Get The App

ત્યાગી, તપસ્વી, ભગવદ્ ભક્ત રાજર્ષિ ભરતનું જીવન અંતકાળે હરણના બચ્ચામાં આસક્તિ થવાથી નિરર્થક બન્યું !

વિચાર-વીથિકા- દેવેશ મહેતા

Updated: Jan 30th, 2020

GS TEAM

Google News
Google News
ત્યાગી, તપસ્વી, ભગવદ્ ભક્ત રાજર્ષિ ભરતનું જીવન અંતકાળે હરણના બચ્ચામાં આસક્તિ થવાથી નિરર્થક બન્યું ! 1 - image


આપણે આ ભારત દેશ પૂર્વે અજનાભખણ્ડ નામથી ઓળખાતો હતો. પરંતુ ઋષભદેવના જયેષ્ઠપુત્ર ભરતના નામ પરથી 'ભારતવર્ષ'નામથી ઓળખાવા લાગ્યો. આરંભમાં પહેલા કેટલાક એને ભરત ખણ્ડ પણ કહેતા. પરમ ભગવદ્ભક્ત રાજર્ષિ ભરતે એમના પિતાજી ઋષભદેવની આજ્ઞાાથી રાજ્યભાર સ્વીકારી વિશ્વરૂપની પંચજની નામની કન્યા સાથે લગ્ન કર્યા હતા. એમને પાંચ પુત્રો જન્મ્યા હતા જે શાસ્ત્રોના મર્મને જાણનારા અને ધર્મયુક્ત જીવન જીવનારા હતા.

રાજર્ષિ ભરતે યજ્ઞાક્રતુરૂપ ભગવાનનું સમયાનુસાર પોતાના અધિકાર મુજબ અગ્નિહોત્ર, દર્શ, પૌર્ણમાસ, ચાતુર્માસ્ય, સોમયાગ વગેરે નાના- મોટા યજ્ઞાો દ્વારા શ્રદ્ધાપૂર્વક આરાધન કર્યું. યજ્ઞાાદિ કર્મની પૂર્ણતાથી શુદ્ધચિત્ત થયેલા ભરતના હૃદયમાં ભગવાન શ્રીહરિની, વાસુદેવની વિશુદ્ધ ભક્તિ ઉત્પન્ન થઈ. જેમ જેમ ભક્તિ વધતી ગઈ તેમ તેમ સંસારનો મોહ ઘટવા લાગ્યો. પછી તેમણે રાજભાર પોતાના પુત્રોને સોંપી દીધો અને તે ગૃહત્યાગ કરી પુલહ ઋષિના આશ્રમ હરિક્ષેત્રમાં જઈ ભગવદ આરાધના કરવા લાગ્યા.

ત્યાં વિદ્યાધર કુણ્ડમાં  ભગવાને અનેકને એમના સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવ્યો છે. ત્યાં વહેતી ગણ્ડકી નદીમાં પુષ્કળ શાલિગ્રામ પ્રાપ્ત થાય છે. તે ક્ષેત્રમાં પુલહાશ્રમની પુષ્પ વાટિકામાં રહીને રાજર્ષિ ભરત પત્ર-પુષ્પ, તુલસીદલ, જળ, કંદમૂળ, ફળ વહેરે સામગ્રીથી ભગવાન શ્રીહરિની પૂજા- અર્ચના પણ કરતા. તે ભગવત્પ્રીતિમા ડૂબી જતા અને ક્યાંય સુધી ભાવાવેશમાં સરી જતા.

એક દિવસ રાજા ભરત ગણ્ડકી નદીમાં સ્નાન- સંધ્યાદિક નિત્ય-નૈમિત્તિક કર્મ કરીને પ્રણવ (ઓંકાર) મંત્રનો જાપ કરતા કલાકો સુધી નદીના કિનારે બેઠા હતા ત્યારે એક ઘટના બની. જળપાન કરવાની ઇચ્છાથી એના ટોળાથી છૂટી પડી એક હરિણીએ કિનારા પાસે આવી. તેણે જેવો જળ પીવાનો આરંભ કર્યો તે વખતે પાછળથી સિંહની ગર્જના સંભળાઈ.

ભયભીત થઈ ગયેલી તે ગર્ભવતી હરિણીએ નદીના પ્રવાહને ઓળંગવા કૂદકો માર્યો. કૂદકો મારતા જ એના ગર્ભાશયમાંથી ગર્ભ સરી ગયો. હરણીનું તાજું જન્મેલું બચ્ચું નદીના જળપ્રવાહમાં તણાવા લાગ્યું. પ્રસુતિના કષ્ટ અને ભયને કારણે એ હરણીનું મૃત્યુ થઈ ગયું.

આ કરૂણ ઘટના જોઈને ભરતજીનું કોમળ હૃદય કરૂણાથી ભરાઈ ગયું. તેમણે પાણીના પ્રવાહમાં તણાતા તે મૃગલીના બચ્ચાને ઉઠાવી લીધું અને તેને માતૃહીન, અનાથ જોઈને પોતાના આશ્રમમાં લઈ આવ્યા. તે તેને ખવડાવતા, પીવડાવતા, તેનું રક્ષણ કરતા. એમ કરતાં કરતાં તેમને એના પર આસક્તિ અને મમતા થઈ ગઈ. બચ્ચું પુષ્ટ થઈને સક્ષમ થઈ ગયું હતું.

એને હરણોના વૃંદમાં પાછું મૂકી દેવાની જરૂર હતી પણ ભરતે તેને પોતાના આશ્રમમાં જ રાખી મૂક્યું. એમના તપ, ધ્યાન અને આરાધના પણ ઘટી ગયા. તે હરણના બચ્ચાનો સતત વિચાર કરતા એની જ ચિંતામાં વ્યસ્ત રહેતા. જેમણે પોતાની પત્ની, પુત્રો, રાજ્ય અને ધનભંડોરોનો ત્યાગ કરી દીધો હતો તે એક હરણના બચ્ચાની આસક્તિને ત્યજી ન શક્યા. એક દિવસ તે હરણના બચ્ચાની ચિંતામાં વ્યગ્ર હતા તેજ સમયે અચાનક તેમનું મરણ થઈ ગયું.

અંતકાળે વ્યકિતના મનમાં જે વિચાર કે ભાવ હોય તે અનુસાર તેને બીજો જન્મ પ્રાપ્ત થાય તે નિયમ અનુસાર ભરતજીનો હરણની યોનિમાં જન્મ થયો. પૂર્વના પુણ્યને કારણે પૂર્વજન્મની સ્મૃતિ લુપ્ત થઈ નહોતી. તે સાવધાન થઈ હરણોની ટોળીમાં રહેવાને બદલે તે જ પુલહાશ્રમમાં આવી એકાંતવાસ કરવા લાગ્યા. મૃત્યુ નિક્ટ આવ્યું ત્યારે તેમણે ગંડકી નદીમાં સ્નાન કરી ફરી મનુષ્ય દેહ પ્રાપ્ત કરવાની તીવ્ર ઇચ્છા કરી મૃગ શરીરનો ત્યાગ કર્યો. એ પછી ફરી તેમણે મનુષ્ય યોનિમાં એક બ્રાહ્મણને ત્યાં જન્મ લીધો.

જે આસક્તિએ એમના પહેલા બે જન્મો નકામા કરી દીધા હતા એ આ જન્મમાં ફરી ક્યાંય કોઈનામાંય થાય નહીં એનું પૂરેપૂરૂં ધ્યાન રાખીને તે બધાથી અલિપ્ત રહી અનાસક્ત પણે જીવવા લાગ્યા. તે કોઈના તરફ આસક્ત ન થતા અને કોઈને તેમના તરફ આસક્ત થવા ન દેતા. તે જાણી-વિચારીને ઉન્મત, જડ, મુર્ખ, જેવો વ્યવહાર કરતા જેથી કોઈ એમના તરફ આકર્ષાય નહીં અને તે અલિપ્તતા જાળવી શકે. એમના આવા વ્યવહારથી લોકો તેમને 'જડભરત' કહેતા.

સિંધુ સૌવીર દેશનો રાજા રહૂગણ તત્વજ્ઞાાન પ્રાપ્ત કરવાની ઇચ્છાથી કપિલ મુનિના આશ્રમે પાલખીમાં બેસીને જતો હતો ત્યારે ઇક્ષુમતી નદીના કિનારે એક મજૂર ઓછો થઈ જતાં એમને પાલખી ઉચકવાનો આદેશ અપાયો હતો. તેમણે તે ઉચકી તો ખરી પણ જીવજંતુઓને બચાવવા જતા નાના-મોટા પગલા ભરાતા પાલખીનો કઠેડો રાજાને વાગતા એમના ગુસ્સાનો ભોગ બન્યા હતા. જડભરતજીએ એ વખતે તેમને ઉપદેશ આપ્યો હતો અને એમનું અભિમાન દૂર થયું હતું.


Tags :