Magazines

ગરવ કીયો સોઈ નર હાર્યો... .

By GS TEAM
3 Sep 20252 mins read
ગરવ કીયો સોઈ નર હાર્યો...                            .

ગર્વ કે ગરવ એ માનવ જીવનમાં અનિષ્ઠ સમાન છે. મિથ્યાભિમાનીનું હંમેશાં પતન થયું છે, અને ઇતિહાસ પણ તેની સાક્ષી પુરે છે. એક જાણીતી કહેવત પણ છે કે 'અભિમાન રાજા રાવણનું પણ નથી રહ્યું' નિરાભીમાનીની હંમેશાં જીત થાય છે. કોઈપણ બાબતનું ગર્વ કે અભિમાન માણસને પછાડે છે, ગર્વ કરનારની કાયમ હાર થાય છે. ઇતિહાસમાં એવાં પાત્રો જોવા મળે છે કે જેઓ પોતાના ઘમંડ કે ગર્વને કારણે પાછા પડયા છે, અને તેઓએ મેદાન છોડીને ભાગવું પડયું છે. ભગવાન પરશુરામે પણ છેવટે પોતાની ભુલ સ્વીકારવી પડી હતી અને રાજા રામ પાસે નતમસ્તક થવું પડયું હતું. મહાભારતના દુ:શાસનની પણ અધોગતી થઇ હતી.

ગર્વ કરનાર લોકોનાં લક્ષણ વિશે જાણીએ તો તેઓ ક્રોધી હોય છે અને પોતાનું ધાર્યું ન થાય તો તેમનો ક્રોધ ભભુકી ઉઠે છે. આવા લોકો અસત્યનો સહારો લેતા હોય છે. પોતાનો જ સ્વાર્થ જોતા હોય છે અને તેમના હિતનું કંઇ સાંભળતા નથી. રાવણ પરમ શિવભક્ત અને જ્ઞાાની પંડિત અને વિદ્વાન હતો છતાં અભિમાનનો રાક્ષસ તેનો પીછો છોડતો ન હતો. અભિમાની વ્યક્તિઓની અક્કલ ઘાસ ચરવા જતી હોય છે. અભિમાનીનો શતમુખી વિનિપાત થતો હોય છે. વ્યર્થ ગર્વ કરનાર માણસો લાગણી શુન્ય, દિશાવિહીન કે વિવેકશુન્ય હોય છે. અભિમાની લોકો પોતે જ સાચા અને બીજા તુચ્છ કે હીન છે તેવું માનતા હોય છે. મિથ્યા ગર્વ કરનારર પચ્છમ બુદ્ધિ કે જડબુદ્ધિ હોય છે.

કંસ અભિમાનનું પુતળું હતો અને શ્રી કૃષ્ણનો મામો થતો હતો પરંતુ તેનાં વર્તન અને સ્વભાવને કારણે કમોતે મર્યો. અત્રિ અને અનસુયાના પુત્ર દુર્વાસા અત્યંત ક્રોધી હતા તેમણે શકુંતલાને શ્રાપ આપ્યો હતો. હિરણ્યકશીપુ પણ અભિમાની રાજા હતો છેવટે તે શ્રી હરિના નૃસિંહ અવતારને હાથે જ મરાયો અને સર્વનાશ નોતર્યો. આમ ગર્વ કરનાર સદા હારે છે અને અધ:પતનથી તેનો નાશ થાય છે.

અભિમાની વ્યક્તિની દુર્દશા પોતાની જીદ તથા સ્વભાવને કારણે થતી હોય છે. ગર્વ કરનાર પોતાના જ પગ પર કુહાડો મારે છે અને વિનાશનો ભોગ બને છે. આજના સમયમાં 'સાદું જીવન, ઉચ્ચ વિચાર' પર ભાર મુકવાની જરૂર છે. 'ભલા બનો અને ભલું કરો' આ સૂત્રને આત્મસાત કરવાની આવશ્યક્તા છે. અભિમાન કે ગર્વથી જીંદગીનું મુલ્ય ઘટે છે અને અન્યનું અહિત કે નુકશાન પણ થાય છે. સરલ સ્વભાવ રાખવાથી અને મનમાં કુટિલતા ન રાખવાથી જીવન સફળ બને છે. આવો, આપણે પણ જીવન ધન્ય બનાવવા અને સર્વનાં હિત માટે અભિમાનનો આશરો ન લઇએ તે જ સાંપ્રત સમયની માંગ છે.

- ભરત અંજારિયા