હું હાથીભાઈ, છું મસ્તરામ !

- ભોલુ રીંછ સભા પૂરી થયા પછી ઘરે જઈ રહ્યું હતું. ભારે ચિંતા અને વિચારોમાં હતું. કોઈ એવો માર્ગ શોધવો પડશે કે હાથીને જંગલમાંથી બહાર કાઢવો ન પડે અને કીડીઓ તથા જીવજંતુઓ પણ બચી જાય.
- જિજ્ઞોશ વરસાણી
એક જંગલમાં એક હાથીભાઈ રહે, મસ્તરામ! ન કોઈની પરવા, ન કોઈની ચિંતા કે ન કોઈનો ડર! ભારે શક્તિશાળી, સૂંઢથી મોટામોટા વૃક્ષો ઉખાડીને ફેંકી દે. ચાલે
તો ધરતી ધૂ્રજે, વૃક્ષો ડોલે. ચિંધાડે તો વૃક્ષો પરથી પક્ષીઓ ઉડી જાય. ન જૂએ ઉપર નીચે કે આજુબાજુ બસ, પોતાની ધૂનમાં જ મસ્ત!
હું હાથીભાઈ, છું મસ્તરામ,
ચાલું હું, ધમધમ!
ધરતી ધૂ્રજે, વૃક્ષો ડોલે,
બળવાન હું, કોણ મને બોલે?
આ હાથીભાઈથી જંગલની કીડીઓ ખૂબ પરેશાન. જો કે જંગલમાં રહેતા જીવજંતુઓ પણ હાથીભાઈથી ખૂબ ડરે.
પક્ષીઓ પણ ફફડે, વૃક્ષો સાથે માળા પણ ઉખાડીને ફેંકી દે. જ્યારે હાથીભાઈ ધમધમ ચાલે, તો તેના થાંભલા જેવા પગ નીચે કીડીઓ અને જીવજંતુઓ કચડાઈને
મૃત્યુ પામે. હાથીભાઈ બહુ શક્તિશાળી, કોઈ કહે પણ શું?
એક દિવસ જંગલની કીડીઓ, સાપ, છછુંદર, ઉંદર, ગરોળી, કાચિંડા, મકોડા અને પક્ષીઓ એકઠાં થયાં. એક વૃધ્ધ કીડી બોલી, ''આ હાથીભાઈના પગ નીચે
કચડાઈને રોજ આપણે મરી રહ્યા છે. કોઈ પાસે આ સમસ્યાનો ઉપાય છે?''
સાપ બોલ્યો, 'જો આવું જ ચાલશે, તો ધરતી પરથી આપણો વિનાશ થઈ જશે!'
કબૂતર કહે,'વૃક્ષો સાથે અમારા આવા, જમીનદોસ્ત થઈ જાય છે અને અમારાં બચ્ચાં મરી રહ્યાં છે! આપણે જંગલના રાજા સુંદર સિંહને ફરીયાદ કરવી જોઈએ.
હાથીભાઈને જંગલમાંથી બહાર કાઢી મૂકવાની માંગ કરવી જોઈએ.'
સૌ બોલી ઉઠયા,'હા,હા! ચાલો, હવે જંગલના રાજા જ આ હાથીને સજા કરશે!'
જંગલનો રાજા સુંદર સિંહ હતો. ભારે દયાળુ અને ન્યાયપ્રેમી. તેણે કીડીઓ અને સૌની વાત ધ્યાનથી સાંભળી. અંતે વૃધ્ધ કીડી બોલી, 'મહારાજ! હાથીભાઈને
જંગલમાંથી બહાર કાઢી મૂકો, નહિતર અમે કોઈ નહિ બચીએ!'
સભામાં હાથીભાઈ પણ હતા. તે કહે, 'હું કોઈને જાણી જોઈને મારતો નથી. છું જ જાડાપાડો અને થાંભલા જેવા પગ. કોઈ મારા પગ નીચે કચડાઈ જાય, તેમાં હું શું કરું?'
જંગલનું ભોલુ રીંછ મહારાજનું મંત્રી હતું. તે બોલ્યું,'આપણે હાથીને જંગલમાંથી બહાર કાઢવાની સજા ન કરી શકીએ. તે પણ આ જંગલનો રહેવાસી છે, સૌ જેટલો
જ તેને પણ જંગલમાં રહેવાનો અધિકાર છે! આપણે કોઈ બીજો માર્ગ શોધવો જોઈએ.'
મહારાજ સુંદર સિંહે કહ્યું, 'તમે આ જંગલના મંત્રી છો. જંગલવાસીઓની સુરક્ષાની જવાબદારી તમારી છે. તમે જ જલ્દી કોઈ માર્ગ શોધી કાઢો.'
ભોલુ રીંછ સભા પૂરી થયા પછી ઘરે જઈ રહ્યું હતું. ભારે ચિંતા અને વિચારોમાં હતું. કોઈ એવો માર્ગ શોધવો પડશે કે હાથીને જંગલમાંથી બહાર કાઢવો ન પડે
અને કીડીઓ તથા જીવજંતુઓ પણ બચી જાય.
જંગલમાં અંધારું થઈ રહ્યું હતું. આ જંગલમાં શિવમંદિર આવેલું હતું. બોલું રીંછ ત્યાંથી પસાર થઈ રહ્યું હતું, ત્યારે મંદિરમાં સાંજની આરતી થઈ રહી હતી.
જંગલમાં આરતી અને ઢોલ-નગારાંનો ધ્વનિ ગૂંજી રહ્યો હતો. અચાનક જ ભોલું રીંછના મગજમાં એક ચમકારો થયો અને સમસ્યાનો ઉકેલ મળી ગયો. તેણે
શિવજીને પ્રણામ કર્યા અને ઘરે જઈને શાંતિથી ઊંઘી ગયું!
જંગલના રાજા સુંદર સિંહ બીજા દિવસે સભા ભરીને બેઠા હતા. તેણે ભોલું રીંછને પૂછ્યું, 'મંત્રી રીંછ! તમને સમસ્યાનો કોઈ ઉકેલ મળ્યો કે નહિ?'
રીંછ કહે, 'મહારાજ! સમસ્યાનો ઉકેલ મળી ગયો છે.'
મહારાજ સિંહ કહે, 'વાહ! જલ્દી બતાવો ઉપાય, અમે પણ જાણવા ખૂબ આતુર છીએ.'
મંત્રી રીંછ બોલ્યું, કીડીઓ અને જીવજંતુઓનું મરવાનું કારણ એ છે કે તેઓને હાથીભાઈની આવવાની પૂર્વ સુચના નથી મળતી. જો તેઓને અગાઉથી જાણ થઈ
જાય કે હાથીભાઈ આવી રહ્યા છે, તો તેઓ માર્ગમાંથી હટી જાય અને તેઓ હાથીભાઈના પગ નીચે કચડાતા બચી જાય.
મહારાજ સિંહ કહે, 'તમારી વાત તો સાચી છે, પણ તેઓને જાણ કેવી રીતે થાય કે હાથીભાઈ આવે છે?'
મંત્રી રીંછ હસતાહસતા કહે, 'ઉપાય સરળ છે, હાથીભાઈના ગળે ઘંટ બાંધી દો! હાથીભાઈ ચાલશે, ઘંટનો ટનટન અવાજ થશે અને સૌને જાણ થઈ જશે કે
હાથીભાઈ આવી રહ્યા છે. તેઓ માર્ગમાંથી હટી જશે અને તેઓનો જીવ બચી જશે!'
સુંદર સિંહ ખુશીથી બોલી ઉઠયા, 'વાહ, મંત્રી રીંછ! તમે સુંદર ઉપાય શોધી કાઢ્યો છે. ઉપાયનો અમલ હો!'
હાથીભાઈના ગળે ઘંટ બાંધવામાં આવ્યો. હાથીભાઈ ચાલે અને ઘંટનો ટનટન અવાજ આવે. સૌ જીવજંતુઓ અને પક્ષીઓ સાવધ થઈ જાય અને સલામત
જગ્યાએ જતા રહે.
મંત્રી રીંછના સુંદર ઉપાયથી જંગલની કીડીઓ, જીવજંતુઓ અને પક્ષીઓની હાથીભાઈ સામે કોઈ ફરીયાદ ન રહી.
હાથીભાઈ હું, છું મસ્તરામ,
ચાલુ હું, ધમધમ!
ધરતી ધૂ્રજે, વૃક્ષો ડોલે,
બળવાન હું, કોણ મને બોલે?
ઘંટ બોલે ટનટન, કહું હું,
ભાગો સૌ, આવું છું હું !








