હીટ વેવના સામના માટે ટીવી ઇન્ડસ્ટ્રી કેટલી સજ્જ છે? .

- 'સેટ પર વોટરકૂલર્સની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે. કેટરર્સને શરીરમાં ગરમી પેદા કરે એવી વાનગીઓ ન પીરસવા અને વધુમાં વધુ ફળો, છાશ અને લીંબુ પાણીની વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે.'
ગ્લોબલ વોર્મિંગને કારણે ઉનાળો વધુને વધુ આકરો બનતો જાય છે. આ વખતે મુંબઈમાં અવારનવાર યલો એલર્ટ જાહેર કરાય છે. શહેરના ભેજવાળા વાતાવરણને કારણે મુંબઈગરાંને ગરમી વધુ અસહ્ય લાગે છે. આવી પ્રતિકુળ મોસમમાં પણ ટીવી સીરિયલો અને રિયાલિટી શોના શુટિંગ ચાલુ જ રાખવા પડે છે. સવાલ એ છે કે આગ ઝરતી ગરમીથી પોતાની કાસ્ટ અને ક્રુને સુરક્ષિત રાખવા મુંબઈની ટીવી ઇન્ડસ્ટ્રીના કર્તાહર્તા સાવચેતીના કેવા પગલાં છે? એ વિશે માહિતી મેળવીએ.
એક્ટર-પોલિટિશ્યન પૂન ધિલ્લોન હાલ સિને એન્ડ ટીવી આર્ટિસ્ટ અસોસિયેશન (સિન્ટા)ની પ્રેસિડન્ટ છે. એ ટીવી પ્રોડયુસર્સના તમામ સંગઠનોને જાતે મેલ કરીને હિટવેવના સામના માટે પૂરેપૂરા સજ્જ રહેવાની તાકીદ કરી રહી છે. 'મેં એમને ઉનાળામાં આર્ટિસ્ટ્સ અને ક્રુ માટે વર્કિંગ કન્ડીશન્સ કમ્ફર્ટેબલ બનાવવા કહ્યું છે. પીવાનો ચોખ્ખા પાણી, છાયો અને પંખાની પુરતી વ્યવસ્થા કરવામાં કોઈ કચાશ ચલાવી નહિ લેવાય. પ્રોડક્શન કંપનીઓએ એ વિશે સજાગ રહી તમામ વ્યવસ્થા કરવાની રહેશે,' એમ વેટરન એકટ્રેસ કહે છે.
'ખિચડી' અને 'સારાભાઈ વર્સિસ સારાભાઈ' જેવી લોકપ્રિય સીરિયલો આપનાર એક્ટર- ફિલ્મમેકર જેડી મજીઠિયા ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડયુસર્સ કાઉન્સિલના ચેરમેન છે. એમણે કાઉન્સિલના મેમ્બર્સને તાપનો સામનો કરવા જરૂરી સૂચનાઓ આપી છે. 'અમે પ્રોડયુસર્સને ગાઈડલાઈન્સ મોકલી સેટ પર વોટરકુલર્સ અને ઓઆરએસ (ઓરલ રિહાઇડ્રેશન સોલ્યુશન)ની પુરતી વ્યવસ્થા કરવા જણાવ્યું છે. કેન્ટિનના કેટરર્સને શરીરમાં ગરમી પેદા કરે એવી વાનગીઓ ન પીરસવા અને વધુમાં વધુ ફળો, છાશ અને લીંબુ પાણીની વ્યવસ્થા કરવા તાકીદ કરાઈ છે. સેટ્સ પરના છાપરાં વિનાના એરિયામાં ટેમ્પરરી શેડ્સ ઊભા કરવાની અને પોટેબિલ એરકન્ડીશનર્સ ગોઠવવાની પણ કડક સૂચનાઓ અપાઈ છે. સેટ પર ઇમરજન્સી મેડિકલ કિટ્સ રાખવા ઉપરાંત ચુસ્ત શિફ્ટસમાં શુટિંગ કરવા પણ જણાવાયું છે, જેથી ક્રુને આકરી ગરમીમાં લાંબા કલાકો સુધી કામ કરવાની ફરજ ન પડે.'
ઉનાળાથી બચવા અમુક નિર્માતા શુટિંગના સ્થળો પણ બદલી રહ્યા છે. દાખલા તરીકે, સુપર હિટ સીરિયલ 'અનુપમા'ના પ્રોડયુસર રાજન શાહીએ તાજેતરમાં પોતાની કાસ્ટ અને ક્રુને લૂ લાગવાથી બચાવવા એક આઉટડોર સિકવન્સનું શુટિંગ સેટ પર જ પતાવવાનો નિર્ણય લીધો હતો. 'તાજેતરમાં મારા એક શો માટે એક આકરી ડાન્સ સિકવન્સ ફિલ્માવવાની હતી. એનું શૂટ આઉટડોર્સમાં કરવું પડે તેમ હતું પરંતુ અને હીટ વેવનો વિચાર કરી આખી સિકવન્સનું શુટિંગ સેટ પર જ શિફટ કરી દીધું,' એમ શાહી કહે છે. એમની ટીમે સેટ પર પક્ષીઓ અને સ્ટ્રીટ ડોગ્સ માટે પણ પાણીનાં પાત્રો પણ મૂક્યાં છે.
શાહી જેટલા જ સાવધ બીજા એક પ્રોડયુસર પ્રતીક શર્મા કહે છે, 'અમે હમણાં જ શબીર આહલુવાલિયા અને શ્રુતિ ઝા સાથે એક મ્યુઝિક વીડિયો શૂટ કર્યો પરંતુ અમે સાવચેતી વર્તી હોવાથી અમને હિટવેવ જરાય નડી નહિ. અમે સેટ પર વેનિટી વેન્સ સહિત તમામ સ્ટાન્ડર્ડ ફેસિલિટીઝ રાખી હતી. કાસ્ટ અને ક્રુને લુ ન લાગે એ માટે બધાને પુરતા હેલ્ધી લિક્વિડસ પુરા પડાયા હતા. ઈન શોર્ટ, ગરમીના સામના માટે અમે પૂરેપૂરા સજ્જ હતા.'









