આપણી આસપાસનાં દૃશ્યોનાં પ્રતિબિંબ આંખના લેન્સ દ્વારા લેન્સની પાછળ આવેલાં રેટિના પર પડે છે અને રેટિના મગજને દૃશ્યના સંકેત આપે છે. રેટિનામાં એવું શું હોય છે કે તે દૃશ્યના રંગોને જુદા પાડી આપણને રંગની ઓળખ આપે છે તે જાણો છો ? આંખની રેટિનામાં જુદા જુદા રંગનાં દ્રવ્યો ધરાવતાં સૂક્ષ્મ કોષો હોય છે તેને કોન સેલ કહે છે. કોન સેલ ત્રણ પ્રકારના હોય છે. ત્રણે પ્રકારના કોન ટૂંકી, મધ્યમ અને લાંબી તરંગ લંબાઈનાં કિરણોને ઓળખીને મગજને સંદેશો આપે છે. આ ક્રિયા ઘણી અટપટી છે.
૧૯મી સદીમાં થોમસ યંગ અને હેમોલ્ટઝ નામના વિજ્ઞાાનીઓએ આ જટિલ પ્રક્રિયાની થોડી સમજ આપી હતી. તેમણે ''યંગ-હેમોલ્ટઝ થિયરી'' રજુ કરેલી આ થિયરી મુજબ આપણી આંખના કોનસેલ લાલ, લીલો અને ભૂરો રંગ તેમજ તેની વિરૂદ્ધના રંગો પારખીને તેનાં મિશ્રણોને પણ ઓળખી શકે છે. જુદી જુદી વ્યક્તિઓમાં રંગ પારખવાની શક્તિ જુદી જુદી હોય છે. મગજમાં રંગોનું વિશ્લેષણ મગજના પાછલા ભાગમાં આવેલા વિઝયુલ કોર્ટેક્ષમાં થાય છે.
આપણી આંખ રંગ પારખે છે અને મગજને જે તે રંગનું જ્ઞાાન કરાવે છે. મગજ આ બધા રંગોને ઓળખવા ઉપરાંત તેની પ્રતિક્રિયા પણ કરે છે. કેટલાક રંગો આપણને પ્રિય લાગે છે તો કેટલાંક અણગમો ઉત્પન્ન કરે છે. રંગોની આપણા મૂડ પર પણ અસર થાય છે.


