Magazines

આદિત્ય ધર આવા ધુરંધર હિટ ફિલ્મમેકર કેવી રીતે બન્યા?

By GS TEAM
2 Apr 20265 mins read
આદિત્ય ધર આવા ધુરંધર હિટ ફિલ્મમેકર કેવી રીતે બન્યા?

- કાશ્મીરી પંડિત આદિત્ય ધરને હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં લાંબો સંઘર્ષ ર્ક્યા બાદ સફળતા મળી છે. ખુદનું  ં નિર્માણહાઉસ ધરાવતા આદિત્ય કહે છે, નવી ફિલ્મ શરૂ કરવી એ શેરમાં નાણાં રોકવા સમાન છે... 

હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં હીટમેકર તરીકે છવાઇ ગયેલાં આદિત્ય ધરને સફળતા રાતોરાત મળી નથી. તેમની આ સફળતા પાછળ લાંબો સંઘર્ષ રહેલો છે. ૨૦૦૭થી ફિલ્મ લાઇનમાં કામ કરી રહેલા આદિત્ય ધરની પ્રતિભાના ઘણાં સાક્ષીઓ છે. ૪૩ વર્ષના આદિત્ય ધરની લગભગ બે દાયકાં લાંબી સંઘર્ષ સફરની કહાની તેમની ફિલ્મોની જેમ દિલધડક છે.  

દક્ષિણ દિલ્હીમાં સપના અને અલંકાર સિનેમાગૃહોની વચ્ચે આવેલાં એક ઘરમાં આદિત્ય ધરનો ઉછેર થયો છે. સ્ક્રિનરાઇટર્સ એસોસિએશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં આદિત્યના મોટાભાઇ લોકેશે ે જણાવ્યું હતું કે દર રવિવારે મારા માતાપિતા મને અને મારા ભાઇ આદિત્યને આ સિનેમાઘરોમાંથી એકમાં ફિલ્મ જોવા માટે  લઇ જતાં હતા. સિનેમા પ્રતિ અમારો લગાવ અહીંથી શરૂ થયો.  આદિત્ય ધરે એક કાર્યક્રમમાં જણાવ્યું હતું કે હું મુંબઇના ફિલ્મ ઉદ્યોગમાં સફળ થયો એ કોઇ ચમત્કારથી કમ નથી. મને ડાયલેક્સિયા એટલે કે વાંચવા -લખવાની તકલીફ હતી એટલે હું અભ્યાસમાં નબળો હતો પણ નાટકશાસ્ત્રમાં હું પ્રવીણ હતો. કમાલની વાત એ છે કે આદિત્ય ધર હોટલ મેનેજમેન્ટનો ગ્રેજ્યુએટ છે. 

આદિત્ય ધરને  સૌ પ્રથમ ૨૦૦૬માં આવેલી ફિલ્મ  કાબુલ એક્સપ્રેસમાં ગીતકાર તરીકે કામ મળ્યું હતું.  

એ પછી આદિત્યએ સહાયક નિર્દેશક તરીકે  કામ કરવાનું શરૂ કર્યુ. એ પછી ૨૦૧૦માં આક્રોશ ફિલ્મમાં આદિત્ય ધરે ફિલ્મના સંવાદો પણ લખ્યા. આમ વિવિધ કામો કરી સંઘર્ષ કરતાં આદિત્ય ધરને ૨૦૧૬માં ધર્મા પ્રોડક્શન્સ દ્વારા પ્રથમ ફિલ્મ રાત બાકીનું નિર્દેશન કરવાની ઓફર મળી. આ ફિલ્મમાં પાકિસ્તાની હિરો ફવાદખાન અને કેટરિના કૈફહિરોઇન હતા.૨૦૧૦ના અંતમાં ફિલ્મનું શૂટિંગ શરૂ કરવાનું નક્કી થયું હતું. પણ આ દરમ્યાન સપ્ટેમ્બરમાં જ પાકિસ્તાની આતંકી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ચાર આતંકીઓએ જમ્મુ-કાશ્મીરમાં આવેલાં ભારતીય આર્મીના કેમ્પ પર હુમલો કરી ૧૯ જવાનોને ઠાર કર્યા. આ ક્રૂર હુમલા સામે દેશમાં રોષ ફાટી નીકળ્યો અને ભારતમાં કામ કરતાં પાકિસ્તાની કળાકારો પર તત્કાળ પ્રતિબંધ મુકી દેવામાં આવ્યો. ફિલ્મના નિર્માતા કરણ જોહર વિડિયો બનાવી જાહેર કરવું પડયું  કે  તે પાકિસ્તાની કળાકારોને લઇને કામ નહીં કરે.  આ પ્રતિબંધને પગલે આદિત્ય ધરની પ્રથમ ફિલ્મ પણ અભેરાઇ પર ચઢી ગઇ. આમ, આદિત્ય ધરનો પ્રથમ  ફિલ્મ પ્રોજેક્ટ શરૂ થાય એ પહેલાં  જ તેનો અંત આવી ગયો. 

આતંકી હુમલાના દસ દિવસ બાદ ભારતીય આર્મી દ્વારા સર્જિકલ સ્ટ્રાઇક કરવામાં આવી.રાત બાકી ફિલ્મ બંધ થઇ જતાં નવરાં પડેલાં આદિત્ય ધરને કાશ્મીરી પંડિત હોવાના નાતે આ કાર્યવાહીમાં ઉંડો રસ પડયો. એ પછી છ મહિના સુધી આદિત્ય ધરે આ ઘટનાનું સુપેરે સંશોધન કર્યું. ધરે પત્રકારો અને લશ્કરના અધિકારીઓને મળી આ ઓપરેશનની તલસ્પર્શી માહિતી એકત્ર કરી. જ્યારે ધરને ખબર પડી કે આ વિષય પર અન્ય ફિલ્મમેકર્સ પણ ફિલ્મ બનાવવાની તૈયારી કરી રહ્યા છે ત્યારે આદિત્ય ધરે પોતાના ઘરમાં એક ઓરડામાં પૂરાઇ માત્ર બાર જ દિવસમાં આ ઘટનાને કેન્દ્રમાં રાખી ફિલ્મની પટકથા લખી નાંખી. એ પછી કામ પૂરઝડપે ચાલ્યું. રોની સ્ક્રૂવાલા નિર્માતા બનવા અને વિકી કૌશલમેજર વિહાનસિંહ શેરગીલની ભૂમિકા ભજવવા માટે સંમત થયો. શેરગીલનું પાત્ર  એ ભારતીય લશ્કરી અધિકારી પર આધારિત છે જેમણે ઉરી હુમલાની આગેવાની કરી છે. જાન્યુઆરી ૨૦૧૯માં ઉરી: ધ સર્જિકલ સ્ટ્રાઇક રિલિઝ થઇ. ફિલ્મે બોક્સ ઓફિસ પર ૩૪૦ કરોડ રૂપિયાની તગડી કમાણી તો કરી પણ આ ઉપરાંત ફિલ્મને ચાર નેશનલ એવોર્ડ પણ મળ્યા. શ્રેષ્ઠ નિર્દેશક તરીકે આદિત્ય ધરને , શ્રેષ્ઠ અભિનેતા તરીકે વિકી કૌશલને , શ્રેષ્ઠ બેકગ્રાઉન્ડ મ્યુઝિક માટે શાશ્વત સચદેવને  અને  બેસ્ટઓડિયોગ્રાફી એટલે કે સાઉન્ડ ડિઝાઇન માટે વિશ્વદીપ ચેટર્જીને નેશનલ એવોર્ડ મળ્યા. 

 પણ આદિત્ય માટે અંગત રીતે અને વ્યવસાયિક રીતે પણ ઉરી ફિલ્મની સફળતા મહત્વપૂર્ણ બની રહી. આ ફિલ્મના પ્રમોશન દરમ્યાન જ આદિત્ય ધર અને યામી ગૌતમ એકમેકની નિકટ આવ્યા. ચાર જુન ૨૦૨૧ના રોજ આદિત્ય અને યામી લગ્નગ્રંથિથી જોડાયા. દસ મે ૨૦૨૪ના રોજ તેમના ઘરે પુત્ર વેદાવિદનું આગમન થયું.  ઉરીની સફળતા બાદ  આદિત્ય અને તેના ભાઇ લોકેશે દિલ્હીમાં ૨૦૧૯માં પ્રોડકશન કંપની બી૬૨ સ્થાપી છે. લોકેશને ભારત અને યુએસના સ્ટુડિયો સાથે કામ કરવાનો બે દાયકાનો અનુભવ છે. આ કંપની દિલ્હીમાં તેમનો જ્યાં ઉછેર થયો છે તે ઘરમાં જ સ્થાપવામાં આવેલી છે. ૨૦૨૪માં તેમના સ્ટુડિયો દ્વારા નિર્માણ કરવામાં આવેલી આર્ટિકલ ૩૭૦ ફિલ્મ પણ હીટ નીવડી હતી. આ ફિલ્મ આદિત્ય ધરે લખી હતી અને તેમાં મુખ્ય ભૂમિકા યામીએ ભજવી હતી. જ્યારે તેનું નિર્દેશન આદિત્ય સુહાર જાંભળેએ કર્યું હતું. ૨૦૨૫માં આ સ્ટુડિયો દ્વારા ધૂમધામ નામની ફિલ્મ અને બારામુલ્લા નામની સિરિઝનું પણ નિર્માણ કરવામાં આવ્યું હતું. ધર કહે છે મારા જેવા પ્રતિભાશાળી આઉટસાઇડર્સને પ્લેટફોર્મ પુરૂ પાડવાના આશયથી તેમણે પ્રોડકશન હાઉસની સ્થાપના કરી છે. જો કે, આ પ્રોડકશન હાઉસ દ્વારા બનાવવામાં આવેલી ધૂમધામ ફિલ્મની કથા પણ રસપ્રદ છે. મૂળમાં આ આદિત્ય ધરની પહેલી ફિલ્મ રાત બાકીની જ આ નવી આવૃત્તિ છે. જેમાં પ્રતીક ગાંધી અને યામી ગૌતમ મુખ્ય ભૂમિકામાં છે. મજાની વાત એ છે કે આદિત્યની અભેરાઇ પર ચડી ગયેલી આ પહેલી ફિલ્મની નવી આવૃત્તિનું નિર્દેશન રીષભ શેઠે કર્યું છે. આમ, દરેક ફિલ્મની એક કુંડળી હોય છે. 

સાઉન્ડ  ડિઝાઇનર વિશ્વદીપ ચેટર્જી આદિત્ય ધરને તે સહાયક નિર્દેશક તરીકે કામ કરતો હતો ત્યારથી ઓળખે છે.૨૦૦૭માં વિધુ વિનોદ ચોપડાની ફિલ્મ એકલવ્ય: ધ રોયલ ગાર્ડનું શૂટિંગ ચાલુ હતું ત્યારે તેમના આ ભાવિ સાઉન્ડ ડિઝાઇનર વિશ્વદીપ ચેટર્જી તેમને મળવા માટે ફિલ્મના સેટ પર જતા હતા. એ સમયે વિધુ વિનોદ ચોપડાના સહાયક નિર્દેશક તરીકે કામ કરી રહેલાં આદિત્ય ધર અ ે સમયે પણ વિશ્વદીપ ચેટર્જીને શાંત અને પ્રતિભાશાળી યુવાન જણાયા હતા.એક ફિલ્મમેકર તરીકે આદિત્ય ધરે હવે પોતાની જાત સાથે જ સ્પર્ધા કરવાની છે. વિશ્વદીપ ચેટર્જીએ  ઉરી અને ધુરંધર બંને ફિલ્મોમાં ધરની સાથે સાઉન્ડ ડિઝાઇનર તરીકે કામ કર્યું છે.  આદિત્ય ધર કાશ્મીરી પંડિત છે એટલે એવો આક્ષેપ થાય છેે કે તેની બધી ફિલ્મોનું બેકગ્રાઉન્ડ કાશ્મીર હોય છે. તેની ફિલ્મ આ કારણસર પ્રોપેગંડા બની રહે છે. જો કે, આદિત્ય આ મામલે સ્પષ્ટ છે . તે કહે છે, લોકો મારી ફિલ્મને પ્રોપેગંડા ગણાવે તેની મને કોઇ પડી નથી. ભારતીય દર્શકો ચતુર છે અને તેમને પ્રોપેગંડા એટલે શું તે ખબર છે. મારી ફિલ્મ હું સારા ઇરાદાથી બનાવું છું, જે દિવસે તે નહીં હોય એ દિવસે હંુ ફિલ્મો બનાવવાની બંધ કરી દઇશ. 

અનુરાગ કશ્યપે એક એપમાં જણાવ્યું હતું કે જો દુશ્મન દેશ પ્રત્યે નફરત ન હોય તો જાસૂસ  તેની જાસૂસી કરી શકે નહીં. ધરની તમામ ફિલ્મો કાશ્મીર વિશે છે, તે એક કાશ્મીરી પંડિત છે જેણે સહન કર્યું છે. તમે તેના મંતવ્ય સાથે સંમત થાવ કે નહીં પણ તેનું ફિલ્મમેકિંગ ઉચ્ચ કક્ષાનું હોય છે તેમાં કોઇ બેમત નથી.