Get The App

માણસની જિંદગીની કિંમત કેટલી? .

Updated: Dec 17th, 2025

GS TEAM

Google News
Google News
માણસની જિંદગીની કિંમત કેટલી?                           . 1 - image

જીંદગીનું મૂલ્ય દિવસોની લંબાઇમાં નથી. લાબું-વર્ષો સુધી જીવવાનું એ એનું ખરૃં મૂલ્ય નથી. પણ તેનો આપણે શું ઉપયોગ કરીએ છીએ તેમાં છે. માણસ ઘણું લાંબુ જીવે અને જીવન-કે જીદગીમાં સંતોષ મેળવવાનો આધાર વર્ષોની કહાણી કે કમાણી ઉપર નથી. કુદરતે આપેલા જીવનનો ક્યો સારો સદુપયોગ કર્યો તેના ઉપર તેનું મૂલ્ય બંધાય છે. - 'મોન્ટેન'

અમેરિકા શોધનારા કોલમ્બસની જિંદગી એક આર્થિક સાહસ તરીકે નિષ્ફળ જ ગણવી પડે તે છેવટે જેલમાં ગયો અને જેલમાં રીબાયો. તે નીકળ્યો હતો હિન્દુસ્તાનનો કિનારો પકડવા અને પહોંચી ગયો એક નવી દુનિયામાં.

- જીવન ચલને કા નામ : જીંદગીમાં માણસે કોઈપણ ક્ષેત્રણાં કંઈક કરવાનું છે. પોતાની શક્તિ-મતિ અને આવડત પ્રમાણે કંઈને કંઇક કાર્ય કરવાનું છે. પોતાની પ્રવૃત્તિઓના કોઈક કેન્દ્રબિંદુ ને ધ્યાનમાં રાખી કાર્ય કરવાનું છે. નાનામાં નાનું અને નમ્રમાં નમ્ર પણ કંઈક જીવન ધ્યેય હોવું જોઈએ. ધ્યેય વિનાનું જીવન લગામ વિનાનાં ઘોડા જેવું છે. સુખ, દુ:ખ, આનંદ અને પીડા, સફળતા અને નિષ્ફળતાની ઊંચી નીચી સપાટીની તરંગ લીલાથી કોઈ માણસનું જીવન મુક્ત નથી હોતું. મનપસંદ ભોજન મળ્યું હોય કે ઉપવાસ ખેંચવો પડયો હોય. જે માણસ સાંજે કહી શકે કે મેં મારૃં આજનું કામ કરી નાખ્યું છે. તેની સંતોષની અવિશિષ્ટ લાગણી તેના સ્વપ્નોની ભાતમાં કાંઈક ઉમેરી શકે.

- ઇશ્વર ઉપર ભરોસો રાખો : માણસ માને છે કે પોતે કમનસીબ છે અને પોતે જ પોતાને નિર્બળ બનાવે છે. ઓળખતાઓ ભય આપ્યા કરે છે. કેટલાક કહે કે કેટલીક બાબતમાં તમે બદ કિસ્મત છો. તો કેટલાક લોકો ખુશ કિસ્મતીયા કહી ફૂલાવે છે. પરંતુ તમે જેવા છો તેવા છો. તમને જે કંઈ મળ્યું છે. તે ઇશ્વરની કૃપા સમજો. વધુ વિકાસનો સાત્વિક માર્ગે પ્રયાસ કરો. જીંદગીને બરાબર બહેકાવીને જીવો, ખોટી તૃષ્ણા છોડો તૃષ્ણાની નદી લાંબી અને તળિયા વગરની છે. તેમાં નજર કરનારા દુ:ખીમાં દુ:ખી અને સુખીમાં સુખી માણસો એક સરખા જ આકુળ-વ્યાકુળ બને છે. સાચો રસ્તો મનને તેની ભ્રમણ- કે તૃષ્ણામાંથી મુક્ત કરવાનો છે. સાચો રસ્તો જીંદગીના એક નાનકડા ખાબોચિયાની બહાર નીકળવાને ઇશ્વર ઉપર શ્રધ્ધા રાખી હનુમાનની જેમ કૂદકો મારવાનો છે. ઇશ્વરે બધામાં આ શક્તિ આપેલી છે. તેમાં શંકા નથી. માત્ર ખૂટે છે. ઇશ્વર ઉપરની શ્રધ્ધાનો નિર્ણય.

- જીંદગીને સાચો પ્રેમ આપીએ : જિંદગીને સાચો પ્રેમ કરનારા માણસનાં દિલમાં સારા પ્રેમની એક નીડરતા જાગે છે. સાચા પ્રેમની શ્રધ્ધા તેની અંદર પણ ઝળહળી ઉઠે છે. ગમે તેવા વિકટ સંજોગોમાં પણ તેના હૈયામાં આશાનો હિમાલય અડગ રહે છે. જેટલે અંશે તાપ તેને ઓગાળે છે તેટલા અંશે તે વહેતા રહે છે. પણ તે ઓગળીને સંકોચાઈ જતો નથી. માણસની આશાઓ સતત બંધાતી રહે છે. અને તૂટતી રહે છે પણ મહત્વની બાબત તો આશાની, શ્રધ્ધાની આચ્છાદનની છે. હૃદયમાં આત્મવિશ્વાસ ઇશ્વર ઉપર શ્રધ્ધા અને હૃદયમાં પ્રેમ દીપની વાટ પ્રગટાવવી એજ જીંદગી છે. જયપ્રકાશ નારાયણ કહેતા કે જીવનનાં બધા બળો ક્ષણીક અમ નાશવંત છે. આત્મબળ-આત્મવિશ્વાસ એજ સાચું જીંદગીનું મહાબળ છે.

- જિંદગીની કિમત કેટલી ? : વિમાની પોલિસી મારફતે પ્રાપ્ત થતી નિશ્ચિંતતા અને મૃગજળનાં પાણીથી છીપતી તરસ એ બેઉ આમતો એક સરખા જ છે. છતાં પહેલી વાત આપણે ડહાપણની કરીએ છીએ અને બીજીવાત ભમ્ર તરીકે ઓળખીએ છીએ. જિંદગીનાં વળતરનું મૂલ્ય આપણે રૂપિયા પૈસામાં આંકીએ છીએ. આ રૂપિયા-પૈસા ચૂકવાઈ ગયા એટલે બધું પુરૂ થઈ ગયું. ગરીબ વિધવા માતાનો એકનો એક પુત્ર અકસ્માતનો ભોગ બની ગયો એટલે આ વિધવા ડોસીને થોડાક હજાર રૂપિયા ચૂકવી દેવાય. બસ વળતર ચૂકવાઈ ગયાનો સંતોષ લઈને સહુ છુટા પડી જાય.

માણસની જિંદગીની કિમત કેટલી ? જો વીમો ઉતરાવ્યો હોય તો ફટ કરીને કહી શકાય કે વીમાની પોલિસી જેટલી એની કિંમત થાય. પણ આજકાલ બે કલાક અને સિતેર રૂપિયાની જાહેર ખબર પણ ઠેર-ઠેર જોવા મળે છે. ગર્ભપાત માત્ર હજાર રૂપિયામાં બેજ કલાકમાં ઘરે પાછા ફરી શકાશે. આવી મતલબનાં વાક્યો આ જાહેરાતમાં લખવામાં આવે છે. પેટમાં પાંગરતા એક જીવની કિંમત અંકાય છે. અને માનવ જિંદગી રહેસાઈ જાય છે. ચગદાઈ જાય છે. કચડાઈ જાય છે. નામ શેષ થઈ જાય છે. આમ જિંદગીની કિમત અંકાય જાય છે.

સંન્યાસ લીધા પછી પણ ઘણાં વીમો ઉતરાવે છે. વીમાની પોલિસીમાં પોતાનું રક્ષણ શોધે છે. પોતાનો ચહેરો ખોઈ નાંખે છે. માણસનો ચહેરો અને અસ્તિત્વ એના અંતરમાં રહેલી શ્રધ્ધાથી બંધાય છે. રોજ સંખ્યાબંધ નવા મંદિરો બંધાયે જાય છે, કથા-પારાયણમાં લાખો લોકો ઉમટે છે. બાપુઓ અને સ્વામિઓનો તો જાણે પાર જ નથી. પુણ્યના પોટલા બાંધીને પરલોકનાં પ્રવાસે જવાની જાણે ગળાકાપ સ્પર્ધા શરૂ થઈ ગઈ છે. આ બધા વચ્ચે ઇશ્વર નામના તત્વને શોધનારે ભારે નિરાશ થવું પડે એવી હાલત દેખાય છે.

ઇશ્વરના નામે ચાલતી ભાગીદારી પેઢીઓ કે પ્રાઈવેટ લિમિટેડ કંપનીઓને ઇશ્વર ચલાવી લે તે તેની સહનશક્તિ દર્શાવે છે.

દૃષ્ટાંત કથા : એક નગરશ્રેષ્ઠી અતિ ધાર્મિક વૃત્તિના પુરૂષ હતા. દાન, ધર્મ, ધ્યાન, તપ, આદિમાં તેઓ ઘણો ખરો સમય વ્યતીત કરતા. સમાજમાં આ શ્રેષ્ઠીની પ્રતિષ્ઠા એક ધર્મપુરુષ તરીકે પ્રસ્થાપિત થઈ હતી. એકવાર તેમના નિવાસ સ્થાને એક ભૂખ્યો માણસ મધ્યાહન સમયે આવી પહોંચ્યો. નગર શ્રેષ્ઠી સ્વયં ભોજન લેવા બેસતા જ હતા. એમણે આ ભૂખ્યા માણસને ઘરમાં બોલાવીને પ્રથમ ભોજન પીરસ્યું. પેલા ભૂખ્યા માણસે ભાણા પર બેસીને બેસતાવેંત મોટો કોળિયો ભરીને ખાવા માંડયું.

'ભાઈ' ! શ્રેષ્ઠીએ એને કહ્યું : ' જે ઇશ્વરની કૃપાથી તને આ ભોજન મળ્યું એ તું ઇશ્વરનુંય સ્મરણ કર્યા વિના જમવા માંડયો એ તો કૃતધ્નતા કહેવાય !

'ઇશ્વર' : પેલા ભૂખ્યાએ ખાવાનું ચાલુ રાખતા કહ્યું કે ' હું કોઈ ઇશ્વર-ફિશ્વરમાં માનતો નથી. મારા માટે કોઈ ઇશ્વર નથી.

' આ તું શું કહે છે ? શ્રેષ્ઠીનો આત્મા કકળી ઉઠયો. 'તું ઇશ્વરવિષે આવું બોલે છે. વિચારે છે એ તો મહાપાપ કહેવાય !

'મેં કોઈ પાપ કર્યું નથી. પેલા માણસે ઉદં્ડતાથી કહ્યું : કં જે કંઈ પાપો આ દુનિયામાં દેખાય છે. એ ખુદ તમારા ઇશ્વરે જ કર્યા છે.

હવે આ શ્રેષ્ઠીથી રહેવાયું નહીં, સ્વયં ઇશ્વરને પાપી કહેનાર આ ભૂખ્યાના પેટનો ખાડો પૂરવામાં નિમિત બનીને પોતેય પાપ આચરી રહ્યા છે. એમ એમને લાગ્યું. દુ:ખ અને રોષ સાથે એમણે પેલા ઉદંડ નાસ્તિકને ભાણા પરથી ઉઠાડીને બહાર કાઢી મૂક્યો. અને ગાળો બોલતો બોલતો આ નાસ્તિક બહાર જતો રહ્યો.

તે દિવસે રાત્રે શ્રેષ્ઠીનાં સ્વપ્નમાં ઇશ્વરે દર્શન દીધા.

' તે આ ઠીક નથી કર્યું, વત્સ !' પ્રભુએ કહ્યું, ' એ ભૂખ્યાને તેં ભોજન પણ પૂરું લેવા ન દીધું.'!

પણ પ્રભુ ! આ માણસ તો નાસ્તિક હતો. સ્વયં આપને પાપી કહેતો હતો. શ્રેષ્ઠીએ દલીલ કરી.

પ્રભુએ કહ્યું કે 'મારાથી એની ઉદ્ધતાઈ અજાણ હશે એવું તો તું નથી ધારતો પુત્ર ?

શ્રેષ્ઠીએ પ્રભુની સર્વ વ્યાપકતાનો સ્વીકાર કર્યો અને કહ્યું કે આપનાથી કંઈ જ અજાણ ન હોય ભગવાન.

પ્રભુએ મુખરિત હાસ્ય સાથે કહ્યું : તો પછી જે માણસને મેં આજે એની ઉમરનાં પચાસ પચાસ વરસથી સહન કર્યો છે. નિભાવ્યો છે. એને મેં બેટંક ભોજન આપ્યું છે. એનું જીવન ટકાવ્યું છે એને તું એક ટંક પણ સહન ન કરી શક્યો વત્સ ?

શ્રેષ્ઠી પાસે આનો કોઈ જવાબ ન હોતો !

આ જીંદગી પ્રભુની દેણ છે. તે જીવાડે છે અને પોષણ પણ આપે છે. આ જીંદગીની કિંમત અણમોલ છે. તેનું મૂલ્યાકન કોઈ દિવસ કોઈથી આંકી ન શકાય. જિંદગી એ અણમોલ આપેલી ઇશ્વરની મોટી ભેટ છે. તેની કિંમત કોઈ દિવસ આંકી શકાય નહીં. (ટચલી આંગળીએ ગોવર્ધનમાંથી)

-  ડો.ઉમાકાંત જે. જોષી