Magazines

તમે બીજા લોકોને કેટલાં-કેવાં કામ આવશો!?

By GS TEAM
20 Jun 20268 mins read
તમે બીજા લોકોને કેટલાં-કેવાં કામ આવશો!?

- પાશ્ચાત્ય દેશોમાં જ્યોતિષીઓ કુંડળીની અંદર Chironની સ્થિતિને આધારે નક્કી કરે છે 

- જન્મકુંડળીમાં Chiron કઈ રાશિમાં તેમજ કયા સ્થાનમાં છે તે ખબર પડી જાય તો, અન્યોને મદદરૂપ થવાની વ્યક્તિની  વૃત્તિ-પ્રવૃત્તિ વગેરેનો સચોટ અંદાજ આવી જાય! 

- કૌશિક કુમાર દીક્ષિત

એવો કોઈ વ્યક્તિ દુનિયામાં નહિ હોય જે બીજાંને કામ નહિ આવે! બીજાંને કામ આવવાની રીત-ભાત-નીતિ-પદ્ધતિ વગેરે વ્યક્તિએ-વ્યક્તિએ અલગ-અલગ હોઈ શકે છે પણ, અન્યોને કામ આવ્યા વગર આ દુનિયામાં કોઈને ચાલવાનું નથી. કોઈ માણસ સ્વાર્થવશ બીજાંને મદદરૂપ થાય છે તો, કોઈ માણસ નિ:સ્વાર્થભાવે પણ અન્યોની સેવા-સહાય કરવાનું જાળવી રાખે છે. દરેક જણની બીજાંને કામ આવવાની વૃત્તિ-પ્રવૃત્તિ અભ્યાસમાં લેવી ખૂબ જ રસપ્રદ રહે છે. અને, પાશ્ચાત્ય જ્યોતિષીઓ જન્મકુંડળીમાં ચિરોનની સ્થિતિ પરથી વ્યક્તિની અન્યોને કામ આવવાની વૃત્તિ-પ્રવૃત્તિનું ફળકથન કરવાની કોશિશો કરતાં જોવા મળે છે.

વાસ્તવમાં, ચિરોન ગ્રીક પૌરાણિક કથાઓમાં આવતું એક પાત્ર છે અને તેને ચેઈરોન અથવા ખેઈરોન અથવા કેઈરોન જેવા ઉચ્ચારોથી પણ ઓળખવામાં આવે છે. પરંતુ, ખગોળવિદ ચાર્લ્સ કોવલ દ્વારા ઈ.સ. ૧૯૭૭માં ચિરોન નામક એક ગ્રહની શોધ કરવામાં આવી અને, નાસાએ પણ આ 'ચિરોન' ગ્રહનું અસ્તિત્વ સ્વીકાર્યું છે. એટલે, પાશ્ચાત્ય જ્યોતિષવિદ લોકોએ પણ જન્મકુંડળીમાં ચિરોનને સ્થાન આપ્યું અને તેને આધારે ફળકથનો કરવાનું શરુ કર્યું.  પાશ્ચાત્ય જ્યોતિષશાસ્ત્રમાં છેલ્લાં પચાસ વર્ષથી ચિરોન આધારે જાતકના પરોપકારી-પરગજુ સ્વભાવ વગેરેનો સચોટ અંદાજ કાઢવાના નિયમો બનાવવામાં આવી રહ્યા છે. અહિ તમને આ એક અટપટો વિષય સમજવા માટે સાવ સરળ શબ્દોમાં સમજણ આપવી છે :

મેષ રાશિ અથવા કુંડળીમાં ૧લું સ્થાન 

જન્મકુંડળીમાં ચિરોન જો, મેષ રાશિમાં હોય અથવા ૧લા સ્થાનમાં હોય તો, વ્યક્તિ કુદરતી રીતે જ એક ઉત્તમ માર્ગદર્શક-સલાહકાર બનવાની વૃત્તિ-પ્રવૃત્તિ ધરાવે છે. તેને સલાહો આપવાનું ગમે, સલાહો આપતાં-આપતાં આવી વ્યક્તિ બીજાંને મદદરૂપ બનવા સુધી તૈયાર થઇ જાય છે. આવી વ્યક્તિને નબળી-ગરીબ વ્યક્તિઓ તરફ જન્મજાત સહાનુભુતિ હોય છે.

વૃષભ રાશિ અથવા કુંડળીમાં બીજું સ્થાન 

જયારે કોઈ વ્યક્તિ પોતાના ઘર-પરિવારની ખૂબ ફિકર કર્યા કરતો હોય અને, પરિવારજનો માટે સુખી જીવનનો વિચાર કર્યા કરતો હોય ત્યારે તેની જન્મકુંડળીમાં ચિરોન વૃષભ રાશિ પર અથવા બીજા સ્થાનમાં હોવો જોઈએ! વૃષભ રાશિ અથવા બીજા સ્થાનનો ચિરોન એટલે, પોતાના કુટુંબીજનો માટે સતત ચિંતા-ફિકર અને તેઓની સુખસવલતો માટે નિરંતર કોશિશો...

મિથુન રાશિ અથવા કુંડળીમાં ૩જું સ્થાન 

જન્મકુંડળીમાં જો, ચિરોન મિથુન રાશિમાં જોવા મળે અથવા ત્રીજા સ્થાને જોવા મળે તો, એક એવું અનુમાન કરવાનું હોય છે કે વ્યક્તિને હમેશા કોઈકને ને કોઈકને કશુંક શીખવાડવાની ઈચ્છા રહ્યા કરે..આ શીખવાડવાની ઈચ્છા જ તે વ્યક્તિને અન્યો માટે કશુંક કરી છૂટવાની - ઘસાઈ છૂટવાની ભાવના સુધી ખેંચી જાય! આવી વ્યક્તિઓ કોઈને પણ મદદરૂપ થતાં પહેલાં અથવા થયા બાદ કશુંક શીખવાડવાનો આગ્રહ જરૂર સેવે છે. 

કર્ક રાશિ અથવા કુંડળીમાં ૪થું સ્થાન 

જયારે ચિરોન જન્મકુંડળીમાં કર્ક રાશિ પર હોય અથવા ૪થા સ્થાનમાં હોય ત્યારે વ્યક્તિને એવું જીવન જીવવા મળે છે કે તેમાં કેટલાક કડવા અનુભવો થઇ ગયા હોય! આવી વ્યક્તિઓનો ભૂતકાળ થોડો કપરો-સંઘર્ષમય હોય છે. પોતાના કઠિન ભૂતકાળમાંથી તેઓ બહાર આવ્યા હોવાથી તેઓને એવી સ્થિતિ અન્યોમાં જોવા મળે ત્યારે એક પ્રકારની નૈસર્ગિક સહાનુભુતિ થઇ આવે છે જે તેઓના મનમાં અન્યોનું ભલું કરવાની પ્રેરણા આપતી રહે છે! 

સિંહ રાશિ અથવા કુંડળીમાં પાંચમું સ્થાન 

સિંહ રાશિ પર અથવા જન્મકુંડળીમાં પાંચમું સ્થાન વ્યક્તિમાં રહેલ ગર્વ-અભિમાન વગેરે તરફ સંકેત કરે છે. જયારે, ચિરોન સિંહ રાશી પર જોવા મળે અથવા કુંડળીમાં પાંચમે જોવા મળે ત્યારે પોતે પોતાની જાત પર ગર્વ-અભિમાન મહેસૂસ કરવા માટે વ્યક્તિ અન્યોને મદદરૂપ થાય છે! જ્યાં સુધી આવી વ્યક્તિઓનો ગર્વ અકબંધ રહેશે ત્યાં સુધી જ તેઓ અન્યોને કામ આવશે! જો, તમે તેમનું અપમાન કરો તો, તેઓ મદદરૂપ થવાનું પણ છોડી દેશે!

કન્યા રાશિ અથવા કુંડળીમાં ૬ઠ્ઠું સ્થાન 

તમને જયારે કોઈ વ્યક્તિ એવી મળે કે જે સતત બીજાંનાં દુ:ખ-દર્દ સમજવાની વૃત્તિ-પ્રવૃત્તિમાં ગળાબૂડ ડૂબેલી રહેતી હોય ત્યારે, સમજી જવાનું કે તેનો ચિરોન કુંડળીમાં ક્યાં તો કન્યા રાશિનો હશે અથવા ૬ઠ્ઠે સ્થાને હશે! આવાં જાતકોને બીજાંનાં દુ:ખ-દર્દ-કષ્ટ વગેરેનો અભ્યાસ કરવો હોય છે તેથી જ તેઓ એ બધું અભ્યાસ કરવાના ઈરાદાથી બીજાંની સેવા-સહાય કરવામાં અગ્રેસર રહેતાં જોવા મળે છે...! 

તુલા રાશિ અથવા કુંડળીમાં ૭મું સ્થાન 

જન્મકુંડળીમાં જો, ચિરોન તુલા રાશિ પર હોય અથવા ૭મે હોય તો વ્યક્તિને હમેશા રસ્તો કાઢવાનો શોખ હોય છે-સમસ્યાઓમાંથી બહાર નીકળવાના રસ્તાઓ ખોજવામાં રસ હોય છે...એટલે, લોકોને મદદરૂપ થવાના બહાને તેઓ પડકારજનક સ્થિતિઓમાંથી બહાર આવવાના માર્ગ મેળવી લે છે! તેઓનો હેતુ બીજાંને મદદ કરવાનો હોતો નથી પણ, તેઓનું ધ્યેય કોઈ પણ વ્યક્તિ તકલીફમાંથી બહાર આવે તેનો અભ્યાસ કરવાનો હોય છે. 

વૃશ્ચિક રાશિ અથવા કુંડળીમાં ૮મું સ્થાન 

લાભ-હાનિ પ્રત્યે અતિશય સતર્ક વ્યક્તિઓને તમે કદી મળ્યાં છો - કે, એવી વ્યક્તિઓને જોઈ છે? આવી વ્યક્તિઓ કોઈનું પણ નુકસાન ખમી નથી શકતી હોતી! કોઈકનો લાભ તેના હાથમાંથી સરકી રહ્યો હોય અને એવી વ્યક્તિ જોડે હોય તો તરત જ લાભ જાણે કે પોતાના હાથમાં લઈને તે પેલી વ્યક્તિના હાથમાં મૂકી દેશે! લાભ-હાનિ પ્રત્યેની સતર્કતા વ્યક્તિને જયારે પરોપકારી બનાવી રહી હોય ત્યારે તેની જન્મકુંડળીમાં ચિરોન વૃશ્ચિક રાશિનો હોઈ શકે અથવા ૮મે સ્થાને હોઈ શકે!

ધન રાશિ અથવા કુંડળીમાં ૯મું સ્થાન 

જ્યારે જન્મકુંડળીમાં ચિરોન ધન રાશિ પર હોય કે પછી, ૯મે સ્થાને હોય ત્યારે વ્યક્તિ પોતે એક પ્રકારની અસલામતી અનુભવતી રહે છે...પોતાની દશા ભવિષ્યમાં આવી ખરાબ થઇ તો? એ વિચારે જ આવા જાતકો અન્યોને કામ આવવાનું રાખે છે! તેઓ ઈચ્છે છે કે, પોતે તકલીફોમાં હોય ત્યારે બીજાં પણ પોતાને કામ આવે! આમ, આવી વ્યક્તિઓ જાણે કે સાવચેતીના ભાવ સાથે જ અન્યોનું કલ્યાણ કરતાં જોવા મળશે. 

મકર રાશિ અથવા કુંડળીમાં ૧૦મું સ્થાન

કોઈના પણ કપરા સંજોગોમાં પોતાની જવાબદારી સમજીને બીજાંની સેવા-સહાય કરવાનું રાખે તે મકર રાશિ ચિરોન અથવા ૧૦મે ચિરોન! આવી વ્યક્તિઓ સાવ અજાણી ત્રાહીત વ્યક્તિઓ પ્રત્યે પણ પોતાની કાંઇક જવાબદારી હોવાની સમજણ ધરાવે છે અને એટલે જ તેઓ બીજાંને મદદ કરવાનું લગભગ જાળવી જ રાખે છે. આવા જાતકો લોકોને ઘણી મોટી મદદો પણ કરતાં જોવા મળે છે. 

કુંભ રાશિ અથવા કુંડળીમાં ૧૧મું સ્થાન 

કુંભ રાશિમાં ચિરોન હોય અથવા જન્મકુંડળીમાં ૧૧મે ચિરોન હોય તેવી વ્યક્તિઓ લોકોમાં ખૂબ જ પ્રેમ-આદર પ્રાપ્ત કરતી જોવા મળે છે. સહુના પ્રેમ-આદર માટે કદર કરવાના હેતુથી આવી વ્યક્તિઓ અન્યોને મદદ કરવાનું જાળવી રાખે છે! અમુક વાર, જે લોકો આવી વ્યક્તિઓ માટે પ્રેમ-આદર નહિ રાખતાં હોય તે લોકોને પણ કુંભ ચિરોન અથવા ૧૧મે ચિરોન વ્યક્તિઓ તરફથી મદદ મળી જતી હોય છે. 

મીન રાશિ અથવા કુંડળીમાં ૧૨મું સ્થાન 

કોઈ માણસ બીજાંને બહુ જ જલ્દીથી માફ કરી દેવાની વૃત્તિ-પ્રવૃત્તિ ધરાવી રહ્યો હોય તો તેની કુંડળીમાં ચિરોનનો અભ્યાસ જરૂર કરવો. ચિરોન ક્યાં તો મીન રાશિ પર હોવો જોઈએ અથવા ૧૨મે સ્થાને હોવો જોઈએ. આવી વ્યક્તિઓ વગર વિચાર્યે-સમજ્યે બસ લોકોને મદદ કાર્ય કરતી હોય છે...! લોકો આવી વ્યક્તિઓને મદદ-સેવાના બહાને લગભગ બેવકૂફ-મૂર્ખ બનાવ્યા કરતા હોય છે!

- હવે, તમે તમારી કુંડળીમાં પણ જુઓ કે ચિરોનની શું સ્થિતિ છે?! પણ, ચિરોનનો પ્રભાવ સમજીને પછી બીજાંને મદદરૂપ થવાની ભાવનાનો ત્યાગ તો નહિ કરવા લાગશો ને?! 


FIFA  વર્લ્ડકપ સાથે આપણો દૂર-દૂરનો પણ કોઈ જ નાતો નહિ?...નોમિનેશન પણ કેવળ એક જ વાર!    

Foot Ball અને આપણો દેશ!         

1930થી ખેલાતી આવેલી આ FIFA World Cup ખેલીને મેદાન મારી જનારા માત્ર 8 દેશો! તે સિવાયના બધાય દેશો માટે હજુય FIFA World Cup જાણે કે સ્વપ્ન સમાન! 

ફ્રાંસ અને હેટી આ બે એવા દેશો છે જ્યાં રાષ્ટ્રીય રમત તરીકે કાયદેસર રીતે ફૂટબોલને સ્થાન આપવામાં આવેલું છે. જો,કે આધુનિક ફૂટબોલની જન્મભૂમિ ઇંગ્લેન્ડ ગણાય. 

હાલ ફીફા (પુરુષો માટેની આંતર્રાષ્ટ્રીય ફૂટબોલ સ્પર્ધા)વર્લ્ડકપ ખેલાઈ રહી છે ત્યારે એક વાત ખાસ નોંધવા જેવી છે કે... આવું પ્રથમવાર બની રહ્યું છે કે, ત્રણ-ત્રણ દેશો સાથે મળીને આ ૨૦૨૬ની ફીફા વર્લ્ડકપને હોસ્ટ કરી રહ્યા છે! કેનેડા-મેક્સિકો અને અમેરિકા! ભૂતકાળમાં ફીફા વર્લ્ડકપનું આયોજન કદાપિ આ રીતે એકથી વધુ દેશોની ભાગીદારીમાં થયું નથી! 

સહુ પ્રથમ તો, આ ફીફા વર્લ્ડકપના દિવસોમાં આપણે આપણા દેશના સુપ્રસિદ્ધ મહાન ફૂટબોલ-પ્લેયર સુનીલ છેત્રીને યાદ કરી લઈએ... 'સીક્કિમી સ્નાઈપર' તરીકે મશહૂર આપણા ફૂટબોલ-પ્લેયર બાઈચુંગ ભૂતિયા ફૂટબોલના આંતર્રાષ્ટ્રીય ખેલાડી છે. આઈ.એમ.વિજયનને આપણો દેશ ફૂટબોલ-પ્લેયર તરીકે ગોડ-ગિફ્ટ માની રહ્યો છે. આપણા આંતર્રાષ્ટ્રીય ફૂટબોલ-પ્લેયર પી.કે.બેનર્જીને પણ યાદ કરવો પડે. ગુરપ્રિત સિંહ સંધૂ-લલ્લીયાનઝુઆલા ચાંગ્તે-સંદેશ ઝીંગન જેવા આપણા ફૂટબોલ-પ્લેયર્સને દેશના કેટલા લોકો જાણતા હશે?! 

ફૂટબોલ ક્ષેત્રે આપણા દેશના ખેલાડીઓ જરાય ઉતરતી કક્ષાના નથી તો પણ, કોણ જાણે કેમ 'ફીફા વર્લ્ડકપ' જીતવાની વાત તો બાજુ પર રહી...આપણી ટીમ રમવા માટે પણ આજ દિન સુધી એમાં પ્રવેશ મેળવી શકી નથી! ૧૯૫૦ની સાલમાં એક મોકો હતો, જયારે એશિયન દેશોએ પોતાનું નામ પાછું ખેંચી લીધું હતું...આપણો દેશ તે વર્ષે ફીફા વર્લ્ડકપ કાયદેસર રમી શકતો હતો પણ રમવાનું ટાળ્યું અને તે માટે કારણ પણ શું આપ્યું હતું તમને ખબર છે? જાણશો તો નવાઈ લાગશે! બ્રાઝીલ ખાતે ખેલાયેલી તે ફીફા વર્લ્ડકપમાં આપણા દેશને કુદરતી આકસ્મિક સંજોગોમાં નોમીનેટ થવા મળ્યું હતું પણ, એઆઇએફએફ(અખિલ ભારતીય ફૂટબોલ મહાસંઘ) દ્વારા કુલ ત્રણેક કારણોસર ભારતીય ટીમને એ ફીફા વર્લ્ડકપ રમવા માટે જવા દેવામાં નહિ આવી હતી! પહેલું કારણ, બ્રાઝીલ યાત્રા માટેનો વધુ પડતો ખર્ચ! બીજું કારણ, વૈશ્વિક કક્ષાની એ રમત માટે આપણા ખેલાડીઓનો અભ્યાસ તથા તેઓની અપર્યાપ્ત તૈયારી! અને, ત્રીજું છેલ્લું કારણ ...એઆઇએફએફ માટે ઓલિમ્પિક રમતોની પ્રાથમિકતા હતી! ૧૯૫૦નું એ વર્ષ ગયું પછી, આજ દિન સુધી ભારત ફીફા વર્લ્ડકપ રમવા માટે નોમીનેટ થઇ શક્યું નથી! 

ઈ.સ.૧૯૩૦થી ફીફા વર્લ્ડકપ ખેલાતી આવી રહી છે પણ, તમને જાણીને આશ્ચર્ય થશે...માત્ર ૮ દેશો જ આ વર્લ્ડકપ મેળવવાને ભાગ્યવાન થઇ શક્યા છે!  અત્યાર સુધીમાં બ્રાઝીલ કુલ પાંચ વાર આ ફીફા વર્લ્ડકપ જીતી ચૂક્યું છે.જર્મની -ઇટાલી ૪-૪ વાર! આર્જેન્ટીના ૩ વાર! ફ્રાંસ-ઉરુગ્વે બબ્બે વાર અને ઇંગ્લેન્ડ-સ્પેન એક-એક વાર ફીફા વર્લ્ડકપ જીત્યું છે! આ સિવાય કોઈ પણ દેશના નસીબમાં ફીફા વર્લ્ડકપ આવ્યો નથી. ૧૯૩૦નો સર્વપ્રથમ ફીફા વર્લ્ડકપ ઉરુગ્વે જીત્યું હતું, તે પછી ઉરુગ્વે ૧૯૫૦નો ફીફા વર્લ્ડકપ પણ જીત્યું હતું. અમેરિકા-કેનેડા-જાપાન-ઈરાન-ઓસ્ટ્રેલીયા-દક્ષિણ આફ્રિકા-કતર-નોર્વે-તુર્કી-ઈરાક સહિત કુલ ૪૮ દેશોની ફૂટબોલ ટીમ આ ૨૦૨૬ની વર્લ્ડકપ ટુર્નામેન્ટ જીતવા માટે તકદીર અજમાવી રહી છે, જોઈએ! આ ૨૦૨૬નો ફીફા વર્લ્ડકપ કોના ભાગ્યમાં છેવટે જાય છે!?!?