પક્ષપાત કે જુલમ થતો હોય તો એમની તેજસ્વી સ્વભાવ ઊકળી ઊઠતો. અનાથ, વિધવા કે ગરીબોના હક્કોને ડૂબતા જોઈ શક્તા નહીં. એમણે શંકરાચાર્યના વેદાંત જ્ઞાાનનો અને મહાત્મા ગાંધીજીની જીવનશૈલીનો વિરલ સુમેળ સાધ્યો હતો. વળી એમનું વેદાંત એ શુષ્ક વેદાંત નહોતું. એમાં માત્ર જ્ઞાાનોપાસના જ નહોતી. બલ્કે જ્ઞાાનમાર્ગની મુખ્યતા હતી.
તેઓ માનતા હતા કે જ્ઞાાન ભક્તિથી ભીનું થઈને કર્મમાં પરિણમે, તેમાં જ એ જ્ઞાાનની સાર્થકતા છે, આથી અપરોક્ષ બ્રહ્માનુભૂતિનો અનુભવ કરતા આ મહાત્મા જ્યારે સત્સંગમાં કોઈ કરુણ દૃષ્ટાંત કહેતા, ત્યારે એમની આંખોમાંથી આંસુ સરી પડતાં. તેઓ અંધભક્તિ પર આકરા પ્રહારો કરે છે, પણ મધુર ભક્તિનો સ્વીકાર કરે છે. ધર્મોના આડંબરોએ પ્રજાજીવનમાં ધર્મ વિશેની એક ભ્રામક, અજ્ઞાાનમય અને આડંબરયુક્ત દૃષ્ટિ ઊભી કરી છે, એનો વિરોધ કરીને અંતરસૂઝનો મહિમા કરી તેઓ અંતર્મુખતાના માર્ગે જવાનું સાધકો અને જિજ્ઞાાસુઓને કહેતા હતા.
એમણે પોતાના વિચારો માટે કોઈ ગ્રંથરચના કરી નથી, પરંતુ જ્યારે એમના વિચારો આલેખતી ગ્રંથરચના કરવાની શ્રી નારુશંકર મણિશંકર ભટ્ટે વાત કરી, ત્યારે એમણે કહ્યું કે, તમે ભલે બધું લખો, પણ કોઈ વાંચે નહીં અથવા તો એને કચરાપેટીને સ્વાધીન કરે, તોય દુઃખ લગાડશો નહીં અથવા તો એવો ખ્યાલ પણ સેવશો નહીં કે ધાર્મિક વિષયોમાં રસ લેનારાઓ આ પુસ્તક લેવા માટે તમારી પાસે દોડીને આવશે. કેવી નિસ્પૃહી વૃત્તિ ! આમ છતાં પુસ્તકનાં આઠેક પૃષ્ઠ શ્રી નારુશંકર મણિશંકર ભટ્ટે લખ્યાં હતાં, ત્યાં તો શ્રી ચંદુભાઈનું અવસાન થયું. આથી એમના વિચારો ક્યારેક એમના સત્સંગમાંથી પ્રાપ્ત થયેલા છે. તો ક્યારેક કોઈ જિજ્ઞાાસુના પ્રશ્નોના ઉત્તરોમાંથી કે પ્રસંગોના પ્રતિભાવ રૂપે મળ્યા છે.
સૂરત પાસેના રાંદેર ગામના 'અંગ્રેજી' ફળિયામાં રહેતા ચંદુભાઈનો જન્મ ઇ.સ.૧૮૮૪ના એપ્રિલમાં, વિ.સં.૧૯૪૦ ચૈત્ર વદ તેરસના દિવસે થયો હતો. એમનાં પિતા નરોત્તમરામ અત્યંત બુધ્ધિશાળી હતા અને અભ્યાસમાં તેજસ્વી હતા. એમનાં પિતાનું ૩૦-૩૧મા વર્ષે ક્ષયની બીમારીને કારણે અવસાન થયું. ચંદુભાઈ માત્ર નવ વર્ષના હતા.
એમના કુટુંબની આર્થિક સ્થિતિ ઘણી નબળી હતી. કતાર ગામમાં આવેલા વૈજનાથ મહાદેવના મંદિરે એમનાં દાદીમા બાળક ચંદુભાઈને લઈ જતાં અને ત્યાં જઈને પ્રાર્થના કરતાં. દાદીમાએ મૃત્યુ સમયે ચંદુભાઈને બોલાવીને બે વાત કરી. એક તો છોકરાની ઇચ્છા કદી કરીશ નહીં અને બીજું એ કે પ્રભુભક્તિ કદી છોડીશ નહીં. તને બધું જ મળી રહેશે.
જ્ઞાાનયોગી ચંદુભાઈના હૃદયમાં ગુરુપદે એમનાં દાદીમાં હતાં. ચંદુભાઈનાં લગ્ન ગોદાવરીબહેન સાથે થયાં. એમને સર વસનજી ત્રિકમજી મૂળજીના આસિસ્ટન્ટ પ્રાઈવેટ સેક્રેટરીની જગા મળી. કોઈએ એમના હાથમાં રામકૃષ્ણ પરમહંસના બોધ-વચનોનો અંગ્રેજી અનુવાદ મૂક્યો અને એ ગ્રંથે એમનાં જીવનમાં પરિવર્તન આણ્યું. સ્વામી વિવેકાનંદનું 'પાતંજલિ યોગ' નું પુસ્તક વાંચ્યું અને એ પ્રમાણે યોગ કરવા લાગ્યા.
ગાયત્રીના રટણ સમયે આપોઆપ ગાયત્રીના ધ્યાનની ટેવ પડી. એમના શેઠે એમને ફ્રાન્સ મોકલ્યા અને સ્વામી રામતીર્થનાં લખાણો વાંચવા મળ્યા. પંડિત લાલનનો મેળાપ થયો. આંતર-જીવનમાં એવું પરિવર્તન આવ્યું કે સતત એવો અનુભવ કરતા કે ગાયત્રી જ મારી સંભાળ લે છે. એ પછી સમય જતાં એમણે નોકરી છોડી અને સાધના શરૂ કરી.
એવામાં જોધપુરના મહાત્મા દેવીદાનજી મહારાજનો પરિચય થયો અને એમનાં જીવન અને સત્સંગનો શ્રી ચંદુભાઈ પર ઘણો પ્રભાવ પડયો. દેવીદાનજી મહારાજ સાથેના પ્રસંગોએ એમનામાં પરિવર્તન આણ્યું. શ્રી દેવીદાનજી મહારાજની ઇચ્છા તો પોતાની ગાદી પર આ 'ગુજરાતી'ને બેસાડવાની હતી. પરંતુ જ્ઞાાનયોગી ચંદુભાઈએ કહ્યું કે, આપની અખંડ સેવા કરતાં શ્રી ગુરુપ્રસાદજી આ પદને માટે શ્રેષ્ઠ છે. વળી એમણે દેવીદાનજી મહારાજને અંતે એક વાક્ય પણ કહ્યું હતું.' મહાત્માજી, ઉપાધિમાંથી છોડાવ્યો છે, તો ફરીથી શાને નાખો છો ?'
શ્રી ચંદુભાઈના જીવનની ઝાંખી મેળવ્યા પછી હવે એમની વિચારસૃષ્ટિ જોઈએ. એમની વિશેષતા એ હતી કે એ ધાર્મિક પરિભાષાની ગૂંચવણમાં ઊતરવાને બદલે સીધેસીધી પોતાની વાત રજૂ કરતા હતા. જેમ કે 'યોગ એટલે શું ?' એ વિશે તેઓ કહે છે,'યોગ એટલે ભક્તિ માટે અથવા તો કર્મ માટે પ્રભુ સાથેનું અનુસંધાન'. વળી સમજાવે છે કે' જ્યારે આવું અનુસંધાન સધાય છે, ત્યારે માનવીમાં પ્રભુનો નિવાસ રહે છે અને દિલગીરી, અશાંતિ અને ખોટો ઉશ્કેરાટ એને માટે અશક્ય બની જાય છે.'
સત્નો મહિમા કરતાં તેઓ કહે છે કે અંતે તો બધા ધર્મોએ આ જ વાત કરી છે.' હું કેવો ?' નિરંજન, નિરાકાર, નિર્વિકલ્પ, નિર્વિકાર, સત્, ચિત્, આનંદ, સચ્ચિદાનંદ, નિર્ભય, અજ, અમર વગેરે અને એ જ રીતે (હું બ્રહ્મ છું) (તે તું છે), ૈં ટ્વહઙ્ઘ સ્અ હ્લટ્વંરીિ ટ્વિી ર્હી ( હું અને મારો પિતા એક જ છીએ) , અનલ હક( હું પરમેશ્વર છું), (આત્મા એ જ પરમાત્મા)ની એકવાક્યતા સિદ્ધ થાય છે.
આ રીતે વેદાંત, ઇસુવચન, મહમ્મદ પયગંબરની વાતને ભગવાન મહાવીરના ઉપદેશને સાંકળી લે છે. બીજી એક બાબત એ છે કે વેદાંતનો મહિમા કરવા જતાં એમણે અન્ય મત કે અન્ય ધર્મોની ક્યારે ટીકા કરી નથી. પોતાની જ્ઞાાનોપાસના રજૂ કરવી એ જ એક માત્ર ઉદ્દેશ.( આવતા અંકે પૂર્ણ)