પવનની ઝડપ કઈ રીતે માપવામાં આવે છે ?
હ વામાન ખાતાની આગાહી અને વર્તારામાં તાપમાન, હવામાનનો ભેજ વગેરે માહિતીની સાથે સાથે વાવાઝોડાની માહિતીમાં પવનની ઝડપ કેટલી હતી તે પણ જણાવવામાં આવે છે. તીવ્ર ગતિએ ફૂંકાતા જીવનની ઝડપ કેટલા કિલોમીટરની છે તે માપવા માટે એનીમોમીટર નામનું સાધન ઉપયોગમાં આવે છે.
પવનથી ચાલતી પવનચક્કી અને બાળકોના રમકડાની પવનચક્કી તો તમે જોઈ જ હશે. પવન લાગવાથી પવનચક્કી ફરે છે. અને તેની ચક્રાકાર ગતિથી ફરતી ધરી સાથે ડાયનેમો કે જનરેટર જોડવાથી વીજપ્રવાહ ઉત્પન્ન થાય છે. આ વીજપ્રવાહ કેટલો ઉત્પન્ન થયો તેના આધારે પવનની ઝડપની ગણતરી કરી શકાય. સાદા એનીમોમીટર આ સિધ્ધાંત પર કામ કરે છે.
એનીમોમીટર એક ચોરસ બોકસના આકારનું હોય છે. તેમાં બોકસમાં નાનકડું જનરેટર હોય છે. બોકસની ઉપર ચાર કે વધુ પાંખવાળો પંખો હોય છે. તેની પાંખોના છેડે ગોળાકાર વાડકીઓ જોડેલી હોય છે. તેમાં પવન ભરાય એટલે પંખો ફરે છે. પંખો કેટલી ઝડપથી ફરે ત્યારે કેટલો વીજપ્રવાહ ઉત્પન્ન થાય તેની ગણતરી કરીને પંખાની ફરવાની ઝડપ મેળવી પવનની ઝડપ મેળવવામાં આવે છે.
અન્ય પ્રકારના એક એનીમોમીટરમાં પંખો એક મિનિટમાં કેટલા ચક્કર ફર્યા તેની નોંધ રાખવાની પવનની યાંત્રિક પધ્ધતિ હોય છે. આ નોંધના આધારે પણ પવનની ઝડપ જાણી શકાય છે. જો કે આધુનિક હવામાન ખાતાની કચેરીઓમાં આધુનિક પ્રણાલીના ઇલેકટ્રોનિક એનીમોમોટર હોય છે.