'આપણને કેટલી પૃથ્વી જોઈશે ?' પર્યાવરણ સંદર્ભે ગાંધીજીનો પ્રશ્ન

- પ્રભાતના પુષ્પો-ગુણવંત બરવાળિયા
માનવસમૂહે શ્વાસ લેતી વખતે છોડેલો કાર્બન ડાયોક્સાઈડ વૈશ્વિક કાર્બન ડાયોક્સાઈડના નવ ટકા જેટલો હોય છે. આપણે ઉચ્છ્વાસ દ્વારા બહાર કાઢેલો કાર્બન ડાયોક્સાઈડ પણ વાતાવરણને નુકસાન પહોંચાડી રહ્યો છે. માંસના ઉત્પાદન માટે વધતું જતું પશુપાલન પણ વિનાશકારી સાબિત થઈ રહ્યું છે. વાતાવરણમાં ઘટતો ઓક્સિજન અને વધતા કાર્બન ડાયોક્સાઈડ વિશે ગંભીર વિચાર થાય તે જરૂરી છે. પર્યાવરણવિદ્ ગાર સ્મિથ ચિંતાના સ્વરમાં કહે છે કે, 'આપણે શ્વાસ લેતાં સાથે 'માફ કરો' કહેવું જોઈએ. જોકે ઉચ્છવાસ બહાર કાઢવો એ સ્વાભાવિક પ્રક્રિયા છે, પણ બેફામ ઉપયોગની જીવનશૈલીએ આપણી સ્વભાવ પ્રકૃતિથી વિરુદ્ધ છે.'
આઝાદીની પૂર્વસંધ્યાએ ગાંધીજીને પૂછવામાં આવ્યું કે, 'ભારતના ઔદ્યોગિક વિકાસ માટે બ્રિટિશ મોડલ અપનાવાશે ?' ગાંધીજીએ કહ્યું, 'બ્રિટનને પોતાને સમૃદ્ધ કરવા માટે આખી પૃથ્વીના અડધાં સંસાધનોની જરૂર પડે છે તો ભારતને એ સ્તરની સમૃદ્ધિ મેળવવા માટે કેટલી પૃથ્વી જોઈએ ?' ગાંધીજીએ પોતાના જવાબ દ્વારા કેવળ વિકાસની સીમાઓને જ રેખાંકન ન કરી પરંતુ વિકાસ અને પર્યાવરણના સંબંધને પણ ઉજાગર કર્યા. પ્રાકૃતિક સંસાધનોના ઉપયોગની મર્યાદાઓ અને એમનાં દુષ્પરિણામો એ અનીતિ અને અન્યાય જ છે. સમાજ, રાષ્ટ્ર અને વિશ્વમાં વિષમતા સર્જી શકે છે. એંશી ટકા કુદરતી સાધનો (નેચરલ રીસોર્સીસ)ને ૨૦ ટકા લોકો ભોગવે છે. એંશી ટકા લોકોને ભાગે માત્ર વીસ ટકા કુદરતી સાધનો આવે છે. પ્રકૃતિએ આપેલી તમામ સંપત્તિ એ કોઈ એકલાના માલિકીની નથી, સમગ્ર જીવસૃષ્ટિની સહિયારી માલિકીની છે. કોઈ પણ વ્યક્તિને એ કુદરતી સંપત્તિનો બેફામ દુરૂપયોગ કરવાનો અધિકાર નથી. વળી અગ્નિ, વાયુ, પાણી, પૃથ્વી અને વનસ્પતિમાં પણ જીવન છે. અનિયંત્રિત ભોગ-ઉપભોગથી આ જીવોની વિરાધના હિંસા થશે. પ્રકૃતિના કોઈ પણ ઘટકનો બેફામ વિવેકહીન ઉપયોગ પર્યાવરણ અસંતુલન પેદા કરે છે. અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ, ભયંકર વાયુચક્રો કે ભૂકંપ જેવી કુદરતી આફતો નોતરે છે.
પશ્ચિમની યંત્રવાદની સંસ્કૃતિ બેફામ ભોગ અને ઉપભોગલક્ષી છે. વધુ વિવિધ વસ્તુઓ વાપરો. વધુ વિવિધ વાનગીઓ આરોગો. વધુ ઉત્પાદન કરો, એ ઉત્પાદન વધારવા નવી નવી શોધો કરો. શોધો જરૂરી છે, પણ એ શોધોનો લાભ છેવાડાની વ્યક્તિ સુધી પહોંચે તો જ કલ્યાણકારી. શોષણ, હિંસા, પરિગ્રહ અને સામ્રાજ્યવાદ ભોગલક્ષી સંસ્કૃતિની નિપજ છે. ઉપભોક્તાવાદની વિકૃત વિચારધારાએ તન-મનના કેટલાય રોગો નોતર્યા છે અને જીવનસૃષ્ટિને અશાંત કરે છે.
ભોગ-ઉપભોગથી કદી સંતોષ થતો નથી. દ્રૌપદીનાં ચીર કૃષ્ણે પૂર્યાં પરંતુ તૃષ્ણા અનંત છે, તેનાં ચીર કોઈ પૂરી શકે નહીં.
બ્રશ અને દાઢી કરતાં વોશ બેસીનનો નળ સતત ખૂલ્લો રાખતી વખતે, વીસ મિનિટ કે અડધો કલાક ટબ કે શાવરબાથ લેતાં સ્વિમિંગ પુલમાં કલાકેક ગાળતાં વોટર પાર્ક કે વોટર રાઈડમાં બેસતાં, પીવાનું પાણી સુલભ રીતે ન મળતાં કેટલા માનવીઓ કે કેટલાં પ્રાણી તરસ્યા રહી જતાં હશે તેનું જરૂર એકાદવાર સ્મરણ કરી લેવું જરૂરી છે. સામાજિક, ધાર્મિક કે પરિવારના પ્રસંગ-પાર્ટીમાં કેટરર્સે તૈયાર કરેલા ભોજનના પંદર-વીસ કાઉન્ટરો, સો-સવાસો કરતાં વિવિધ વાનગીઓના વિકલ્પવનમાં ભટકતાં, સમારંભોમાં ભયંકર બગાડ નજરે નિહાળતાં 'ભૂખ લાગે માટે શું કરવું ?'નો વિચાર કરનારાઓએ 'ભૂખ લાગે તો શું કરવું ?' ની ચિંતા કરનારાઓનું સ્મરણ કરી લેવું જોઈએ.
અયાતિની પોતાના ઘડપણના બદલે પોતાના પુત્રનું યૌવન લઈ લેવું. આપણું પણ કંઈક એવું જ છે. કુદરતી સંપત્તિમાં આપણે બેફામ ભોગ-ઉપભોગ કરીએ છીએ અને પરિણામે પર્યાવરણને આપણે જે રીતે દૂષિત કરી રહ્યા છીએ તે નહીં અટકાવીએ તો આપણી આવતી પેઢીને અકાળે વૃદ્ધત્વ આવશે. જીવનશૈલીમાં થોડો સંયમ લાવશું તો માનવસર્જિત આફતો જેવી કે યુદ્ધ, હડતાલ, આંદોલનો, હુલ્લડ અને કુદરતી આફતોમાં જ્યારે જીવનજરૂરિયાતની ચીજો, પેટ્રોલ અને ગેસ જેવી ઉર્જાની અછત સર્જાશે ત્યારે તેનો આપણે સરળતાથી સામનો કરી શકીએ.
વિશ્વ પર્યાવરણ દિવસ પાંચમી જૂન-૨૦૨૬ ના ભારતના નોઈડામાં વર્લ્ડ એનવાયરમેન્ટ કોન્ફરન્સ, પર્યાવરણ સંરક્ષણ અંગે મળી રહી છે ત્યારે આપણે સૌ પ્રકૃતિના ઘટકોનું જતન કરવા કટીબદ્ધ બનીએ.








