Magazines

વર્તમાન સમયમાં ભક્તિ અને શક્તિ કેટલી અનિવાર્ય?

By GS TEAM
18 Jun 20252 mins read
વર્તમાન સમયમાં ભક્તિ અને શક્તિ કેટલી અનિવાર્ય?

ભક્તિ વગરની શક્તિ અને શક્તિ વગરની ભક્તિ નકામી ગણાય છે એટલે કે ભક્તિ વગરની શક્તિ ગમે તે નિર્દોષ વ્યક્તિનો ભોગ લે છે અને શક્તિ વગરની ભક્તિ માણસને નિર્માલ્ય બનાવી દે છે !

આજે પણ સ્મરણ માત્રથી શ્રદ્ધાળુ ભક્તો માટે અત્ર તત્ર સર્વત્ર હાજરાહજૂર સાક્ષાત પરચાધારી ભગવાન બાબા રામદેવપીરે અજબ શક્તિ સામર્થ્ય પ્રાપ્ત કરીને મધ્યકાલીન યુગમાં ભજન-ભક્તિનો વેગવંતો પ્રચાર-પ્રસાર કર્યો હતો અન બીજી રીતે કહેવું હોય તો ભક્તિની સાથે સાથે શક્તિ-સામર્થ્યનું પણ ઉચિત સમયે અને સ્થળે વાજબી પ્રદર્શન કર્યું હતું. એના પ્રતીક સ્વરૂપે બાબાની દરેક પ્રચલિત તસવીરોમાં ડાબા હાથમાં ચળકતો ભમ્મરીયો ભાલો જોવા મળે છે અને જમણો હાથ વરદાન મુદ્રામાં દ્રશ્ય માન થાય છે. ભાલા પર ભજન-ભક્તિના પ્રતીકરૂપ લાલ-સફેદ રંગના ધજા-નેજા પટ્ટ સદાય ફરકતા રહે છે !

જ્ઞાની-પ્રજ્ઞાની પુરુષો ધજા-નેજાના લાલ સફેદ રંગના ગર્ભિતાર્થ પણ ઊંડાણપૂર્વક સમજાવે છે. રજ-બીજ વડે પ્રકૃતિ અને પુરુષથી, શક્તિ અને શિવથી જીવ સર્જાય છે. લાલ રંગ લોહીનો અને સફેદ રંગ હાડકાનો હોય છે અર્થાત્ સંતતિમાં લાલ લોહી અને સફેદ હાડકાં અનુક્રમે શક્તિ અને શિવ, પ્રકૃતિ અને પુરુષ, નારી અને નર, માતા અને પિતા તરફથી મળેલ ગણાય છે.

બાબા રામદેવપીરે કોઈપણ જાતના ભેદભાવ વગર સતાર વીણા તંબૂરો ધારણ કરીને અનેક ધર્મનિરપેક્ષ ભજન સંધ્યાઓ વડે કોમી એકતા જાળવી રાખવા અને ઊંચનીચનો ભેદભાવ સદંતર દૂર કરવા પશ્ચિમી રાજસ્થાનમાં સતત સઘન આયોજનો કર્યા હતા અને શિવજીએ શરૂ કરેલ સનાતન-વૈદિક ધર્મને બાબા રામદેવપીરે આગળ ધપાવ્યો હોવાથી બાબા રામદેવપીરનું એક નામ 'નિષ્કલંક' પણ છે એટલે કેટલાક ભોળા-ભાવિક ભક્તો બાબાને નકલંગ-નકળંગ નેજાધારી અને ધોળી (કલંક રહિત) ધજાવાળા કહે છે. આજે પણ કચ્છ કાઠિયાવાડ સૌરાષ્ટ્ર વિસ્તારમાં રામદેવપીરની સમૂહ આરાધના કરવા વિરાટ સવરો મંડપ યોજાય છે એ શબ્દ હકીકતમાં 'શિવનો મંડપ' જ છે !

- જિતેન્દ્ર એમ. ટાંક